સાપુતારા : સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે. આજે આ ચક્કાજામનો ત્રીજો દિવસ છે. ચક્કાજામનાં કારણે સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવતા જતા વાહનો ઠપ્પ થઈ પડ્યા છે. તેમજ વઘઇથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઠેરઠેર લાંબી માલવાહક વાહનોની કતાર જોવા મળી હતી. આ માલવાહક વાહનો અટવાયા છે. જેમાં માર્ગ ક્યારે ખુલશે તેને લઈને ચિંતિત બન્યા છે. ત્યારે ડાંગ જિલ્લા ડીવાયએસપીએ સાપુતારા નાસિક ધોરીમાર્ગના આંતરિક રસ્તાઓનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો છે.
નાસિકનાં સુરગાણા તાલુકાનાં પૂર્વ ધારાસભ્ય જે.પી. ગાવિતની આગેવાની હેઠળ સાપુતારાથી નાસિકને જોડતા બોરગાંવ નજીક ઉંબરપાડા દિગર આરટીઓ ચેકપોસ્ટ ખાતે પેસા એક્ટ અને નોકરભરતી મામલે ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે. 21 મી ઓગષ્ટે ભારત બંધનાં એલાનની સાથે સાપુતારાથી નાસિકને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ચક્કાજામ કરવામાં આવતા ગુજરાત એસટી નિગમની ગુજરાતમાંથી વણી, સપ્તશૃંગી ગઢ, કળવણ, નાસિક, શિરડી, પુના તરફ જતી એસટી બસોના પૈડા સાપુતારા એસટી ડેપો ખાતે થંભી જતા મુસાફરો પણ અટવાતા જોવા મળી રહ્યા છે. સાથે માલવાહક વાહનો પણ થંભી જતા કરોડોનું નુકશાન થવા પામ્યુ છે. તેમજ મહારાષ્ટ્રના આંતરિક રસ્તાઓ પણ આજરોજથી આંદોલનકારીઓ દ્વારા બંધ કરવામાં આવેલા છે. જેના કારણે મુસાફરો અટવાયા છે. આજે ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલે જણાવ્યુ હતુ કે, સાપુતારાથી નાસિકનો માર્ગ છેલ્લા ત્રણ દિવસથી ચક્કા જામને કારણે બંધ કરેલો છે. કપરાડા ધરમપુર તરફ જતો રસ્તો પણ બંધ છે. જેને ધ્યાને લઈને પ્રવાસીઓએ અને કોઈ કામ અર્થે જતા લોકોએ આ રસ્તાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
ડાંગ કોંગ્રેસ નેતાની સાપુતારા-વઘઇ માર્ગ બંધ કરવાની ચીમકી
ડાંગ કૉંગ્રેસનાં યુવા નેતા સંતોષ ભુસારાએ જણાવ્યું હતું કે એસટી એસી સમુદાય દ્વારા સંવિધાન બચાવો અને આરક્ષણ બચાવો માટે 21મી ઓગષ્ટનાં રોજ ભારતબંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. આ આંદોલનનો આજે ત્રીજો દિવસ ચાલુ થયો છે. ત્યારે તેઓ સુરગાણા ચક્કાજામનાં સમર્થન માટે પહોચ્યા હતા. અને તેમણે ચીમકી આપી હતી કે આપણો હક્ક અને અધિકાર લઈને જ જંપીશુ અને જરૂર પડશે તો આવનાર દિવસોમાં સાપુતારા-વઘઇ માર્ગ પણ બંધ કરીશુ.
માલવાહક વાહનો અને પ્રવાસીઓની હાલત કફોડી છતાં સ્થાનિક નેતાઓ મદદે આવ્યા નહીં
સાપુતારા નાસિક ધોરીમાર્ગ પર ચક્કાજામને ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. જેના પગલે અસંખ્ય વાહનો થંભીને ખોરંભે ચડી રહ્યા છે. પરંતુ આ ફસાયેલા વાહનચાલકો અને પ્રવાસી વાહનની વ્હારે ડાંગ જિલ્લામાંથી એક પણ નેતા આગળ ન આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે ડાંગ જિલ્લાનાં લોકનેતાઓને વાહવાહીમાં જ રસ હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.