નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં હવે માત્ર 3 જ કેસ એક્ટિવ હોવાથી હાલ જિલ્લો કોરોના મુક્ત તરફ જઈ રહ્યો છે. જોકે આજે વધુ એક કેસ મળી આવતા કુલ 1553 કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. હાલ છેલ્લા અઠવાડિયામાં જિલ્લામાં માત્ર 4 જ કેસ નોંધાયા છે. જયારે અઠવાડિયામાં 10થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. જેથી હાલ જિલ્લામાં માત્ર 3 જ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હોવાથી જિલ્લો કોરોના મુક્ત તરફ જઈ રહ્યો છે.
આજે વધુ એક કેસ કોરોના પોઝિટિવનો નોંધાયો છે. જેમાં ગણદેવી ઘાંચીવાડમાં રહેતી વૃદ્ધાનો રિપોર્ટ કોરોના કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં કુલ કોરોનાનો આંકડો 1553 ઉપર પહોંચ્યો છે. જયારે બુધવારે જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 1448 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાને પગલે નીપજેલા દર્દીઓના મોતનો આંકડો 102 ઉપર યથાવત છે. જોકે હાલ જિલ્લામાં માત્ર 3 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
દાદરા નગર હવેલીમાં લેવાયેલા 277 સેમ્પલમાંથી 2નો રિપોર્ટ પોઝિટિવ
સેલવાસ : દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) કોરોના પોઝિટિવના નવા 2 કેસ નોંધાતા આંકડો 1636 પર પહોંચ્યો છે. પ્રદેશમાં હાલ 4 કેસ સક્રિય છે અને 1642 કેસ રીકવર થઇ ગયા છે. જ્યારે એકનુ મોત થયેલુ છે. પ્રદેશમાં 277 સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાંથી 2નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે જાહેર કરાયેલા નવા બે કન્ટેન્મેન્ટ ઝોનમાં સવિતાબેનની ચાલ, બાવીસા ફળિયા, સેલવાસ અને કુંભારવાડા, નરોલીનો સમાવેશ થાય છે.
યુનિવર્સીટીની કોલેજોમાં કોરોનાની ગાઇડલાઇન સાથે પરીક્ષાનો પ્રારંભ
પારડી : કોરોના મહામારીને લઇ દેશભરમાં શાળા-કોલેજો બંધ હતી. રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને 12ના વર્ગો ચાલુ કરવા જાહેરાત કર્યા બાદ જે.પી. પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં (College) બુધવારથી પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક, સેનેટરાઇઝ, થર્મલ સ્કેનિંગ કરી કોલેજમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દરેક વર્ગમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા છે. કોલેજના સુપરવાઈઝર સી.એમ.ગામીતના જણાવ્યા મુજબ બે બેચમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં સવારે 9.30 થી 11.30 માં 300 વિદ્યાર્થીઓ અને બપોરે 1.30 થી 3.30 માં 242 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સીટીના માર્ગદર્શન હેઠળ એક દિવસે કોમર્સ અને એક દિવસે આર્ટ્સના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. આજે ટીવાયબીકોમમાં એકાઉન્ટનું પેપર હતું. કોલેજના આચાર્ય ડો. હર્ષાબેન પટેલના નેજા હેઠળ એક ક્લાસમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે.