SURAT

ટ્રેક્ટર ચાલકે મહિલા પર કચરો નાંખ્યો, બુલડોઝરે ઊંચકી બીજે ફેંકી: સુરતમાં મહિલા 10 મિનીટ સુધી કચરાના ઢગલા નીચે દટાઈ રહી, જુઓ વીડિયો

સુરત: સુરતમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટરમાં ભરેલો કચરો એક મહિલા પર ઠાલવી દીધો હતો, જેના લીધે તે કચરાના ઢગલા નીચે દબાઈ ગઈ હતી અને વાત અહીંથી અટકી નહોતી. થોડા સમય બાદ તે કચરાના ઢગલા પાસે એક જેસીબી આવ્યું અને કચરાના ઢગલા સાથે મહિલાને પણ ઉઠાવી ગયો હતો અને બીજા ઢગલા પર ફેંકી દીધી હતી. આ મહિલાની બૂમાબૂમ સાંભળી સ્થાનિક લોકોએ ભેગા થઈ તેને ઢગલામાંથી બહાર કાઢતા તેનો જીવ બચ્યો હતો.

સુરતના અમરોલી શ્રી રામ ચાર રસ્તા ખાતે મહાનગર પાલિકાની કચરાના ડમ્પીંગની સાઇટ પર નીતાબેન પપ્પુ ડામોર નામની મહિલા કચરો વિણતી હતી ત્યારે એક ટ્રેકટર ચાલકે તેના પર કચરો ઠાલવી દીધો હતો જેથી મહિલા કચરાના ઢગલા નીચે દબાઇ ગઇ હતી. થોડા સમય બાદ એક જેસીબી ચાલક આવ્યો હતો અને તેણે આ કચરો ઉઠાવીને કચરાના મોટા ગંજ પર ફેંકવાનું શરૂ કર્યું હતું જેમાં આ મહિલા કચરાના ગંજ નીચે દબાઇ ગઇ હતી. જો કે, તેની બેન રજની નજીકમાં જ કચરો વિણતી હતી અને તેણે પોતાની બેનને ન જોતા તે શોધવા માટે નીકળી હતી. રજનીબેન તેમને શોધતી હતી ત્યારે એક જેસીબીવાળો આવ્યો. તેને પણ આખો કચરો ઊંચકીને કચરાના મોટા ઢગલા પર ફેંકી દીધો હતો. એ સમયે રજનીબેને શંકા ગઈ કે કદાચ નીતાબેન કચરાની નીચે દબાઈ ગયાં હશે. અને તેને અવાજ સંભળાતા તેણે બુમાબુમ કરીને સ્થાનિક લોકોને એકત્ર કર્યા હતા. લોકો ભેગા થયા હતા. કચરો ખસેડતા જ દસેક મિનિટ થઈ ગઈ હતી. કચરામાંથી નીતાબેનને રેસ્ક્યૂ કરાયાં હતાં.

સ્થાનિક લોકોએ નીતાબેનને કચરાના ઢગલામાંથી સલામત બહાર કાઢી હતી અને તેને પ્રાથમિક સારવાર માટે સુરત મહાનગર પાલિકાની સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પાલિકાનો કચરો ઠાલવનારા વાહન ચાલકોની બેદરકારી સામે આવી હતી અને સ્થાનિક લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top