Columns

ટ્રેક્ટર રેલીની ધમાલ પછી સરકારે ભીંત પરનું સ્પષ્ટ લખાણ વાંચવું પડશે

જો પ્રજાસત્તાક દિનની પરેડ પછી કિસાનો ખરેખર હિંસા કરવા માગતા હોત તો તેઓ રાજધાની નવી દિલ્હીને ભડકે બાળી શક્યા હોત. તેને બદલે લાલ કિલ્લા પર શીખ ગુરુદ્વારાનો ધ્વજ લહેરાવીને તેઓ પોતાની છાવણીઓમાં પાછા ફરી ગયા હતા.

કેટલીક મીડિયા ચેનલો દ્વારા દર્શાવવામાં આવ્યું હતું તેમ તે ખાલિસ્તાનનો ધ્વજ નહોતો અને કિસાનો દ્વારા ભારતના તિરંગાનું કોઈ અપમાન કર્યું નહોતું. મીડિયા ચેનલો દ્વારા કિસાનોને દેશદ્રોહી ચિતરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો તે પણ હાસ્યાસ્પદ હતો. આ રેલીમાં પાકિસ્તાનના નહીં પણ ભારતના તિરંગા જ દેખાતા હતા.

આટલી મોટી રેલી દરમિયાન મામૂલી હિંસા થાય તે સહજ હતું. કિસાનોનું એક જૂથ લાલ કિલ્લા પર ચડી જવાનું છે તે વાતની જાણ સરકારને ન થઈ તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા હતી. સુરક્ષા દળો કિસાનોને લાલ કિલ્લા પર ચડતા રોકી ન શક્યા તે તેમની નિષ્ફળતા હતી.

આ રેલીની ધમાલ પછી સરકારને સંદેશો મળી ગયો છે કે જો તે કિસાનોનો મુદ્દો હલ નહીં કરી શકે તો આવનારા દિવસોમાં વધુ મોટું તોફાન થઈ શકે છે. સરકારે હવે પોતાની જિદ પડતી મૂકવાની તાતી જરૂર છે.

પ્રજાસત્તાક દિને રાજધાનીમાં નાનકડું છમકલું કરતાં પહેલાં લાખો કિસાનો ૬૧ દિવસથી દિલ્હીની સરહદ પર પોતાની માગણીના સંદર્ભમાં શાંતિથી ધરણા કરી રહ્યા હતા તે ન ભૂલવું જોઈએ. સરકાર સાથેની મંત્રણાના ૧૧ રાઉન્ડ પછી પણ તેઓ ત્રણ કાયદાઓ પાછા ખેંચવાની પોતાની માગ પર અડગ રહ્યા તે તેમના દૃઢ નિર્ધારની સાબિતી છે.

સરકાર જે કાયદાઓ કિસાનોના સમર્થનમાં હોવાનો દાવો કરે છે તે કાયદાઓ કિસાનોને જોઈતા જ નથી. તો પછી આ કાયદાઓ કોના ફાયદા માટે છે? તેનો ખુલાસો સરકારે કરવો જોઈએ. શું અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓ સરકારનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધી લેવા માગે છે? આ લાગણી કિસાનોમાં જ નહીં પણ સામાન્ય પ્રજાજનોમાં પણ વ્યાપક બની રહી છે. સરકારે તેનો યોગ્ય જવાબ આપવો જોઈએ.

પ્રજાસત્તાક દિનની પરેડ દરમિયાન દર વખતે આપણને સરકારની, સુરક્ષા દળોની અને નોકરશાહીની તાકાત જોવા મળે છે. પ્રજા તો બિચારી પાછળની ખુરશીમાં બેસીને પ્રેક્ષકની ભૂમિકા ભજવે છે. આ પ્રજાસત્તાક દિન નોખી ભાત પાડનારો બની રહ્યો.

