Dakshin Gujarat

સાપુતારામાં ઝરમર વરસાદની સાથે ગાઢ ધૂમ્મસ છવાતાં પ્રવાસીઓ આનંદમાં

સાપુતારા: ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે આજે અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આજે દિવસ દરમિયાન ડાંગ જિલ્લાના ગામડાઓમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શનિવારે ડાંગ જિલ્લાનાં વઘઇ અને આહવા સહિત પૂર્વપટ્ટી પંથકનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ જોવા મળી હતી. જ્યારે સુબિર પંથકમાં પણ દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડતો રહ્યો હતો. સાપુતારા તથા શામગહાન પંથકમાં મધ્યમ વરસાદ પડતા વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતું.

વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે શનિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલિયરોને બખ્કા થઈ ગયા હતા. સાપુતારા ખાતે વરસાદી માહોલમાં જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. સાપુતારા ખાતે વરસાદી મહોલની વચ્ચે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતાં વાતારવણ અદભૂત બની ગયું હતું. વધુમાં વરસાદી માહોલમાં સાપુતારા ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં એક લોડિંગ ટ્રક ખોટકાઈ જતા અહી સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાથે ભારે વાહન ચાલકો માટે સ્થિતિ વિકટ બની હતી. જોકે સાપુતારા પોલીસની ટીમે આ ટ્રકને થોડી સાઈડમાં લેતા એક સાઈડથી વાહનવ્યવહાર પૂર્વરત થયો હતો.

જલાલપોરમાં પોણો ઇંચ અને નવસારી અડધો ઈંચ વરસાદ પડ્યો
નવસારી : આજે દિવસે જલાલપોરમાં પોણો ઇંચ અને નવસારીમાં અડધો ઇંચ વરસાદ પડતા ગરમીમાં ઘટાડો નોંધાયો હતો. જેથી ગરમીનો પારો દોઢ ડિગ્રી ગગડ્યું હતું. અને લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું છે. નવસારી જિલ્લામાં હવે વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. જોકે હાલમાં વરસાદી ઝાપટા જ પડી રહ્યા છે. પરંતુ લોકો ધમાકેદાર વરસાદ પડવાની રાહ જોઈ રહ્યા છે. જોકે વરસાદી ઝાપટા પડવાથી ગરમીમાં રાહત મળી રહી છે. આમ તો જિલ્લામાં ત્રણ વખત જ વરસાદ વરસ્યો છે. પરંતુ વરસાદ મોડી રાત્રે વરસ્યો હોવાથી દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી હતી. જ્યારે આજે દિવસ દરમિયાન નવસારીમાં વાદળો ઘેરાતા વરસાદ વરસ્યો હતો.

નવસારી જિલ્લામાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન માત્ર જલાલપોર તાલુકામાં 13 મી.મી. (0.5 ઇંચ) અને નવસારી તાલુકામાં 12 મી.મી. (0.5 ઇંચ) વરસાદ પડ્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન વધુ 4 મી.મી. વરસાદ વરસતા જલાલપોર તાલુકામાં કુલ 17 મી.મી. વરસાદ નોંધાયો હતો. જેના પગલે નવસારીમાં ગરમીનો પારો ગગડ્યો હતો. આજે નવસારીમાં મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી ગગડીને 33.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીએ યથાવત રહ્યું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 73 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 7.2 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.


Most Popular

To Top