કર્ણાટક: કર્ણાટક(Karnataka)ના મેંગલુરુ(Mangalore)માં માછલીની ફેક્ટરી (fish factory)માંથી ઝેરી ગેસ લીક(Toxic gas leak) થવાથી કુલ પાંચ મજૂરોના મૃત્યુ થયા હતા, જેમાં પશ્ચિમ બંગાળના ત્રણનો સમાવેશ થાય છે, જ્યારે આઠથી વધુની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મેંગલુરુ પોલીસ કમિશનર એન. શશિ કુમારના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના 17 એપ્રિલના રોજ મેંગલુરુ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના અધિકારક્ષેત્ર હેઠળના ફિશ પ્રોસેસિંગ યુનિટમાં અકસ્માતમાં બની હતી.
ઝેરી ગેસ લીકેજમાં અસરગ્રસ્તોની સારવાર મેંગલુરુની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃતકોના નામ નિઝામુદ્દીન એલિસ, મોહમ્મદ સમીઉલ્લા ઈસ્લામ, ઉમર ફારૂક, મિરાજુલ ઈસ્લામ અને શરાફત અલી છે. ઘાયલોમાં હસન અલી, મોહમદ કરીબુલ્લાહ અને ફિઝુલ્લાહનો સમાવેશ થાય છે.
એક મજૂર કચરો ઉપાડવાની ટાંકીમાં જતા બેભાન થયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે સાંજે એક મજૂર કચરો ઉપાડવાની ટાંકીમાં પડી ગયો અને બેભાન થઈ ગયો. તેને બચાવવાના પ્રયાસમાં સાત અન્ય મજૂરો પણ ટાંકીમાં ઉતર્યા, જેમાંથી પાંચના મોત થયા, જ્યારે ત્રણની હાલત ગંભીર છે. ઘાયલોને મેંગલુરુની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર ઘાયલોની હાલત ખતરાની બહાર છે.
મૃત્યુનું ચોક્કસ કારણ અકબંધ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે તેમને મૃતકના નાક અને મોંની અંદર માછલીનો કચરો જોવા મળ્યો હતો. પોલીસે યુનિટના ચાર વહીવટી કર્મચારીઓની પૂછપરછ માટે અટકાયત કરી છે. તેઓ છે પ્રોડકશન મેનેજર રૂબી જોસેફ, એરિયા મેનેજર કુબેર ગાડે, સુપરવાઈઝર મોહમદ અનવર અને ઉલ્લાલના આઝાદ નગરના ફારકુક, જે મજૂરોની સંભાળ રાખે છે. પોલીસે યુનિટ સામે કેસ નોંધ્યો છે, જેની માલિકી મુંબઈના ગોરખના પુત્ર રાજુની છે.
100 લોકોને રોજગારી આપે યુનિટ
આ યુનિટ પશ્ચિમ બંગાળના 31 વ્યક્તિઓ સહિત લગભગ 100 લોકોને રોજગારી આપે છે. યુનિટના મેનેજમેન્ટે કામદારોને કોઈ સુરક્ષા સાધનો આપ્યા નથી. કમિશનરે કહ્યું કે મેનેજમેન્ટ સાવચેતીના પગલાં લીધાં હોત તો મૃત્યુ ટાળી શકાયા હોત. મૃતક ઉમર ફારૂકના ભાઈ રાખીબુલને 17 એપ્રિલની રાત્રે અકસ્માતની જાણ થઈ અને તે 18 એપ્રિલે મેંગલુરુની હોસ્પિટલમાં આવ્યો. રાખીબુલ ગોવામાં કામ કરે છે. તેણે મીડિયાને જણાવ્યું કે ફારૂક આઠ મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો. તેને બે મહિનાનું બાળક છે. તેમનો પરિવાર બંગાળ પાસે દેવગંગામાં રહેતો હતો