Charchapatra

ભારતીય જ્ઞાન પરંપરામાં ઉમેરવા લાયક વિષયો

15 જુલાઈ, મંગળવારે આપની શિક્ષણ સંસ્કારની કોલમ વાંચી અને આનંદ થયો કે તમે નવી શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરી. આપે જે વાત કરી છે તે અંગે મને એમ લાગે છે કે હમણાં ભણવાના વિષયોમાં એક વિષય ઉમેરી શકાય. જે શિક્ષણ અને જીવન બંનેમાં કામ લાગે છે. ખરેખર તો આ વિષયની અવગણના જ કહી શકાય. આ વિષય છે જીવનમાં મહત્ત્વના સદગુણો જે વિદ્યાર્થીને માનસિક રીતે વિચારતા કરે છે. જો કે પાઠયપુસ્તકમાં આવતાં સદ્ગુણોની ચર્ચા શિક્ષક તો કરે જ છે. પરંતુ બધા ગુણોની ચર્ચા સમયના અભાવે નથી કરી શકતા તેથી શિક્ષણમાં જ એનો પરિચય કરાવવામાં આવે તો વિદ્યાર્થીનું માનસિક વ્યક્તિગત પણ ખીલે. દા.ત. સ્વચ્છતા, નિયમિતતા, વિનય, ફરજ, નિષ્ઠા, મહેનત કરવી, મદદ કરવાની વૃત્તિ, સંવેદનશીલતા, દાન કરવાની વૃત્તિ, નબળા વિદ્યાર્થીને નબળા વિષયો શીખવાનો સ્વભાવ, મોટાને માન આપવાની વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ, સાહસવૃત્તિ વગેરે જેવા સદ્ગુણોથી એમનું જીવન ઘડતર થવા માંડે.

આ પ્રકારના ગુણોથી તેઓનું જીવન તેજસ્વી બની શકશે. એક બાજુ શિક્ષણની ઉચ્ચતા અને બીજી બાજુ સદ્ગુણોથી ભરેલો એનો સ્વભાવ એના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી જશે. આ પ્રકારનું પુસ્તક વાંચતાં તેમને બીજાં ઉત્તમ પુસ્તકો વાંચવાની પણ જિજ્ઞાસા થાય છે. ‘જીવનઘડતર’ માટેનું આ પુસ્તક વિદ્યાર્થીને પ્રાથમિક ધોરણથી આવવું જોઈએ. આ પાઠયપુસ્તકમાં સંસ્કૃત સાહિત્યનો પણ ઉપયોગ કરી શકીએ કારણ કે, એનાં સુભાષિતોની સમૃદ્ધિ એવી છે કે બાળકોને ચારિત્ર્યનું જ્ઞાન આપી શકે. તેથી જ ચારિત્ર્યઘડતર માટેના સદ્ગુણોનું એક પુસ્તક તૈયાર કરવું જોઈએ. આપ આ અંગે વિચારશો.
સુરત     – રેખાબહેન પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top