હમણાંથી ન્યૂઝમાં ચેનલો પર રોજ સંભળાય ને દેખાય છે કે આજે આટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું, અહીંથી પકડાયું, આટલી સરળતાથી મળી આવે છે, સારાં ઘરનાં બાળકો ડ્રગ્સ ખરીદી રહ્યા છે, તેનો ભોગ બની રહ્યા છે… અને અમારી આજુબાજુ પણ અમે મા-બાપની, વડીલોની વાતો સાંભળી. તેમનાં શબ્દોમાં પોતાનાં બાળકો અને તેમનાં ભવિષ્યની ચિંતા છલકાતી હતી. આથી જ અમને લાગ્યું કે આ વિષય પર જે અજાણ છે તેવાં અથવા તો જે ચિંતિત છે એવાં વડીલો અને મા-બાપનું ધ્યાન દોરી તેમને માર્ગદર્શન આપવું જ જોઈએ. આપણાં બાળકોને બચાવવા જો સન્નારી કંઇક યોગદાન આપી શકે તો એનાથી વિશેષ શું હોય શકે?
થોડાં વર્ષો પહેલાં એક ફિલ્મ આવેલી. ‘ઉડતા પંજાબ’. જેમાં પંજાબ અને ત્યાં ડ્રગ્સના સામ્રાજય વિશે બતાવવામાં આવ્યું હતું. પણ અત્યારે આઘાત લાગે એવી પરિસ્થિતિ ગુજરાતમાં અને એ પણ આપણા સુરતમાં છે. ડ્રગ્સનું દૂષણ યુવાનોને અસર કરી રહ્યું છે. તે સમાજને શારીરિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ભાવનાત્મક રીતે બરબાદ કરી રહ્યો છે. સ્કૂલો અને કોલેજોની આજુબાજુ ડ્રગ્સ સરળતાથી મળી રહે છે. પોતાને ‘Modern’ અને ‘Forward’ કહેતાં યુવાનો જાણતાં-અજાણતામાં ડ્રગ્સની ગર્તામાં ધકેલાઇ રહ્યાં છે ત્યારે મા-બાપને ચિંતા થવી કે ડર લાગવો સ્વાભાવિક છે. શું બાળકો સાથે ડ્રગ્સ અંગે ચર્ચા થઇ શકે? બાળકોને કઇ ઉંમરે આ જાણકારી આપી શકાય?
તેમને કેવી રીતે અટકાવીને દૂર રાખી શકાય? અમને કેવી રીતે ખબર પડે કે અમારું બાળક એનો ભોગ બન્યું છે? જો બાળકમાં આવાં લક્ષણો દેખાય તો શું પગલાં લઇ શકાય? જેવાં અનેક સહજ રીતે ઉદભવતા અને મા-બાપને પજવતાં પ્રશ્નોની ચર્ચા અમે માતા-પિતા, યુવાનો, ડોકટરો, N.G.O., કાઉન્સેલર સાથે કરી જેથી આ સળગતા પ્રશ્નનો ડર, વાસ્તવિક સમસ્યા, જરૂરી માહિતી અને માર્ગદર્શન અને તેને અટકાવવા શું પગલાં લઇ શકાય તે તમારા સુધી પહોંચાડી શકીએ. ઘણાં લોકો સાથે વાતચીત કરતાં અને લોકોના મનમાં ગભરાહટ જોતાં લાગ્યું કે આ મુદ્દાને ફકત એક ભાગમાં સમાવી શકાય એમ નથી.
કુટુંબ વિભકત થતાં બાળકો એકલાં થતાં ગયાં અને વ્યસનનો ભોગ બનતાં ગયાં: અમિત કાલરા
તેઓ 42 વર્ષના છે. તેમનો એક 7 વર્ષનો દીકરો છે. તેમના શબ્દોમાં ‘મારો દીકરો તો હજુ બહુ નાનો છે પરંતુ જે રીતે સુરતમાં ડ્રગ્સ ખુલ્લેઆમ મળે છે અને જે રીતે આપણાં બાળકો તેનો ઉપયોગ કરી રહ્યા છે તે બહુ જ ચિંતા ઉપજાવે એવું છે. હજુ ભવિષ્યનો વિચાર કરીએ તો કયાં તો એનો ઉપયોગ હજુ વધારે વધી શકે અથવા જાગૃતિ અને સભાનતાપૂર્વકના પ્રયત્નોથી ઘટી શકે. આજે પતિ-પત્ની બંને જણ કામ કરે છે. પૈસા વાપરવાની છૂટ વધી. બાળકોને અપાતા પૈસા પણ વધ્યા. તો બીજી બાજુ બાળકો વધારે સ્માર્ટ, બોલ્ડ બન્યાં અને ખોટી દિશામાં જતાં થયાં. સંયુકત કુટુંબ તૂટી ગયાં અને વિભકત કુટુંબ થયાં. આથી બાળક એકલતા અને ડિપ્રેશનનો શિકાર થવા માંડયું. આજનાં બાળકો મોબાઇલ, ટીવી, મિત્રો સાથે ઘરનાં વ્યકિત કરતાં વધુ સમય પસાર કરે છે. આવા સંજોગોમાં ગેરમાર્ગે દોરાય છે. આપણને જંક ફુડ,કોક થમ્સઅપ જેવાં પીણાથી થતું નુકસાન ખબર પડે છે એટલે આપણે ત્યાં બાળકોને ટોકીએ છીએ. પણ ડ્રગ્સના વિષયમાં તો મા-બાપ પોતે જ એટલાં સભાન નથી. તો કઇ રીતે બાળકોને બચાવી શકશું? એ ખરેખર ચિંતાનો જ વિષય છે.
બાળકો અને માતા-પિતા વચ્ચે Strong bonding અને એકબીજા પર વિશ્વાસ હોવો મહત્ત્વનો છે: કિંજલ વિદાણી
તેઓ 12 અને 16 વર્ષના બે બાળકોના માતા છે. તેમના મત મુજબ, ‘ડ્રગ્સ માટે આવાં નકારાત્મક વિચારો તો મનમાં આવે જ છે અને ચિંતા પણ રહે જ છે પરંતુ ડ્રગ્સથી ડરવા કરતાં વધારે જરૂરી છે ડ્રગ્સ અંગેની જાણકારી અને આ અંગેની સભાનતા. આજના બાળકોને સોશિયલ મિડિયાથી આપણા કરતાં પહેલી બધી વસ્તુ ખબર પડે જ છે. તો જરૂરી એ છે કે આ વસ્તુ બાળકો સાથે Discuss થાય અને એના માટે મા-બાપ અને બાળકો વચ્ચે Strong bonding મહત્ત્વનું છે. આપણાં સમાજમાં કમાવાની જવાબદારી પિતાની અને ઘર-છોકરાં સાચવવાની જવાબદારી માતાની માનવામાં આવે છે. પરંતુ જો પિતા પણ બાળકો સાથે પૂરતો સમય કાઢે, તેમની સાથે રાજેરોજની વાતો કરે, તો ઘણાં Problem સરળતાથી ઉકલી જશે. બાળકોના પૈસા કયાં ખર્ચાય છે, તેમના મિત્રો કોણ છે, કેવા ફેમીલીમાંથી આવે છે એ ધ્યાન તો રાખવું જ રહ્યું. અમારાં બાળકોને વિશ્વાસ છે કે એમનાથી કંઇ ખોટું થઇ પણ જશે અને અમને કહેશે તો અમે તેમને સાચવી લઇશું, બચાવશું અ ને સમજાવશું અને બાળકોનો અમારા પરનો આ વિશ્વાસ જ તેમને ખોટું કરતાં રોકશે.
