Business

આજનાં સંતાનોને નૈતિક મૂલ્યો શીખવવાની જરૂર લાગે છે ખરી?

આજકાલ અખબારોમાં ગ્રીષ્મા, ફેનિલ જેવા અનેક કિસ્સાઓ વાંચવા મળે છે. ફેનિલે જે રીતે જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપ્યું અને તેને એ વાતનો કોઈ અફસોસ પણ નથી. ત્યારે આપણને સહેજે વિચાર આવે કે આજના યંગસ્ટર્સ એકદમ અસહિષ્ણુ બની ગયા છે? તેઓ પોતાના આવેગમાં આવીને જે કૃત્ય કરે છે તેનો પછી તેને કોઈ રંજ કે અફસોસ પણ લાગતો નથી.તેઓ પોતાના ભવિષ્યનો પણ વિચાર કરતાં નથી. ત્યારે સહેજે વિચાર આવે કે, આજકાલના યંગસ્ટર્સ એકદમ અસહિષ્ણુ કેમ બની ગયા છે? તેઓ આવેશમાં આવીને જે કૃત્ય કરી બેસે છે તેનો તેમને પછી કોઈ રંજ કે અફસોસ પણ નથી લાગતો અને તેઓ પોતાના ભવિષ્ય વિષે પણ નથી વિચારતા. યંગસ્ટર્સના આવા વલણ માટે જવાબદાર કોને ગણવા? પેરેન્ટ્સને? કે નાની ઉંમરે જ હાવી થઈ ગયેલી સોશિયલ મીડિયાની લત ને? કેટલાક એવા કિસ્સાઓ મળી આવશે જ્યાં તદ્દન નજીવી બાબતે સરાજાહેર કોઈનું ખૂન કરવામાં પણ આજના યુવાનોને કોઈ છોછ નથી રહ્યો. શું તેમના ઉછેરમાં કોઈ ખામી રહી ગઈ છે?માતાપિતા બાળક સાથે સફળતા, સંસ્કાર, જીત અને માનવતા અને સપના સાથે મૂલ્યોની વાત કરે છે ખરાં? કઈ રીતે ? બાળકોને હાર, નિષ્ફળતા અને નકાર સ્વીકારવાનું શીખવે છે ખરાં? સારી નરસી બાબતોની તલસ્પર્શી ચર્ચા કરે છે ખરાં? કઈ દિશા તરફ વળી રહ્યું છે આજનું યુવાધન? આપણાં સમાજ માટે ખતરા સમાન બનેલાં આવાં કલ્ચર માટે જવાબદાર કોણ? આ અંગે અમારાં દ્વારા કેટલાક પેરેન્ટ્સ સાથે વાત કરીને આવી પરિસ્થિતિ નિર્માણ થવાનું
કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધારે પડતી કાળજી સહનશક્તિ ઘટવા માટે જવાબદાર : પ્રતિભા ચૌધરી
૧૨ વર્ષના
દીકરાની માતા પ્રતિભા કહે છે કે, ‘આપણે આપણાં બાળકોને વધારે પડતાં પ્રોટેક્ટ કરી રહ્યા છીએ, બાળક કોઈ મિત્ર સાથે ઝઘડો કરીને આવે કે ટીચર દ્વારા તેને ઠપકો આપવામાં આવે ત્યારે તરત જ કઈ પણ વિચાર્યા વગર આપણે બાળકનું ઉપરાણું લઈએ છીએ જેના કારણે તેનામાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે જે બાબત આગળ જતાં મોટી મુશ્કેલી સર્જવાનું કારણ પણ બની શકે છે.’ પ્રતિભા જણાવે છે કે, પહેલાના સમયમાં પરિવારના સભ્યો સાથે મળીને રહેતા હતા અને તેને કારણે દાદા કે કાકા સાથે બાળક ખુલીને વાત પણ કરી શકતું અને સામાજિક મૂલ્યોને સમજી પણ શકતું, જ્યારે આજે ખાસ કરીને વિભક્ત કુટુંબના કારણે તે સામાજિક મેળવડાંઓથી પણ દૂર રહે છે અને જેથી પોતાની એક અલગ દુનિયામાં જ ખોવાયેલું હોવાને કારણે માતા પિતા તેના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકતા નથી જે ક્યારેક તેની જિંદગીમાં ઊથલ પાથલ સર્જી શકે છે.

