વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના અગ્રણી લિનેશ શાહને સોનગઢ અને વ્યારા વચ્ચે આવેલા તાપી જિલ્લાના માંડળ ટોલનાકાનો કડવો અનુભવ થયો છે. લિનેશ શાહ છેલ્લા બે વર્ષથી તેમની કાર લઇ તાપી જિલ્લામાં ગયા નથી. તેમ છતા આજે બપોરે 12:42 કલાકો માંડળ ટોલનાકાના સંચાલકોએ ટોલનાકામાં ભૂતિયા પ્રવેશનો મામલો ઉભો કરી 140 રૂપિયા કાપી લેતા પેટીએમ વોલેટનો નાણા કપાયાનો મેસેજ શાહને મળ્યો હતો.
આ મામલામાં ચોંકી ઉઠેલા શાહે માંડલ ટોલનાકાના જવાબદાર અધિકારીને 15થી 20 ફોન કરવા છતા તેમણે ફોન ઉપાડ્યો નહતો પરંતુ અરજદારનો પ્રિમિયમ નંબર જોઇ ટોલનાકાના ઇન્ચાર્જે આટલા બધા ફોન ક્યા કારણોસર કર્યા તેની માહિતી મેળવી હતી. લિનેશ શાહે એવી રજૂઆત કરી હતી કે જીજે-05-આર જે સિરીઝની તેમની મારૂતી નેક્સાકાર છેલ્લા બે વર્ષથી તાપી જિલ્લામાં ગઇ નથી. આ જે નાણા કપાયા તે સમયે પણ સુરત શહેરમાં આ કાર હતી. છતા 140 રૂપિયા કઇ રીતે કપાયા? તેવો સવાલ કર્યો હતો.
આ સવાલથી ચિંતામાં મુકાયેલા અધિકારીએ કહ્યુ હતુ કે ‘આપની કાર હ્યુન્ડાઇ ક્રેટા છે અને તેનો સિરિઝ નંબર જીજે-05 આરજે છે જે આજે ટોલનાકાથી પસાર થઇ છે એટલે નાણા કપાયા છે’ લિનેશ શાહે આ મામલે વીડિયો રેકોર્ડિંગ સાથેનો પુરાવો લેવા તેવો આવી રહ્યા છે અને આ મોટુ કૌંભાડ છે એવી વાત કરતા ટોલનાકાના ઇન્ચાર્જે એવુ કહ્યુ હતુ કે મને અડધો કલાકનો સમય તપાસ માટે આપો હુ તમને રિપ્લાઇ આપુ છુ. તે પછી થોડીક મીનિટો બાદ ઇન્ચાર્જે એવો બાલિશ ખુલાસો કર્યો હતો કે જીજે-5 જેઆર સિરિઝને બદલે આપના નંબર વાળી આરજે સિરિઝની મેન્યુએલ એન્ટ્રી થઇ છે. તેથી આપને પુરેપુરુ રિફંડ આપવામાં આવશે. જોકે ટોલનાકા પર સર્વર બંધ હોય ત્યારે સ્કેનર ગનથી ગાડીનો નંબર સર્ચ કરવામાં આવે છે. જેથી મેન્યુઅલી તેમનો નંબર જઇ શકે નહી
પેટીએમ થકી ટોલનાકાની જે ચેનલથી 140 રૂપિયા કપાયા તે ચેનલથી પરત મળ્યા નહી
લિનેશ શાહે જણાવ્યું હતું કે માંડળ ટોલનાકાના સંચાલકોએ પેટીએમ થકી 140 રૂપિયા ટોલટેક્સના કાપ્યા હોવાનો મેસેજ આપ્યો હતો. મારી રજૂઆત પછી તેમણે પુરા નાણા રિફંડ કરવાની ખાતરી આપી હતી. પરંતુ નાણા રિફંડ ટોલનાકાની પે સિસ્ટમ ચેનલ થકી થવાને બદલે કોઇ કર્મચારીના ખાતામાંથી પેટીએમ કરી મને પરત મોકલવામાં આવ્યા હતા. આ કિસ્સો દર્શાવે છે કે જે લોકો જાગૃત નહીં હોય તેવા વાહનચાલકોના કેટલા બધા રૂપિયા કપાઇ જતા હશે જે લોકો કદાચ રિફંડની લાંબી પ્રક્રિયામાં પણ પડતા નહીં હોય.