સુરતમાં શનિવારે રાત્રે વરસાદ ઝીંકાયા બાદ રવિવારે સાંજે 5 થી 7 વાગ્યાના સમયગાળામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બે કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં રવિવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું પરંતુ સાંજે સાઢા પાંચ વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સૌથી વધુ સેન્ટ્રલઝોનમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સમગ્ર શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં શનિવારે રાત્રે 8 વાગ્યાથી રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 3.7 ઇંચ વરસાદ પડ્યો હતો. હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે નવસારી, વલસાડ, ડાંગ, સાપુતારામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

નવસારી : નવસારીમાં શનિવારે સાંજે 4 થી સવારે 4 વાગ્યા સુધીના 12 કલાકમાં 6.5 ઈંચ વરસાદ પડ્યો હતો, તો રવિવારે જલાલપોરમાં રવિવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં 2.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. એ ઉપરાંત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જો કે આ પાછોતરા વરસાદથી ખેતીમાં ભારે નુકસાન થયું છે.
શનિવારે સાંજે 4 વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે મોસમ વિભાગ દ્વારા નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દિવાળી અને નવા વર્ષના દિવસોમાં ઉનાળા જેવી ગરમી અને ઉકળાટ વચ્ચે શનિવારે વાતાવરણમાં પલટો આવવા સાથે વરસાદ પડ્યો હતો. શનિવારે સાંજે 4 વાગ્યાથી રવિવારે સવારે 4 વાગ્યાના 12 કલાક દરમિયાન નવસારીમાં 160 મીમી, જલાલપોરમાં 79 મીમી, ગણદેવીમાં 33 મીમી, ચીખલીમાં 56 મીમી, વાંસદામાં 32 મીમી અને ખેરગામમાં 63 મીમી વરસાદ નોંધાયો હતો.
શનિવારથી શરૂ થયેલા વરસાદે રવિવારે સવારે 4 વાગ્યા બાદ વિરામ લીધો હતો. સતત બીજા દિવસે પણ વરસાદે સાંજે જમાવટ કરી હતી. સાજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં નવસારીમાં 7 મીમી, જલાલપોરમાં 54 મીમી, ગણદેવીમાં 38 મીમી, ચીખલીમાં 28 મીમી, વાંસદામાં 4 અને ખેરગામમાં 39 મીમી વરસાદ નોંધાયો હતો. રવિવારે સતત બીજા દિવસે જિલ્લામાં ભયાનક ગાજવીજ અને કલાકના 5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ઠેર ઠેર ભારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત બન્યું છે.
- દક્ષિણ ગુજરાતમાં કુલ વરસાદ
- નવસારી 6.5 ઈંચ
- ખેરગામ 2.5 ઈંચ
- જલાલપોર 2.20 ઈંચ
- ચીખલી 2 ઈંચ
- ગણદેવી 1.5 ઈંચ
- વાંસદા 1.5 ઈંચ
વલસાડ : વલસાડમાં શનિવારે સાંજે અચાનક વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં હળવોથી ભારે વરસાદ યથાવત જોવા મળ્યો હતો. જેના કારણે સમગ્ર જિલ્લો તરબોળ થઇ ગયો હતો. જેમાં મધ્ય રાત્રીએ સમગ્ર જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઇ હતી. શનિવારે સવારે 6 થી રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેડૂતોના ડાંગરના ઉભા પાકને નુકસાન થયું હતુ. શનિવારે તૂટી પડેલા કમોસમી વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની ગઇ હતી. જિલ્લામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ઉમરગામમાં નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો 1.2 ઇંચ જેટલો વરસાદ વાપીમાં નોંધાયો હતો. જોકે, રાત્રિ દરમિયાન ગાજ વીજ સાથે પડેલા વરસાદના કારણે કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી હતી.
24 કલાકનો વરસાદ
ઉમરગામ 3.8 ઇંચ
કપરાડા 2.4 ઇંચ
પારડી 2 ઇંચ
વલસાડ 2.2 ઇંચ
ધરમપુર 1.2 ઇંચ
વાપી 1.2 ઇંચ
ધરમપુર-કપરાડા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાયા
વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણ વાદળછાયું હોવા સાથે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિશેષ કરી ધરમપુર અને કપરાડા તાલુકામાં સતત વરસતા ભારે વરસાદી માવઠાના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. સાથે નાગલી, તુવેર, શાકભાજી ઉપરાંત બાગાયતી પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. અહીંના મોટાભાગના ખેડૂતો ચોમાસાની ખેતી પર નિર્ભર હોય છે. જેમાં મુખ્યત્વે ડાંગર, નાગલી, તુવેર અને શાકભાજી જેવા પાકો ઉગાડવામાં આવે છે, પરંતુ અતિરિક્ત અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, સરકાર તાત્કાલિક સરવે કરીને યોગ્ય વળતર જાહેર કરે.