સ્વતંત્રતા અને સ્વછંદતાનો ભેદ માતા પિતાએ શીખવાડવો જોઈએ : વિપુલ માંગરોળિયા
‘બાળક કોઈ પણ ભૂલ કરે તો એ માટે માતા પિતાની સંપૂર્ણ જવાબદારી રહેલી છે’ આ શબ્દો છે બિઝનેસમેન વિપુલભાઈના. તેઓ જણાવે છે કે, આજના કેટલાક માતા પિતા જ બાળકને સ્વતંત્રતા અને સ્વછંદતાનો ભેદ નથી સમજાવી શકતા, અને બાળક એક કુમળા છોડ જેવો હોય છે જેથી જેને જેમ વાળશો તેમ વળશે. બાળક જો એકવાર કોઈ એક દિશામાં વળી જશે તો પછી એને યોગ્ય જગ્યાએ વળવામાં મુશ્કેલી પડશે અને તેને આમ કરાવવાથી તે માઠું લગાડશે અને પેરેન્ટ્સથી વિમુખ પણ થશે, એટલું જ નહીં બાળકને દરેક જરૂરિયાત માટે પૈસાની આદત નહિ પાડો, તેને પૈસાનું તથા પરિવારનું મૂલ્ય સમજાવો.

બાળકને ફ્રિડમ તો આપો જ, સાથે ઘ્યાન પણ રાખો : સંગીતા ખંડેલવાલ
RSS
સાથે જોડાયેલા સંગીતા ખંડેલવાલના પરિવારમાં બે દીકરીઓ ઉપરાંત એક ૧૮ વર્ષિય દીકરો પણ છે. સંગીતાબેન જણાવે છે કે, ‘ઘરમાં ૨ દીકરીઓ હોવાના કારણે અમે દીકરીનું માન કેમ જાળવવું તે અમારા દીકરાને સારી રીતે સમજાવીએ છીએ. જો કે આજના જમાના પ્રમાણે બાળકોને થોડી છૂટ છાટ આપવી તો જરૂરી છે પણ સાથે જ તે આપણી છૂટનો ખોટો ઉપયોગ ન કરે તે જોવાની જવાબદારી આપણી છે. બાળક સાથે વધુ સખત થવાથી તે આપણી સાથે જુઠ્ઠું બોલવા લાગે છે પણ તેની સાથે એક ઉંમર પછી મિત્ર જેવો વ્યવહાર રાખવો જોઈએ. જો કે દીકરાને મિત્રો સાથે બહાર જવાની છૂટ આપું છુ પરંતુ યોગ્ય હોય તો જ અને તેના તમામ મિત્રોના કોન્ટેકટ નંબર પણ રાખું છુ.’ આજે યુવાનોમાં વધી રહેલા દુષ્કર્મ માટે તેઓ કેટલાક અંશે સોશિયલ મીડિયાને જવાબદાર માનતા જણાવે છે કે, ‘ઓન લાઇન શિક્ષણને કારણે મોબાઈલ આપવો જરૂરી થઈ ગયો છે પણ બાળક તેનો શું ઉપયોગ કરે છે તે જોવાની જવાબદારી માતા પિતાની છે.

ત્રાજવું બેલેન્સ હોવું જરૂરી છે : નયના રાજપૂત
વર્કિંગ
વુમન નયના કહે છે કે, ‘બાળકોના સારા ભવિષ્ય માટે આપણે તેને ગાઈડ તો કરીએ પણ બાળક ધારે નહીં કે તેણે આપણી વાત ગ્રહણ કરવી છે ત્યાં સુધી તેને સમજાવવું મુશ્કેલ છે. ત્રાજવું બંને તરફ સરખું હોવું જોઈએ.’ વધુમાં નયના કહે છે કે, ‘આજે આપણે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છીએ અને બાળકો સાથે બેસીને ટીવી પણ જોતાં હોઈએ છીએ ત્યારે તેમાં બોલ્ડ સીન આવતાં તેને તેને એ જોવાનું બંધ એમ કરાવતાં તેની ઉંમર પ્રમાણે તેને સમજાવવું જોઈએ, કારણ કે આ જ વસ્તુ એ અન્ય પાસેથી જાણવાનો પ્રયત્ન કરશે અને એમાં એને અયોગ્ય જ્ઞાન પણ મળી શકે છે, કોઈ અજ્ઞાનીને કે જ્ઞાનીને શીખવવું સહેલું હોય શકે છે પણ અધુરું જ્ઞાન મુશ્કેલી સર્જી શકે છે, જેથી પોતાના બાળકો સાથે બને એટલા ખુલીને ચર્ચા કરતાં શીખો, બાળકોનું મન સમજવું એ આજનાં સમયની માંગ છે.’

