આણંદ : ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1 કરોડનું માતબર દાન આપનારા મૂળ ચકલાસીના વતની-દાતા, વરિષ્ઠ સહકારી અગ્રણી, પ્રગતિશીલ ખેડૂત-વેપારી માતૃસંસ્થાના સ્થાપક ટ્રસ્ટી રમણભાઈ શનાભાઇ પટેલને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ચારૂસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડથી સન્માનીત કરાયા હતા. મૂળ ચકલાસીના વતની અને વરિષ્ઠ સહકારી અગ્રણી રમણભાઈ શનાભાઇ પટેલે પોતાના જીવનકાળમાં વિવિધ સામાજિક-સેવાભાવી-શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા આપી છે તેમજ સહકારી મંડળીઓમાં અને ચકલાસી નગર પંચાયત, ખેડા જિલ્લા પંચાયતમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી છે. તેઓ પ્રગતિશીલ ખેડૂત તરીકે આજીવન ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યા છે.
તેમજ બીજાને સદાય મદદરૂપ થયા છે. તેઓ માને છે કે દરેક વ્યક્તિએ પોતાની કુલ આવકનો લગભગ 10 ટકા હિસ્સો તો સમાજસેવામાં વાપરવો જોઈએ. આ વાત ચરિતાર્થ કરતાં તેમણે વતન ચકલાસીમાં વિકાસ માટે વિવિધ પ્રોજેકટો માટે શૈક્ષણિક અને ધાર્મિક સ્થળોમાં દાન આપ્યું છે. આ ઉપરાંત સંતરામ મંદિર નડિયાદ, વાંસદા આશ્રમ ડાંગ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓમાં દાન આપ્યું છે. માતૃસંસ્થાના સ્થાપક ટ્રસ્ટી તરીકે 3 દાયકાથી વધુ સમય સુધી સેવા આપી છે. તેમણે ચમોસ પરિવારના સમાજ છાત્રાલય, સમાજવાડી, કેળવણી મંડળ-એજ્યુકેશન કેમ્પસ આણંદ અને ચારુસેટ કેમ્પસ ચાંગામાં દાનનો પ્રવાહ વહેવડાવ્યો છે અને કુલ રૂ. 1 કરોડ 6 લાખનું માતબર દાન આપ્યું છે.
આ પ્રસંગે રમણભાઈના પરિવારના પ્રકાશભાઈ પટેલ અને શંભુભાઈ પટેલે કહ્યું કે, અમે સદનસીબ છીએ કે આ પરિવારમાં અમારો જન્મ થયો છે. અમારા માટે તેમણે નાની વયે ખેતરમાં કામ કર્યુ અને અમને ભણાવી ગણાવી વિદેશમાં સ્થાયી કર્યાં છે. વધુમાં રમણભાઈ પટેલે સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, મારી દાન આપવાની ફરજ હતી અને મેં આ દાન આપ્યું છે. મારા પિતાએ શીખવાડેલું કે આબરુ મુઠ્ઠીમાં રાખી દાન આપવું જોઈએ. મેં શૂન્યમાંથી સર્જન કર્યું છે, હિમ્મતથી ધંધો કર્યો છે. જીવનમાં કોઇની સામે હાથ લાંબો કર્યો નથી. મેં વિચાર કર્યો નહોતો કે હું કરોડપતિ થઈશ. મેં ગીતાસાર જીવનમાં અપનાવ્યો છે અને મારી કમાણીના 10 ટકા હિસ્સો દાન કરું છુ. મારી કમાણીમાંથી જ હું દાન આપું છુ, મને વારસાઈમાં સંસ્કારો મળ્યા છે જે સંતાનોને આપ્યા છે.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળના સીએચઆરએફના મંત્રી ડૉ.એમ.સી. પટેલ, ઉપપ્રમુખ – કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, અશોકભાઇ પટેલ, કિરણભાઈ પટેલ, સહમંત્રી મધુબેન પટેલ, ખજાનચી ગિરીશભાઈ સી. પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, માતૃસંસ્થા- સીએચઆરએફના સહમંત્રી ધીરુભાઈ પટેલ, નવનીતભાઈ પટેલ, વી. એમ. પટેલ, જશભાઈ પટેલ, સી. એસ. પટેલ, સીએચઆરએફના સહમંત્રી દિલીપભાઈ પટેલ, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, દાતા રમણભાઈ શનાભાઇ પટેલના પરિવારજનો સહિત અમેરિકા સ્થિત પુત્રો પ્રકાશભાઈ પટેલ અને શંભુભાઈ પટેલ, માતૃસંસ્થા – કેળવણી મંડળ – ચારુસેટ – સીએચઆરએફના, ચકલાસીની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, હોદેદારો, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
NRI દ્વારા 48 હજાર ડોલરની સખાવત કરાઇ
આ સમારંભમાં મૂળ મહેળાવના અને અમેરિકાસ્થિત દાતા અને કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસમાં રૂ. 1 કરોડના દાનના કમિટમેન્ટના ભાગરૂપે ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનને 48400 ડોલરનો ચેક નગીનભાઇ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિષ્ણુભાઈ પટેલ દ્વારા રૂ. 13.05 લાખનું દાન આપવામાં આવ્યું છે.