બાળકોમાં બધી સમજ કેળવવાની સાથે થોડા ધાર્મિક પણ બનાવવા જરૂરી છે: ચિરાગ ગજ્જર
તેઓ 40 વર્ષના છે અને તેમને બે બાળકો છે તેમણે કહ્યું ‘‘આજના સમયમાં ડર તો લાગે જ છે કે બાળકોને ડ્રગ્સથી કેવી રીતે દૂર રાખીશું અને એટલે જ બાળકોના મિત્રવર્તુળ પર ધ્યાન રાખીએ છીએ અને એમના પણ સંપર્કમાં રહીએ છીએ. બાળકોને એ તો સમજાવ્યું જ છે કે ડ્રગ્સથી શરીરને શું નુકસાન થાય, કાયદાકીય રીતે કેવા ગુના લાગુ પડે. જુદી-જુદી ઉંમરે બાળકોને સમજાવવાની રીત જુદી-જુદી હોય શકે પણ સમજાવવું તો પડે જ. BAPS માં બાળકો માટે બાળમંડળ ચાલે છે; બાળસભાઓ થાય છે અને એમાં ડ્રગ્સ જ નહીં પરંતુ કોઈપણ વ્યસનથી શું આડઅસરો થાય તેના વિશેની સભાનતા અને સતર્કતા શીખવવામાં આવે છે. મારા મતે આવી સંસ્થામાં બાળકોને મોકલવાથી બાળકમાં દરેક ઉંમર સાથેની સમજ કેળવાતી જાય છે. અને થોડા ધાર્મિક વિચારો કેળવાય છે અને બાળક આવી પ્રવૃત્તિઓથી દૂર રહે છે.
મારો ભાઈ ? એ તો કેવી રીતે આમાં ફસાઈ જ શકે!: રાશિ મહેતા
ઉપરના શબ્દો જણાવતાં તેઓ કહે છે જ્યારે જાણ્યું કે મારો ભાઈ ડ્રગ્સ લે છે, પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મન, હ્રદય આ વસ્તુ માનવા તૈયાર જ નહોતાં. આ વસ્તુની ખબર પણ ત્યારે પડી જ્યારે તે 9th std.માં પરીક્ષામાં ફેલ થયો. મમ્મી-ડેડી સ્કૂલે મળવા ગયા અને ત્યારે જાણ થઇ કે એ ઘણાં બધાં દિવસોથી સ્કૂલે જતો જ નહોતો. સ્કૂલની બસમાં જાય અને તેમાં પણ પાછો આવે એટલે આજ સુધી ઘરમાં કોઇને ખ્યાલ જ નહીં આવ્યો. એનો સ્વભાવ બદલાઇ ગયેલો, એકલો-એકલો રહેતો હતો, કયારેક ખૂબ આક્રમક બની જતો હતો પણ અમને લાગ્યું કે આવું વર્તન તો ટીન-એજર્સમાં ઘણીવાર જોવા મળે. અમને કોઇને એવો એકવાર પણ વિચાર નહીં આવ્યો કે તે ડ્રગ્સ લેતો હશે. આપણા ઘરનું બાળક થોડી ડ્રગ્સ લે? આ વિશ્વાસે જ અમે તેના વર્તન પ્રત્યે બેદરકાર રહ્યાં. મારા મમ્મી-ડેડી સ્કૂલે મળવા ગયા હતા અને બીજી બાજુ ભાઈને ખબર પડી કે એ લોકો સ્કૂલે ગયા છે એટલે એ ઘરે જ નહીં આવ્યો. અમે બધાં તેને શોધવાં નીકળ્યાં. મનમાં અનેક જાતના વિચારો હતાં. ‘એણે કંઇ ખોટું પગલું તો નહીં ભર્યું હોય ને?’ તે અમને મળ્યો ત્યારે પણ એણે નશો કરેલો હતો. અમે તેને ઘરે લઇ આવ્યા. મારા દાદાનો ઘરમાં ખૂબ ધાક હતો. એટલે દાદાએ જયારે પૂછયું ત્યારે રડતાં-રડતાં, ધ્રૂજતા તેણે બધી હકીકત કહી અને જણાવ્યું કે આની શરૂઆત કફ સિરપથી થયેલી. અમે બધા જડ પૂતળાંની જેમ ઊભા હતાં. મમ્મીનું રડવાનું બંધ જ નહોતું થતું અને ‘કુટુંબનું નામ ખરાબ કર્યું , અમારે તો મરવાના દિવસ આવ્યાં છે. અમે બધાં સળગીને મરી જઇએ.’ આવું બધું બોલતી હતી. ડેડીને કંઇ નહીં સૂઝતા તેમણે ભાઈને 2 દિવસ રૂમમાં પૂરી દીધો. ત્યાર પછી એ કશે પણ જાય ઘરનું કોઇ વ્યકિત એની સાથે હોતું જ હતું. ભાઇને ડ્રગ્સની તલપ લાગતી હતી. તેને કશું મળતું નહોતું અને તે તડપતો હતો. ઘાંટા પાડતો હતો, દીવાલમાં જોરથી મુક્કા મારતો, ઘરનાં કાચ તોડી નાખતો. આ દરમિયાન મમ્મીએ Suicide કરવાની કોશિશ કરી. પપ્પાને હૃદયમાં ખૂબ દુ:ખાવો ઉપડતાં ડોકટર પાસે ગયા તો તેમણે કહ્યું પરિસ્થિતિ નાજુક છે. સાચવી લો. અને આ જ સમયે ભાઇને પણ મનોચિકિત્સક પાસે લઇ ગયા. તેમણે તેને સમજાવ્યું અને ભાઇને ડર પણ લાગ્યો કે મારા લીધે જો પપ્પા- મમ્મી મરી જશે તો અમે કોના સહારે રહીશું? અમારું શું થશે? ઘરની પરિસ્થિતિ કોણ કોને સંભાળે એવી હતી. આથી ભાઇને કાકાને ત્યાં રહેવા મોકલ્યો. કાકા બધું જાણતા હતા પણ તેમણે ભાઇને સમજયો. શાંતિથી વાત કરી. અને બધું પૂછયું. ભાઇ આમ પણ કાકાની વધુ નજીક હતો તેથી તેણે બધી હકીકત કહી. કઇ રીતે મિત્રોને લીધે તેણે શરૂ કર્યું, કયાંથી આ ડ્રગ્સ મેળવે છે બધી વાત કરી અને જયારે કાકાએ પૈસા માટે પૂછયું તો તેણે કહ્યું, ‘જરૂર પડયે તે ઘરમાંથી જ ચોરી લેતો હતો.’ ભાઇને સમજાવી તેની સારવાર શરૂ કરી. તેના જમવામાં અમે દવાઓ ભેળવીને આપતા હતાં. પરંતુ ડ્રગ્સની તડપ છૂટતી નહોતી. તેણે ઘરમાંથી ભાગવાની કોશિશ પણ કરી. તેની લાચારી, અકળામણ, તકલીફ જોવાતી નહોતી. લગભગ 5 વર્ષ સુધી આ બધું ચાલ્યું. ધીમે- ધીમે ખૂબ તકલીફ સાથે તેણે આમાંથી બહાર આવવાની કોશિશ કરી અને થોડા સમય માટે તે આમાંથી બહાર નીકળી પણ ગયો હતો. હજુ પણ અમારા બધાના હૃદયમાં એ ડર તો રહે જ છે કે કયાંક ભાઇ ડ્રગ્સ પાછું શરૂ તો નહીં કરી દેશે ને?
