પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં 5થી 6 વર્ષ દરમિયાન દેશની યુવા પેઢી હેકેથોન્સના મંચ પર દેશના ચાવીરૂપ પડકારોથી પરિચિત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, હેકેથોન્સના આયોજન પાછળનો ઉદ્દેશ દેશની યુવાશક્તિને એકમંચ પર સંગઠિત કરવાનો અને તેમને તેમની પ્રતિભાઓને વ્યક્ત કરવા એક માધ્યમ પ્રદાન કરવાનો છે. બાળકોના પ્રથમ મિત્ર તરીકે રમકડાનું મહત્વ વ્યક્ત કરવા ઉપરાંત પ્રધાનમંત્રીએ રમકડાંઓ અને રમતના આર્થિક પાસાં પર પણ ભાર મૂક્યો હતો, જેને તેમણે ‘ટોયકોનોમી’ નામ આપ્યું હતું.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દુનિયાભરમાં રમકડાનું બજાર આશરે 100 અબજ ડોલરનું છે અને આ બજારમાં ભારતનો હિસ્સો ફક્ત 1.5 ટકા છે. ભારત એના લગભગ 80 ટકા રમકડાની આયાત કરે છે. એનો અર્થ એ છે કે, દર વર્ષે કરોડો રૂપિયાનું ધન દેશની બહાર જાય છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. આ આંકડાઓ ઉપરાંત આ ક્ષેત્ર સમાજના જરૂરિયાતમંદ વર્ગોની પ્રગતિ અને વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. રમકડાં ઉદ્યોગ એક આગવો નાના પાયાનો ઉદ્યોગ છે.
તેમાં ગ્રામીણ વિસ્તારો, દલિતો, ગરીબો અને આદિવાસી સમુદાયોના કલાકારો કામ કરે છે. પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં મહિલાઓના પ્રદાન પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું હતું. તેમણે આ વર્ગોને લાભાન્વિત કરવા આપણે સ્થાનિક રમકડાઓના વપરાશને પ્રાધાન્ય આપવાની તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમકડાઓને સ્પર્ધાત્મક બનાવવા નવીનતા અને ધિરાણના નવા મોડલ માટેની અપીલ કરી હતી.
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતુ કે બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની ઓનલાઇન અને ડિજિટલ ગેમ્સ ભારતીય વિભાવના પર આધારિત નથી અને આ પ્રકારની ઘણી ગેમ્સ હિંસાને પ્રોત્સાહન આપે છે તથા માનસિક તણાવનું કારણ છે. દુનિયા ભારતની ક્ષમતા, કળા અને સંસ્કૃતિ તથા સમાજ વિશે જાણવા આતુર છે. રમકડાં એમાં મોટી ભૂમિકા ભજવી શકે. ભારત ડિજિટલ ગેમિંગ માટે પુષ્કળ સામગ્રી અને સક્ષમતા ધરાવે છે.
તેમણે કહ્યું હતુ કે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ રમકડાં ઉદ્યોગના ઇનોવેટર્સ અને સર્જકો માટે સોનેરી તક છે. ઘણા પ્રસંગો, આપણા સ્વતંત્રતાસેનાનીઓ સાથે સંબંધિત ગાથાઓ તથા તેમનું સાહસ અને નેતૃત્વ ગેમિંગ વિભાવના માટે પ્રેરક બની શકશે. આ ઇનોવેટર્સ ‘ભવિષ્ય સાથે પ્રજા’ને જોડવામાં મોટી ભૂમિકા ધરાવે છે. રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ ગેમ્સ બનાવવાની જરૂર છે, જે ‘રસપ્રદ, મનોરંજક અને માહિતીપ્રદ’ હોય.
માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા ટોયકાથોન -2021નો શુભારંભ કરવામાં આવ્યો છે. જુદાં-જુદાં 68 પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ પર ભારતની 14000 ટીમે ભાગ લઈ રહી છે. રાજ્યમાંથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) નોડલ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાના વરદ હસ્તે ટોયકાથોન – 2021નો શુભારંભ કરવામાં આવ્યો છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજીટલ માધ્યમ થકી ચર્ચા કરી હતી.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ભાગ લઈ રહેલાં વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, જીટીયુ વિવિધ ટોય ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે હંમેશા માટે કાર્યરત રહશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર ઉપસ્થિત રહ્યા હતાં.