ભારતના ૬૦ કરોડ કિસાનોનું પ્રતિનિધિત્વ કરનારા કિસાનો દ્વારા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત પ્રજાની સમાંતર પરેડ કાઢવાની માગણી કરવામાં આવી. સરકાર તે માગણી સ્વીકારવાના મૂડમાં જ નહોતી, પણ કિસાનોની બેઠી તાકાત જોયા પછી સરકાર પાસે કોઈ વિકલ્પ જ રહ્યો નહોતો.

છેવટે રેલીને પરવાનગી આપવામાં આવી પણ નિયમો પોલિસ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા. તે નિયમો કિસાનોને મંજૂર નહોતા માટે તેમણે પોતાના નિયમો મુજબ રેલી કાઢી. આ રીતે પહેલી વખત સરકારના સંચાલન વગરની પ્રજાની પરેડ કરોડો દર્શકોને લાઇવ ટેલિવીઝન પર જોવા મળી.

કિસાનોની પરેડના કવરેજમાં ભારતીય મીડિયાનો પક્ષપાતી ચહેરો છતો થઈ ગયો. સવારે નવ વાગ્યે એક બાજુ રાજપથ પર સરકારી પરેડની તૈયારી ચાલી રહી હતી તો કિસાનોએ એક કલાક વહેલા બેરિકેડ તોડીને સિંઘુ બોર્ડરથી દિલ્હીની હદમાં પ્રવેશ કર્યો હતો.

જે ચેનલો સરકારને વફાદાર હતી તેમણે આ મહત્ત્વની ઘટનાની નોંધ પણ લીધી નહોતી પણ સરકારી પરેડની તૈયારીનું કવરેજ ચાલુ રાખ્યું હતું. દરમિયાન તટસ્થ ગણાતી એકાદ-બે ચેનલો દ્વારા કિસાનો દ્વારા નિયત સમય પહેલાં શરૂ કરવામાં આવેલી રેલીનું કવરેજ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

સરકારને વફાદાર ગણાતી ચેનલોના માલિકોને જ્યારે લાગ્યું કે જો હવે કિસાનોનું આંદોલન દેખાડવામાં નહીં આવે તો તેમની આબરૂ જશે ત્યારે તેમણે કેમેરા તેમના ભણી કેન્દ્રિત કર્યા હતા પણ તેમના માલિકોની સૂચના મુજબ કિસાનોને ભાંડવાનું શરૂ કર્યું હતું.

તેમના કેમેરામેનો કિસાનોના મોંઢામાં માઇક નાખીને તેમને દેશદ્રોહી પુરવાર કરવાના પ્રયાસો કરી રહ્યા હતા, પણ કિસાનો શાંત જ રહ્યા હતા. લાલ કિલ્લા પર જે કાંઈ બન્યું તેમાં સરકારનો અને સરકારતરફી મીડિયાનો ચહેરો ખુલ્લો થઈ ગયો હતો.

કિસાનો જ્યારે બેરિકેડ તોડીને આગળ વધ્યા ત્યારે સુરક્ષા દળોને ખ્યાલ આવી જવો જોઈતો હતો કે તેમનું ટાર્ગેટ લાલ કિલ્લો છે, જે દેશના સ્વાભિમાનનું પ્રતિક ગણાય છે. તેને બદલે તેઓ ઉંઘતા રહ્યા અને કિસાનો લાલ કિલ્લા પર ચડી ગયા હતા. કિસાનો દ્વારા તિરંગા ધ્વજને સ્પર્શ પણ કર્યા વિના તેથી ઓછી ઊંચાઈ પર પોતાનો ધ્વજ ફરકાવી દેવામાં આવ્યો હતો, પણ ચેનલના રિપોર્ટરો દ્વારા જૂઠા દાવાઓ કરવામાં આવતા હતા કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે.

કિસાનોના વર્તમાન આંદોલનમાં શીખ અને જાટ કોમની મુખ્ય ભૂમિકા છે. આ બે કોમો ભારતના સુરક્ષા દળોની કરોડરજ્જુ સમાન છે. જ્યારે દુશ્મન દેશના સૈનિકો દ્વારા આપણી ભૂમિ પર આક્રમણ કરવામાં આવે છે ત્યારે આ કોમના શૂરવીર જવાનો જ પોતાના પ્રાણનું બલિદાન આપીને આપણી સરહદોની રક્ષા કરે છે. પંજાબના દરેક ઘરમાં એક પુત્ર જવાન હોય છે તો બીજો પુત્ર કિસાન હોય છે.

