ભરૂચ: ગણેશ સુગરના માજી ડીરેક્ટરની અલ્ટો કારે, ભરૂચથી પસાર થતાં સુપર એક્સપ્રેસ હાઈવેનાં દર્શન સુદ્ધાં કર્યા નથી, કાર ઘર આંગણામાં પાર્ક હતી, ત્યારે તેમની કારના નામે અડધી રાત્રે દહેગામ ટોલનાકે રૂ.85/- ફાસ્ટેગથી કપાઈ જતા ભારે આશ્રર્ય થયું હતું.
- ગણેશ સુગરના માજી ચેરમેનને કડવો અનુભવ, ત્રણ વર્ષની કારે ક્યારેય પણ સુપર એક્સપ્રેસ વેના દર્શન સુદ્ધાં કર્યાં નથી ને…
- એવું લાગે છે, જાણે ટોલવાળા હવે ઘરમાં ઘૂસીને પણ પૈસા વસૂલવાનું શરૂ કરશે
મૂળ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના વતની અને હાલમાં ઝાડેશ્વર સાંઈ કૃપા સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ ગંભીરસિંહ સુણવા ગણેશ સુગરના માજી ડીરેક્ટર છે અને ખેતી કરે છે. તેમણે તેમના દીકરાનાં નામે અલ્ટો કાર GJ-16,CN-7072 નજીકના અંતરના ઉપયોગ માટે છેલ્લા 3 વર્ષથી લીધી છે. આ કાર હજુ ભરૂચ દહેગામથી પસાર થતા સુપર એક્સપ્રેસ હાઈવે પર ગઈ નથી. હાલમાં છેલ્લા ત્રણ દિવસથી અલ્ટો ઝાડેશ્વર સાંઈ કૃપા સોસાયટીનાં તેઓના મકાનના પાર્કીંગમાંથી હટાવી પણ નથી. ત્યારે અચાનક 15/11/2024નાં રોજ રાત્રે 2:13:39 વાગ્યે તેમના બેંક ખાતામાંથી રૂ.85/- સુપર એક્સપ્રેસ વેનાં દહેગામ ટોક નાકા પરના ફાસ્ટેગથી કપાઈ ગયા હતા.
જ્યારે પૈસા કપાયા ત્યારે ગાડી પોતાના મકાન પાસે પાર્ક કરેલી હતી અને અર્જુનસિંહ સુણવા મીઠી નીંદર માની રહ્યા હતા. અર્જુનસિંહ સુણવાએ પૈસા રીફંડ મળે એ માટે કાર્યવાહી હાથ ધરી છે.