વલસાડ: વલસાડ હાઈવે (ValsadHighway) પર વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં હાઈવે પર મોટા વરસાદી ખાડા પડ્યા છે, જેમાં આજે ટામેટા (Tomatoes) અને ચોકલેટ (Choclate) ભરેલા ટેમ્પો પલટી મારી ગયા હતા. આ અકસ્માતને પગલે રસ્તા પર ટામેટા અને ચોકલેટ વેરવિખેર થયા હતા. લોકોએ ટામેટા અને ચોકલેટની લૂંટ મચાવી હતી.
- વલસાડ નજીક નેશનલ હાઈવે નં. 48 પર ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો
- સુગર ફેક્ટરી નજીક મોટા ખાડામાં ટામેટા ભરેલા ટેમ્પાનું ટાયર ફસડાતા બની દુર્ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વલસાડના સુગર ફેક્ટરી (ValsadSugarFactory) હાઇવે ઉપર મસમોટા ખાડાના કારણે ટામેટાં ભરેલો ટેમ્પો અને ચોકલેટ ભરેલો ટેમ્પો તેમજ તેની સાથે બે કાર મળીને કુલ ચાર જેટલા વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ વાહનોને ભારે નુકસાન થયું હતું. જોકે, પલટી મારેલા ટેમ્પોમાંથી ટામેટાં રસ્તા પર વિખેરાઈ જતા લોકોએ તેની લૂંટ મચાવી હતી.
વલસાડ નજીકના અતુલ ડુંગરી હાઇવે ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે અહીં અવારનવાર અકસ્માત થઈ રહ્યાં છે. ગઈકાલે રવિવારે રાત્રે વલસાડના નેશનલ હાઈવે નં. 48 ઉપર 4 વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
બેંગ્લોરથી ટામેટા લઈ ભરૂચ જતો એક ટેમ્પો પણ આ અકસ્માતમાં પલટી મારી ગયો હતો. સુગર ફેક્ટરી ઓવરબ્રીજ ઉપર પડેલા મસમોટા ખાડામાં ટેમ્પોનું ટાયર પટકાતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ડિવાઈડર કુદાવી અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટેમ્પો ચઢી ગયો હતો.
જ્યાં પંજાબથી ચોકલેટ ભરી નીકળેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ચોકલેટ ભરેલી ટ્રક પણ પલટી મારી ગઈ હતી. દરમિયાન બાજુમાંથી પસાર થઈ મુંબઈ તરફ જઈ રહેલી બે કારને આ બંને ટેમ્પોએ અડફેટે લેતા બંને કારમાં પણ ભારે નુકસાની સર્જાઈ હતી.
અકસ્માતના પગલે નેશનલ હાઈવે સુગર ફેકટરી ઓવર બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ હતી. રસ્તા ઉપર ઢોળાયેલા ટામેટાંની ભારે લૂંટફાટ થઈ હતી. વલસાડ રૂરલ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે ક્રેઈનની મદદથી વાહનોને સાઈડ કરવાની સાથે ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરી હતી.