National

મુંબઈમાં ધોધમાર વરસાદ: 4 ના મોત, ગુજરાત સહિત 7 રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ

સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે સાંજે લગભગ પાંચ કલાકમાં 3.9 ઈંચથી વધુ વરસાદને કારણે મુંબઈમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. મોડી રાત સુધી વાહનો કેટલાય કિલોમીટર લાંબા જામમાં અટવાયા હતા. મુંબઈ એરપોર્ટ પર 14 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. લોકલ ટ્રેનો પણ મોડી દોડી હતી. દેશના અન્ય રાજ્યોમાં ભારે હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત 7 રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

IMDએ જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રાજસ્થાનથી 17 સપ્ટેમ્બરે શરૂ થાય છે. આ વખતે તે 23મી સપ્ટેમ્બરે એટલે કે એક સપ્તાહના વિલંબ સાથે થશે. જેના કારણે પૂણે અને મુંબઈમાં 10-12 ઓક્ટોબર પહેલા ચોમાસું સમાપ્ત થવાની સંભાવના નથી. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાંથી ચોમાસું 5 ઓક્ટોબરની આસપાસ પરત થાય છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે 4 લોકોના મોત થયા છે. અહીં અંધેરીમાં ખુલ્લા મેનહોલના કારણે એક મહિલા ગટરમાં ડૂબી ગઈ હતી. આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. મુંબઈ, થાણે, પાલઘર, પુણે અને પિંપરી-ચિંચવડમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. પૂણેના સર પરશુરામ કોલેજ ગ્રાઉન્ડમાં પાણી ભરાવાને કારણે પીએમ નરેન્દ્ર મોદીની સભા રદ્દ કરવામાં આવી છે.

બીજી તરફ ગુજરાતના સુરતમાં બુધવારે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસસે અને દક્ષિણ ગુજરાતમાં 7 ઈંચ સુધી વરસાદની શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે જે 2024ના ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ છે. આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાઈની શરૂઆત થશે.

દેશના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશના ખંડવામાં બુધવારે 9 કલાકમાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભોપાલ અને ઈન્દોર સહિત 21 જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. ઉત્તર પ્રદેશના મથુરામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. શહેરની રજીસ્ટ્રી ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

આ રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે (12 સેમી) વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ (7 સેમી)ની ચેતવણી આપવામાં આવી છે.

Most Popular

To Top