બાળકો ડ્રગ્સના રવાડે ચડે તો તેના માટે જવાબદાર બે જ સંબંધ: કયાં તો માબાપ યા તો ફ્રેન્ડસ વિકાસ દોશી(યુથ નેશન)
અમે સુરત-ગુજરાતમાં Drugs Awareness માટે કાર્ય કરી રહ્યા છીએ. સ્કૂલો, કોલેજો, પ્રતિષ્ઠિત વ્યકિત જોડાયેલ સંસ્થાઓ વગેરે જગ્યા પર જઇ અમે લોકોને જાગૃત કરી રહ્યા છીએ. અમારી સાથે આ કાર્યમાં 150 થી વધુ લોકો જોડાયેલા છે. જેમાં અમે ઓળખ જાહેર કર્યા વગર આવા લોકોનું કાઉન્સીલીંગ, ટ્રિટમેન્ટ મફતમાં કરીએ છીએ. લગભગ 16 વર્ષથી ઉપરની ઉંમરના છોકરાઓ/ છોકરીઓ આનો શિકાર થાય છે. છોકરીઓમાં એટલી હિંમત શરૂઆતમાં નથી હોતી પરંતુ તેમના ગ્રૃપ અને સાથે રહેલ છોકરાઓની સોબતમાં તેઓ શરૂ કરે છે. ખૂબ જ ધનાઢય પરિવારના નબીરાઓ ફ્ક્ત કંપની માટે પોતાનાં ગ્રુપના બીજા છોકરાંઓને પોતાના પૈસે ડ્રગ્સની લત લગાડે છે. અને ચિંતાની વાત એ છે કે લગભગ 50% ક્રોસ થઇ જાય પછી ઘરમાં આ વાતની જાણ થાય છે. જયારે પરિસ્થિતિ ખૂબ વણસી જાય અને બાળકમાં નોંધપાત્ર મોટાં બદલાવ દેખાય ત્યારે માતાપિતા બાળકને આમાંથી બહાર કાઢવાના વલખાં મારે છે. આજના બાળક એટલાં Smart છે કે ધારોકે બાળક રાતે બરાબર ઊંઘતું ન હોય, દિવસમાં ઊંઘી જાય. ચીડચિડયું હોય અને પૂછો તો તરત કહેશે, ‘રાત્રે મોડે સુધી જાગતો હતો, ભણવાનું હતું. પરીક્ષા છે, સબમિશન છે’ અને સરળતાથી મા-બાપને ફેરવી દે છે. સ્ટેશન પર કે રસ્તા પર સૂતાં લોકો જો ડ્રગ્સ લે છે તો તેમને બીજી અનેક તકલીફો છે, ને તમે એમાં બદલાવ નથી લાવી શકવાના અને આવા લોકો બહુ મોટી સંખ્યામાં છે પણ તે એટલો ચિંતાનો વિષય નથી પરંતુ જયારે સારા ઘરનાં, ભણેલાં, બાળકો આ તરફ દોરાય ત્યારે પરિસ્થિતિ અઘરી થઇ જાય છે. જો આવાં બાળકોને જાગ્રત કરી સમજાવવામાં આવે, ધીરજ અને પ્રેમથી વાળવામાં આવે તો આજ બાળક કદાચ ભવિષ્યમાં નીચલા વર્ગના, ગરીબ, પછાત લોકોને જાગ્રત કરશે. માબાપ અને મિત્રો બે જ વ્યકિત આમાં ફસાવા માટે અને આ જ બે વ્યકિત આમાંથી નીકળવા માટે પણ જવાબદાર છે. એટલું જ કહીશ. ’બાળકોનાં મિત્ર બનીને રહો. એમને સાંભળો, સમજો.’
ડ્રગ્સનું સામ્રાજય ફેલાવવાનું મૂળ કારણ સુરતીઓ પાસે અઢળક પૈસો છે અને પૈસા વાપરવાની બાળકોને અપાતી છૂટ છે. પરંતુ જો આ પૈસો સમજણપૂર્વક વાપરવામાં ન આવે તો આ જ પૈસો પાયમાલી તરફ લઇ જાય છે. તેથી જ અત્યારે માતા-પિતાને ડર તો લાગે જ છે પણ સાથે જાગ્રત અને સતર્ક થયા છે. તેથી જ આવતા અંકે આપણે આ જ સમસ્યાના નિરાકરણ અને માર્ગદર્શન માટે આ ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાય જોઇશું.