Charchapatra

આજનો યુવાન દશા અને દિશા

આજના યુવા ધન પર દેશનો સર્વાંગી વિકાસ-દેશનું ભાવિ અવલંબે છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં બહુધા એ આળસુ, ફેશનેબલ, માતા-પિતા-વડીલોનું અપમાન કરનારો મોબાઇલમાં જ સતત માથું ઘાલીને કલાકો સુધી રચ્યોપચ્યો રહેતો જણાય છે. યુવાન એટલે જેનામાં હિમાલયની અડગતા, સાગરની ગંભીરતા, ધરતીમાતા જેવી સહનશીલતા, સુગંધીદાર ફૂલની કળી જેવી કોમળતા તે જ સાચો યુવાન પણ આછેરી નજર વર્તમાન પેઢી પર ફેરવતાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા તરફ વળેલી જણાય છે.

તો બીજી તરફ અપવાદરૂપે યુવાન યુવતીઓ અથાગ પરિશ્રમ થકી સિદ્ધિનાં ઉચ્ચ શિખરો સર કરતાં દેખાશે. ઘણી વાર માતા-પિતા કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા સવારથી સાંજ સુધી બાળકો, માતા પિતા, ભાઇ બહેનનું ભરણપોષણ કરવા અર્થોયાર્જન કરતો હોય છે. ત્યારે બાળકો પર તેઓ ધ્યાન આપી શકતા નથી. સંયુક્ત પરિવારો તૂટતાં જાય છે. કેટલીક વાર યુવાવસ્થામાં નાપાસ થવાના ડરે, ટ્રેન નીચે પડતું મૂકે છે. ઝેર પીએ છે. પંખે લટકી જાય છે. નદીમાં કૂદી આપઘાત કરે છે. માંદગી કે બેકારીને કારણે પણ વ્યસન તરફ વળતો જણાય છે જે યોગ્ય નથી. આ માટે વાલીઓ, માતાપિતા, શિક્ષણ સંસ્થાઓ, એન.જી.ઓ, પત્રકાર મિત્રો, લેખકોએ ચિંતનની તાતી જરૂર જણાય છે. યુવામિત્રો, જિંદગી હંસને ગાને કે લિયે હૈ દોયલ, ઉસેખોના નહિં ખોકે રોના નહિં પ્યારે તું ગમ ન કર. આળસ ખંખેરી મહેનત કર વિજય તારા ચરણોમાં છે.
સુરત      – રમીલા બળદેવભાઈ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આ જાણવું જરૂરી છે
ઘણાં વરિષ્ઠ નાગરિકો પોતાની સ્થાવર મિલકત જીવતાંજીવત, દીકરા કે દીકરીને નામે ગીફટ  કરી તેમના નામે તબદીલ કરે છે. જે અયોગ્ય તો છે જ, છતાં જરૂર જ જણાય તો સેક્સન 23 ઓફ મેઇટેનન્સ એન્ડ વેલ્ફેર એક્ટની જોગવાઇ જાણવી જરૂરી છે. આ કાયદો કહે છે કે જો જે સંતાનને તમે તમારી મિલકત તબદીલ કરી આપી છે અને જો તે સંતાન તમને જરૂરી સુવિધા ન આપે, તમારા પાલનપોષણની ઉપેક્ષા કરે તો તેવા સંજોગોમાં દરેક રાજ્યમાં મેઇન્ટેન્સ ટ્રીબ્યુનલ હોય છે તેમની સમક્ષ આ અંગે ફરિયાદ થઈ શકે છે, પરંતુ યાદ રાખવું જરૂરી છે કે જો તમે તમારી મિલ્કત 29 ડિસેમ્બર 2007 પછી તબદીલ કરી હોય તો જ આપને આ કાયદો રક્ષણ આપે છે.

વરિષ્ઠ નાગરિકોને આ બધી પળોજણમાંથી સરકાર રાહત આપી શકે તેવો રસ્તો છે. સવાલ સરકારશ્રીની નિયતનો છે. આપણે જીવતાંજીવત આપણી મિલકત તબદીલ ન કરવી પડે અને આપણા મર્યા પછી આપણી મિલકત આપણે જે દીકરા દીકરીને આપવા માંગતા હોઇએ તેમના નામની વારસાઇ જે અત્યારે સુરતમાં થતી નથી, પણ રાજ્યનાં અન્ય શહેરોમાં થાય છે, તેના પુરાવા ઉપલબ્ધ છે. જો રાજ્યમાં દરેક ઠેકાણે આ સવલત આપવામાં આવે તો મરણ પછી પેઢીનામા અને તબદીલની તકલીફો જે પડે છે તે મટી જાય. આમ કરવામાં સરકારે કશું જ આર્થિક નુકસાન ભોગવવાનું આવતું નથી અને પ્રજાને ખાસ્સી રાહત મળે. આશા છે કે આ દિશામાં સરકાર વિચારશે.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top