સુરત: (Surat) કોરોના સંક્રમણના 14 મહિનામાં દક્ષિણ ગુજરાતના પાંચસોથી વધુ નાના-મોટા ટૂર ઓપરેટર્સે (Tour operators) 1500થી 2000 કરોડનો વેપાર ગુમાવ્યો છે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(ટાઇ) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણાંમંત્રી નિર્મલા સીતારામન, પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ અને ટુરિઝમ સેક્રેટરીને આવેદનપત્ર મોકલી ટુરિઝમ (Tourism) સેક્ટર માટે રાહતો જાહેર કરવાની માંગ કરી છે.
ટાઇના અગ્રણી માલ્કમ પંડોલે જણાવ્યું હતું કે, છેલ્લા 14 મહિના દરમિયાન 50 ટકાથી વધુ ટુરિઝમ સેક્ટરના ઓપરેટરોએ વેપાર બંધ કરવો પડ્યો છે. કુલ વેપાર માંડ 5 ટકા રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં 60 ટકા ઇન્ટરનેશનલ અને 40 ટકા ડોમેસ્ટિક ટુરિઝમની ડિમાન્ડ રહેતી આવી છે. બંનેનો સરવાળો કરીએ તો છેલ્લા 14 મહિનામાં 1500થી 2000 કરોડનું નુકસાન થયું છે. વચ્ચે એક મહિના માટે મોરેશિયસ ઓપન હતું ત્યારે એક મહિનામાં દક્ષિણ ગુજરાતથી 600થી 700 ટુરિસ્ટ ગયા હતા. ઉદ્યોગ હવે ફરી બેઠો થવા માટે બે વર્ષ લોન મોરિટોરિયમ, જીએસટીમાં રાહત અને પાંચ વર્ષ ઇન્કમટેક્સમાં ટેક્સ હોલી-ડેની માંગ કરી રહ્યો છે. કારણ કે, ઓપરેટરોને લોન બાકી બિલ બને પગારનો બોજો ચડ્યો છે.
મોટી સંખ્યામાં ટૂર ઓપરેટર્સે અન્ય વેપાર-ધંધામાં ડાયવર્ટ થઈ ગયા છે. જ્યારે કર્મચારીઓએ નાની-મોટી નોકરી શોધવી પડે છે. ઘણા ટૂર ઓપરેટર્સ હાલમાં ઓફિસો બંધ કરી ઘરેથી જ કામ કરી રહ્યા છે. કારણ કે, ઓફિસનાં ભાડાં કે બિલ પણ ભરવાની ક્ષમતા રહી નથી. ટૂર ઓપરેટર, હોટેલિયર્સ અને કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. વડાપ્રધાનને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં દેશના 11 ટકા લોકો રોજગારી મેળવે છે. દેશના જીડીપીમાં 10 ટકાનો ફાળો આ ઈન્ડસ્ટ્રી આપે છે. વર્ષ-2018માં આ ક્ષેત્રેએ સૌથી વધુ 234 બિલિયન યુએસ ડોલર અને 2019માં 30 યુએસ બિલિયન ડોલર ફોરેન એક્સચેન્જ કમાવીને આપ્યા હતા. વર્ષ-2015થી 2019 દરમિયાન 14.62 મિલિયન વધારાની રોજગારી ઊભી કરી હતી.
પરંતુ છેલ્લા 14 મહિનાથી આ ક્ષેત્ર મુશ્કેલીમાં મુકાયું છે. કોરોનાના ભય અને લોકડાઉનના લીધે પ્રવાસન ક્ષેત્રની આવકમાં 95 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટૂર ઓપરેટર, ટ્રાવેલ એજન્ટ, કર્મચારીઓ દૈનિક ખર્ચાઓ માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સાઉથ ગુજરાત ટૂર ઓપરેટર્સ એસોસિએશનના પ્રમુખ મિનેશ નાયકે પત્રકારોને જણાવ્યું હતું કે, લોન મોરિટોરિયમની વાત તો દૂર રહી બેન્કોએ તો ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને બ્લેક લિસ્ટ કરી દીધી છે અને ક્રેડિટ કાર્ડ પણ ઈશ્યુ કરતી નથી. સરકાર દ્વારા રાહત નહીં મળે તો આ ઈન્ડસ્ટ્રીને ફરી બેઠા થવામાં વર્ષો નીકળી જશે.
ટ્રાવેસ એજન્ટ એસો. દ્વારા આ માંગણીઓ કરવામાં આવી
- બે વર્ષ માટે મોરિટોરિયમ જાહેર કરો.
- આ ક્ષેત્રના પ્રત્યેક કર્મચારીને 10 હજારનું માસિક ભથ્થું આપો.
- નવી કો-લેટરલ ફ્રી લોન-ઓવર ડ્રાફ્ટની ફેસિલિટી આપો.
- આવકવેરામાંથી 5 વર્ષ માટે મુક્તિ આપો.
- ડિજિટલ પેમેન્ટ પર રિબેટ આપો.
- વીજળી, પાણીનાં બિલ, મિલકતવેરા, સ્ટેમ્પ ડ્યૂટી, કોમર્શિયલ લાઇસન્સ ફી સહિતના સ્થાનિક વેરામાં 3 વર્ષની છૂટ આપો.
- આ ક્ષેત્રના કર્મચારીઓને ઈએસઆઈસી, પ્રોફેશનલ ટેક્સ, પીએફ, ગ્રેચ્યુઈટી વગેરેના સરળતાથી લાભ મળે.