Charchapatra

આજની બચત કાલનો નફો

આપણે ત્યાં દીકરા કે દીકરીનાં લગ્ન હોય ત્યારે આપણે આપણી હેસિયત પ્રમાણે ખર્ચો કરીએ છીએ. મોટા ઘરની મોટાઈ મધ્યમ કે ગરીબ વર્ગમાં દેખાદેખીમાં રિવાજ બની જાય છે. આપણે આટલું તો કરવું જ પડે, નહીં તો વેવાઈમાં આપણું કેવું ભૂંડું દેખાય? અને પછી દેખાડો કરવા માટે કરવામાં આવેલો ખર્ચ અને લગ્ન પ્રસંગે કરેલુ દેવું  પતાવતાં કુટુંબના વહીવટ કરનારાને નાકે દમ આવી જતો હોય છે. હમણાં મુકેશભાઈ અંબાણીને ત્યાં તેમના સુપુત્રનાં લગ્ન છે.

જાણવા મળ્યા મુજબ  આ લગ્નમાં તેઓ કરોડો અબજોનો ખર્ચ  કરશે છતાં તેમની વિશાળ સંપત્તિમાંથી કાંઈ જ ઓછું થવાનું નથી. તેઓ એમની કુલ  સંપત્તિમાંથી માત્ર પોઇન્ટ 0. 1કરતાં પણ ઓછો ખર્ચો થવાનો છે. જયારે આપણે આપણાં સંતાનોના લગ્નમાં  આપણી બચત વાપરીને ખર્ચ કરવો પડે છે જયારે  લગ્નનાં બીલ ચુકવણી કરવામાં તકલીફ પડવા લાગે તો સમજી જવું કે દેખાદેખીમાં બજેટ  કરતાં વધુ ખર્ચ થઇ ગયો છે અને ત્યારે આપણી બચત ઓછી કે પૂરી થઈ જતી હોય છે. ટૂંકમાં એટલું જ કે આપણે કોઇ પણ ખર્ચ આપણી પરિસ્થિતિ  પ્રમાણે જ કરવો જોઈએ. દેવું કરીને કોઈ પણ ખર્ચ કરવો ન જોઈએ. ખર્ચ કરતાં રૂપિયા બચાવવા જોઈએ કારણ કે આજની બચત એ કાલનો ચોખ્ખો નફો જ છે.
સુરત     – વિજય તુઈવાલા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચોમાસું
ભીંજાવાની આ મોસમ પોતાની સાથે ચેતનાઓનો ધોધ લાવે છે જડ તૃણમૂળો પર સંજીવની છાંટે છે બાળપણને ફરીથી જીવતું કરતી આ મોસમ છે.નેવલાંઓ નીચે માથાબોળ નહાતી નવોઢાઓના ઓરતાઓને ઉશ્કેરતી આ ગુલાબી મોસમ કાલિદાસના યક્ષને આતુર બનાવે છે,ચાકરીએ જતાં પોતાના માણીગરને રોકવા મથતી એની પ્રેયસી પદમણીની મુંઝવણ લોકગીતમાં આબાદ ઝીલાય છે :’આભમાં ઝીણી ઝબૂકે છે વીજળી રે…ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે.’ વરસાદનાં ફોરાં ઝીલવા માટે બારીની બહાર લંબાતી હથેળીઓને ચૂમીને મેઘો પણ મત્ત બને છે .

શાયર ટંકારવીએ ગજબ કલ્પન કર્યું છે : ‘એના પગની ઝાંઝ્રરીને ચૂમવા ;આજ વરસાદ પણ ત્રાંસો પડ્યો. ખેડૂતોને હવે ખૂબ દોડાદોડી છે.વરાપની રાહ જોતાં પહેલાં કુંડવામાં સિંચેલા ઘાસચારાને ઘરવગો કરવાની સાથે ગમારના છાપરાનું સમારકામ પણ કરી જ નાખવું પડે ઉતાવળે…,હવે તો પાકા મકાન થયાં, નહીંતર હજી જ્યાં કાચા છાપરા છે ત્યાં “વાંછટીયા” બાંધવા,સમારવા બાકી નળિયાને સમારવા..બસ કામ, કામ ને કામ. ..ને તોય મેઘરાજાની પધરામણીનો હરખ હોય છે ,છાપરું ચુતું હોય ત્યાં પાણી ઝીલવા તગારા,ડોલ,તપેલી મૂકવી.”ગળતાંમાં રહેવાય, પણ બળતામાં ના રહેવાય”ની સમજદારી કોક વડીલના મુખે સાંભળવાનો સમજણલાભ મને પણ પ્રાપ્ત થયો છે. અલબત્ત, મેઘરાજા તમારા બધાં આગોતરાં આયોજનોને કડડભૂસ કરી નાંખે …હા,વર્તમાન ક્ષણમાં જીવવાનો આનંદ અને આદેશ એ તમને જરૂર આપે.
સુરત     – પ્રકાશ પરમાર     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top