વ્યારા: (Vyara) મહારાષ્ટ્રનાં બુરહાનપુરથી જાનૈયાઓને લઈને પરત સુરત પુરપાટ ઝડપે જતી ખાનગી લક્ઝરી બસ (Luxury Bus) સોનગઢમાં માંડલ ટોલનાકાનાં બુથ (Tolnaka booth) સાથે ધડાકાભેર અથડાતા બુથ કેબિન અને બસનાં આગળનાં ભાગનો ભુક્કો બોલાઇ ગયો હતો, આ ભયાનક અકસ્માતમાં (Accident) કેબિનમાં બેસેલા ટોલ બુથની મહિલા કર્મચારી અને બસ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, અકસ્માત દરમિયાન ટોલ પ્લાઝાની આ યુવતી અને બસ ડ્રાઇવર સહિત અન્ય ૨૦ થી ૨૫ જેટલા મુસાફરો ઘવાયા હતા. જેઓને તાત્કાલિક ટોલનાકાની એમ્બ્યુલન્સ અને ૧૦૮માં વ્યારા સિવિલ તેમજ નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. જેમાં ૬ મુસાફરો ગંભીર હોય તેઓને સુરત સિવિલ રીફર કરાયાનું જાણવા મળ્યુ છે.
- ધડાકાભેર અથડાતા બુથ કેબિન અને બસનો કચ્ચરધાણ વળ્યો, ૨૫ મુસાફરો ઘવાયા, ૬ ગંભીર
- મહારાષ્ટ્રનાં બુરહાનપુરથી જાનૈયાઓને લઈને પરત સુરત તરફ જતી વેળાએ અક્સ્માત સર્જાયો
- ટોલ બુથની મહિલા કર્મચારી અને બસ ચાલકનો આબાદ બચાવ
સોનગઢ ધોરીમાર્ગ પર ગુરુવારે સવારે પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસનાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા માંડળ ટોલ પ્લાઝાની લેન નં. ૧૫ના ટોલ બૂથ સાથે ધડાકાભેર અથડાઇ હતી. મુસ્લિમ સમાજના જાનૈયા ભરેલ શ્રી સમર્થ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં. જીજે ૦૩ બીવી ૯૮૧૫ મહારાષ્ટ્રના બુરહાનપુરથી સુરત જઈ રહી હતી. ત્યારે માંડળ ટોલનાકા પરથી સવારે ૧૧:૨૦ વાગ્યાના અરસામાં પસાર થતી વેળાએ આ લક્ઝરી બસના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી પુરઝડપે આવતી આ લકઝરી બસ ટોલબુથથી આશરે ૧૫થી ૨૦ મીટર પહેલા આવતા સ્પીડબ્રેકર કુદાવી ટોલ પ્લાઝાનાં લેન બુથ સેફ્ટી ગાર્ડને તોડી ૧૫ નંબરના લેનના ટોલ બુથને અડફેટમાં લઈ કેબીનમાં ઘુસી જતા કેબીનનો ભુક્કો બોલાઇ ગયો હતો. અકસ્માત સમયે ટોલ બુથની આશરે ૩૩ વર્ષિય મહિલા કર્મચારી નિકિતા નટુભાઈ ગામીત ( રહે. માંડળ, તા.સોનગઢ )એ સમય સુચકતા વાપરી સ્થળેથી ખસી જતા તેનો બચાવ થયો હતો.
ભયાનક અકસ્માતમાં ૫૦ ટકા મુસાફરો લોહી લુહાણ થયા
આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં બેસેલા ૫૦ ટકા મુસાફરો લોહી લુહાણ થયા હતા. બસના ચાલક રાહુલ દેસલે (ઉ. આશરે ૨૫, ૨હે. તા.શિંદખેડા, જી.ધુલિયા)ના પગે સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માતને પગલે ટોલપ્લાઝા પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અક્સ્માત બાદ રોડ પર બંને તરફ ટ્રાફિક જામ થતા લાંબી કતારો લાગી હતી. જોકે, ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં ટોલપ્લાઝાનાં કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અકસ્માતમાં કોઇ જાનહાનિ નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી. અકસ્માત સમયે ટોલ બુથનાં ૧૫ નંબરની લેનમાં અન્ય વાહનો નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.