કોઈ પણ પેરેન્ટ્સ ફેનિલ જેવું કૃત્ય કરવા પ્રોત્સાહન આપતાં નથી : નુતિ કળથિયા 
શાળામાં
ટીચર તરીકે ફરજ બજાવતા નુતિ બહેન કહે છે કે, ‘ ફેનિલ જેવા કિસ્સા માટે માતપિતા તથા બાળક બંને જવાબદાર ગણાય. પણ હા, કોઈ પણ પેરેન્ટ્સ પોતાના બાળકને ફેનિલ જેવુ કૃત્ય કરવાના સંસ્કાર નથી આપતા. પરંતુ બાળકની ઉંમર સાથે તેની સાથેનું વર્તન બદલવાની જવાબદારી માતા-પિતાની છે. ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે બાળક પોતાને મૂંઝવતા સવાલ અંગે ઘરમાં કોઈ પણ સાથે મુક્ત રીતે ચર્ચા કરી શકે, તેની ભૂલ પર ગુસ્સે થવાને બદલે આગળ આવી ભૂલ નહીં થાય તે માટે સમજ આપવી જોઈએ. બાળકના સારા વર્તન માટે પ્રસંશા કરીએ છીએ તો ખોટું ન કરે તે જોવાની જવાબદારી પણ માતાપિતાની રહેલી છે.’ પોતાના 18 વર્ષીય પુત્ર અંગે ચિંતા વ્યક્ત કરતાં નુતિ બહેન કહે છે કે, ‘અમે ઘરમાં દીકરાને પૂરતી છૂટ છાટ આપીએ છીએ પણ સાથે જ તે કોઈ ખોટી સંગતમાં નહીં પડે તેનું ધ્યાન પણ રાખીએ છીએ અને જ્યારે કોઇ અનિચ્છનિય બનાવ બને ત્યારે બાળકો સાથે આ મુદ્દે ચર્ચા કરી તેમનું મન જાણવાનો પ્રયાસ કરીએ છીએ.

સોસાયટીની પેટર્ન બદલવાની જરૂર : અનુરાગ મુરારકા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનુરાગ જણાવે છે કે, ‘દરેક બાળક પોતાના ઘરમાથી જ શીખતું હોય છે, અને આપણી સોસાયટીમાં ખાસ કરીને દીકરી અને દીકરામાં ભેદ કરવામાં આવે છે, જો કોઈ વસ્તુ છોડવાની હોય તો તે માટે દીકરીને જ કહેવામા આવતું હોય છે. અને વાત જ્યારે હસબન્ડ વાઈફની હોય ત્યારે પણ બાળક જોતું હોય છે કે, તેમના પિતા કેવી રીતે માતા સાથે બિહેવ કરે છે. તો જે ઘરમાં પુરુષ હંમેશા પત્ની પર રોફ જમાવતો હોય કે મારપીટ કરતો હોય ત્યાં એવા બાળકોની માનસિકતા એવી જ થઈ જાય છે કે સ્ત્રી ફક્ત શોષણ કરવા માટે જ છે અને માટે સમાજમાં સ્ત્રીઓ સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી રહે છે, જેથી આપણે સમાજની વર્ષોથી ચાલી આવતી પેટર્ન બદલવાની ખાસ જરૂર છે જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.

આજે દરેક માતા પિતા પોતાના દીકરાને સારા સંસ્કાર અને મૂલ્યો આપવા તો માંગે જ છે,અને તેમનો દીકરો શ્રેષ્ઠ વ્યક્તિ બને તેવી ઈચ્છા પણ રાખે છે પરંતુ આજની પેઢીને સમજી શકવા માટે તેઓ પૂરતો સમય નથી આપી શકતા કે પછી દોષનો બધો ટોપલો સોશિયલ મીડિયા પર ઢોળી દેવા માંગે છે. કુમળા બાળકને યોગ્ય સમયે અને યોગ્ય રીતે સમજવું ખૂબ જ જરૂરી બની ગયું છે, જયારે પણ કોઈ અનિછનીય બનાવ બને ત્યારે આપણે બાળકને શિખામણ આપવા માંગતા હોય એવી રીતે નહીં પણ તેની સાથે આ બનાવ વિષે તેનો ઓપીનિયન જાણવા માંગતા હોય તેવી રીતે પુખ્ત ચર્ચા રૂપે તેમની માનસિકતાનો તાગ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. જેથી એ ચર્ચા દરમિયાન જ આપણે તે કઈ દિશામાં જઈ રહ્યું છે તેનો અંદાજ લગાડી શકીએ અને તેનો ઉકેલ પણ ચર્ચા દરમિયાન જ આપણાં ઓપીનિયન દ્વારા જ યોગ્ય રીતે સમજાવી શકીએ છીએ, ત્યારે દીકરા-દીકરી એક સમાનનું સૂત્ર તો બધા પોકારે છે પરંતુ પોતાના આચરણમાં આ વસ્તુ નહીં લાવે ત્યાં સુધી યુવાનોની માનસિકતામાથી મારાપણું પણ નહીં જાય અને તે ગમતું મેળવવા કોઈપણ હદ પાર કરતાં અચકાશે નહીં.

Most Popular

To Top