હરિયાળી ક્રાંતિ દ્વારા દેશને ભૂખમરાથી બચાવવામાં મુખ્ય ભૂમિકા પણ પંજાબના અને હરિયાણાના કિસાનોએ જ ભજવી હતી. આ કિસાનો કોઈ રીતે ગરીબ નથી પણ સમૃદ્ધ અને સંપન્ન છે. સરકાર કૃષિ કાયદાઓ વડે તેમને પણ બિહારના અને બંગાળના કિસાનોની જેમ કંગાળ બનાવી દેવા માગે છે તેની સામે તેમનો સખત વિરોધ છે.

આ કિસાનો આપણા અન્નદાતાઓ છે. તેઓ કાળી મહેનત કરીને અનાજ પેદા કરે છે ત્યારે આપણે સુખેથી ભોજન કરી શકીએ છીએ. ભારતના સાચા પ્રતિનિધિઓ આ કિસાનો છે, પણ ૮૦૦ જેટલા સંસદસભ્યો નથી. આ મુઠ્ઠીભર સંસદસભ્યો મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ફાયદા માટે કરોડો કિસાનોને બરબાદ કરતા કાયદાઓ ઘડે તેને પ્રજાએ શા માટે માન્ય રાખવા જોઈએ.

હકીકતમાં સરકારના અન્યાયી કાયદાથી પ્રજાને બચાવવાની સૌથી પહેલી ફરજ સુપ્રિમ કોર્ટની છે, પણ તેના જજો આંખે પટ્ટી બાંધીને બેસી ગયા છે. તેઓ કોઈ રીતે સરકારને નારાજ કરવા માગતા નથી. માટે કિસાનોને રસ્તા પર આવવાની ફરજ પડી છે. લોકશાહીમાં ચોથી જાગીર ગણાતા મીડિયા દ્વારા કદી કિસાનોની પરિસ્થિતિ અને તેમનું દૃષ્ટિબિંદુ સમજવાની કોશિષ જ કરવામાં આવી નથી. મીડિયા હાઉસ ચલાવવા માટે અબજો રૂપિયાની મૂડી જોઈએ છીએ અને સરકારની કૃપા પણ જોઈએ છીએ.

સરકાર જ આજે દેશનું સૌથી મોટું સ્થાપિત હોત થઈ ગઈ છે. જો કોઈ મીડિયા હાઉસ સરકારની નીતિનો વિરોધ કરવાનો નિર્ણય કરે તો સરકાર તેને ટાર્ગેટ બનાવીને તોબા પોકરાવી શકે છે. આ કારણે કિસાન આંદોલનના વર્ણનમાં મીડિયા દ્વારા કાયમ સરકારનું જ દૃષ્ટિબિંદુ રજૂ કરીને કિસાનોને અન્યાય કરવામાં આવે છે. તેનો સાક્ષાત અનુભવ પ્રજાસત્તાક દિનની પરેડના કવરેજમાં થઈ ગયો છે. કિસાનો મીડિયાના કવરેજના કે સરકારની કૃપાના મોહતાજ નથી.

સરકાર પાસે પોલિસનો પાવર છે તો કિસાનો પાસે પ્રજાનો પાવર છે. હવે મુકાબલો પ્રજા અને પોલિસ રાજ વચ્ચે છે. કિસાનો આંદોલનને તેની મંઝિલ સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ છે. તેમને કાયદા રદ્દ કરવાથી ઓછું કાંઇ મંજૂર નથી. કિસાન આંદોલન જેટલું લાંબું ચાલશે તેટલી સરકાર ખુલ્લી પડી રહી છે. સરકાર પાસે ઝૂકવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top