ફાસ્ટેગનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ અને ભાટિયા ટોલનાકે સ્થાનિક વાહન માલિકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ટોલટેક્સને લઇ ઘર્ષણ ઉભું થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સુરતમાં ટોલનાકાઓની વિરૂધ્ધમાં ના-કર લડત સમિતિના આંદોલન વચ્ચે ટોલનાકા સંચાલકોએ આવતીકાલે મઘ્યરાત્રિથી ભાટિયા ટોલનાકે આવવા જવાના 165 રૂપિયા અને કામરેજ ટોલનાકે આવવા જવાના 110 રૂપિયા વસુલવાનું નક્કી કરાયું છે.
કામરેજ ટોલનાકાના સંચાલકોએ સુરતના વાહનમાલિકો જો આરસી બુક અને અન્ય આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન કરાવશે તો જવા આવવાના કુલ 40 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ભાટિયા ટોલનાકે જો 265 રૂપિયાનો મંથલી પાસ નહીં કઢાવે તો જવા આવવાના 165 રૂપિયા ચુકવવા પડશે. માત્ર સુરતમાં નહીં પરંતુ તાપી જિલ્લાના માંડલ અને નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના ટોલનાકે પણ ઘર્ષણ થવાની શક્યતા છે.
ટોલનાકા સંચાલકોની માંગણીને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરત જિલ્લાના કામરેજ અને ભાટિયા ટોલનાકે તથા તાપી જિલ્લાના માંડલ ટોલનાકે ઘર્ષણ થવાની શક્યતાને પગલે ટોલનાકાના સંચાલકોએ આજે સાંજથી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જેને લીધે બન્ને જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે.
ટોલનાકાના સંચાલકોએ એક દિવસ પહેલાં જ કેસની લાઇન બંધ કરી દેતા ભાટિયા ટોલનાકે આજે રવિવારની રજાના દિવસે વાહનમાલિકો સાથે ખટરાગ થયો હતો. જોકે આજે સ્થાનિક વાહનો પાસે અગાઉની જેમ 20 રૂપિયાની વસૂલાત કરાઇ હતી.