આજે શહેરના કોઈક ને કોઈક ખૂણે સિગારેટના ધુમાડા કાઢતા કે ડ્રગ્સનું સેવન કરતા દીકરા દીકરીઓને જોઈને હ્રદય આઘાત અનુભવે છે.આ ઉગતી પેઢી કે જે દેશનું ભવિષ્ય છે તે પોતાની અપાર શક્તિઓને ધુમાડાના ગોટમાં , નશામાં, માત્ર ને માત્ર મોજમજામાં વેડફી રહી છે.આ માટે કોણ જવાબદાર? માતાપિતા ! કે જે પોતાના બાળકો ને અનુશાસન એટલે કે શિસ્તનું મહત્વ સમજાવવામાં નિષ્ફળ ગયા છે.
જીવનને નુકસાન પહોંચાડે તેવા વ્યવહાર કે આદતને નિયંત્રિત કરવાનો પ્રયાસ એટલે જ અનુશાસન.આ અનુશાસનના પાલનમાં જ સંતાનો અને સમાજનું હિત રહેલું છે એ વાત ક્યારેય ભૂલવી જોઈએ નહિ.તેનું ઉત્તમ ઉદાહરણ છે પ્રકૃત્તિ.
પ્રકૃત્તિ અનુશાસિત છે તેથી જ તો તે તમામ પ્રકારના સુખ આપે છે.જ્યારે તે અનુશાસન તોડે છે ત્યારે વિનાશ જ નોતરે છે.આજની પેઢીને અનુશાસનમાં રહેવું બંધન લાગે છે.માતાપિતા પણ મોર્ડન લાઇફ સ્ટાઇલમાં સંતાનોને રોકટોક ન કરવામાં ગર્વ અનુભવે છે.તેથી જ આ પેઢી સ્વતંત્રતાના નામે સ્વછંદી બની મનમાની કરી રહી છે.
સંતાનો નિખાલસતાથી પોતાની વાત આપણી સામે નિર્ભય બની રજૂ કરી શકે કે પોતાના નિર્ણયો ચોક્કસ જાતે કરે, પરંતુ તેમના વ્યવહાર પર દેખરેખ રાખવા જેટલી જવાબદારી માતાપિતાએ ચોક્કસ નિભાવવી જ પડશે તો અને તો જ આપણે આ પેઢીને ગેરમાર્ગે જતી અટકાવી શકીશું.
સુરત-ભાવના વિમલ ઉપાધ્યાય -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.