અમદાવાદ : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઢોસો ખાવાથી બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોત મામલે મોટો વળાંક આવ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના પ્રાથમિક રિપોર્ટમાં ઝેરી પદાર્થની હાજરી સામે આવતા હવે પોલીસની તપાસ હત્યા કે સામુહિક આત્મહત્યાની દિશામાં તપાસ શરૂ કરી છે.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ અને તેમની પત્ની ભાવના પ્રજાપતિએ ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવી, તેમાંથી બનેલા ઢોસા પરિવારના તમામ સભ્યોએ લીધા હતા. ભોજન બાદ અચાનક તમામની તબિયત બગડી ગઈ હતી, જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીનું મોત થયું હતું, જ્યારે માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
પ્રાથમિક તપાસમાં ડેરીમાંથી લાવવામાં આવેલા ખીરાને કારણે ફૂડ પોઈઝનિંગ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. વિમલભાઈ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલના FSL રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ જેવા ઝેરી પદાર્થની હાજરી જણાઈ છે. આ દવા સામાન્ય રીતે અનાજમાં જીવાતો રોકવા માટે ઉપયોગમાં લેવાય છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા દિવસો પહેલા વિમલ પ્રજાપતિ આવી જ દવા ઘઉં માટે લાવ્યા હતા. તેથી હવે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ઝેરી પદાર્થ ખોરાકમાં ભળ્યો હતો કે અન્ય કોઈ રીતે તેનો ઉપયોગ થયો હતો.
આ ઉપરાંત, મૃતક બાળકીના નમૂનાઓમાં પણ આ જ પદાર્થની હાજરી છે કે નહીં તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. અંતિમ FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, ત્યાર બાદ આ મામલૉ
ચિત્ર સ્પષ્ટ થશે.
તપાસ દરમિયાન એવુ પણ સામે આવ્યું છે કે ભાવના પ્રજાપતિના પિતા મેડિકલ સ્ટોર ચલાવે છે. પોલીસએ મેડિકલ સ્ટોરના CCTV ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે, જેથી ઝેરી પદાર્થ ક્યાંથી મેળવાયો તે જાણી શકાય. બીજી તરફ, વિમલ પ્રજાપતિની લાઇફસ્ટાઇલ અને તેમના ઓસ્ટ્રેલિયા જવાના આયોજન સહિતના મુદ્દાઓ પણ તપાસના ઘેરામાં આવ્યા છે. આર્થિક પરિસ્થિતિ પણ ઘટનાથી જોડાયેલી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે પરિવારના અન્ય સભ્યો, દાદા-દાદની પૂછપરછ કરી છે. હાલ સમગ્ર મામલો હત્યા કે સામૂહિક આત્મહત્યા છે તે દિશામાં પણ તપાસનો દોર ચાલી રહ્યો છે. આ મામલે અંતિમ FSL રિપોર્ટ આવ્યા બાદ જ બધુ સ્પષ્ટતા થશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.