ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બુધવારે અહીં બેડમિન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સમા જોરદાર શરૂઆત કરીને જીત મેળવી હતી, જો કે આ પહેલા તે મિક્ષ્ડ ડબલ્સમાં હાર્યો હતો. આ ઉપરાંત ભારતની યુવા મહિલા ખેલાડી પલક કોહલી માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો હતો અને તે મહિલા સિંગલ્સ તેમજ મિક્ષ્ડ ડબલ્સ એમ બંને મેચ હારી ગઇ હતી.
વર્લ્ડ ચેમ્પિયન પ્રમોદે ભારતના જ મનોજ સરકારને પુરૂષ સિંગલ્સ ગ્રુપ એ ક્લાસ એસએલ3ની પહેલી મેચમાં 21-10, 21-23, 21-9થી હરાવ્યો હતો, હવે તેનો સામનો યુક્રેનના એલેકઝાન્ડર ચિકકોવ સાથે થશે. મનોજ સરકાર પણ શુક્રવારે ચિરકોવ સામે જ રમવાનો છે. આ પહેલા પલક પોતાની બંને મેચ હારી ગઇ હતી. મહિલા સિંગલ્સ ગ્રુપ એ ક્લાસ એસયૂ5માં જાપાનની અયાકો સુઝુકી સામે માત્ર 19 મિનીટમાં 21-4, 21-7થી હારી ગઇ હતી. હવે તે તુર્કીની ઝેહરા બગલાર સામે રમશે. આ પહેલા સવારે પ્રમોદ અને પલકની જોડી મિક્ષ્ડ ડબલ્સની પોતાની પહેલી મેચમાં લુકાસ માજુર અને ફોસ્ટીન નોએલની ફ્રેન્ચ જોડી સામે 43 મિનીટમાં 9-21, 21-15, 19-21થી હારી ગઇ હતી.