હાલમાં પતંજલિ ઉત્પાદકોએ દરેક પ્રકારના ઉત્પાદનમાં ગજબનું કાઠું કાઢ્યું છે. ઠેરઠેર પતંજલિના સ્ટોર્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. પતંજલિના ઉત્પાદકો સોશ્યલ મિડિયા તથા અખબારોના માધ્યમ થકી તેની ઉત્પાદકીય વસ્તુઓનો જોરશોરથી પ્રચાર કરે છે. દવાથી લઈને ખાદ્ય પદાર્થો તથા ઘર વપરાશની મોટા ભાગની પ્રોડક્ટ પતંજલિના શોપમાં આસાનીથી મળી રહે છે. હવે પ્રશ્ન અહીં એ થાય છે કે તમે પતંજલિ શોપમાંથી ૧ હજાર રૂપિયાથી લઈને ૫ હજાર રૂપિયા સુધીની વસ્તુઓ ખરીદશો તો પણ એ લોકો તમને કેરી (carry bag) બેગ કે થેલી આપતાં નથી અને જો કોઈ ગ્રાહક થેલીની જીદ કરે તો તે લોકો રૂપિયા પાંચ રોકડા લઈને કાપડની થેલી આપે છે.
ખરેખર તો દરેક વેપારીએ પોતાનાં ગ્રાહકોને વસ્તુઓ લઈ જવા માટે કેરી બેગ કે થેલી પૂરી પાડવાની જવાબદારી હોય છે, પરંતુ પતંજલિના ઉત્પાદકો વધારે ને વધારે નાણાં રળવાની લાહ્યમાં એક કેરી બેગ પણ ગ્રાહકોને પૂરી પાડતાં નથી. આ બાબતને પતંજલિની આડોડાઈ કે વેપારી નીતિ સમજવી એ વાચકોએ તથા ગ્રાહકોએ સમજવા જેવો વિષય છે.
પંચમહાલ- યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.