અમદાવાદ : દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે આવતીકાલે 26 માર્ચે. BAPS સંસ્થાના વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની વિશ્વની સર્વવિશાળ, 108 ફૂટ ઊંચી પ્રતિમાની વિધિવત્ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. પંચધાતુમાંથી નિર્મિત આ ભવ્ય પ્રતિમા ‘એક પગ પર અડગ’ સ્થિતિમાં સ્થાપિત કરવામાં આવી છે, જે ભગવાન સ્વામિનારાયણના તપસ્યામય જીવનનું પ્રતિક છે. આશરે એક વર્ષના અવિરત પ્રયત્નોથી તૈયાર થયેલી આ પ્રતિમા 8 ફૂટ ઊંચા પૃષ્ઠતળ પર સ્થાપિત કરવામાં આવી છે. તેના નિર્માણમાં શિલ્પી સંતો, કુશળ કારગરો અને અનેક સ્વયંસેવકોનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
આ પ્રસંગે વિશ્વભરના 300થી વધુ સંતો-મહંતો યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને એશિયા પેસિફિકમાંથી ઉપસ્થિત રહેશે. સાથે જ લંડન, ન્યૂયોર્ક, દુબઈ, સિડની, કેપ ટાઉન અને હોંગકોંગ સહિતના શહેરોમાંથી હજારો હરિભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.
આ મહોત્સવનો પ્રારંભ આજે 25 માર્ચે ‘શ્રી નીલકંઠ વર્ણી વિશ્વ શાંતિ મહાયજ્ઞ’ સાથે થયો હતો. મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં વિવિધ પ્રાંતોના હરિભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મહંતસ્વામી મહારાજે વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી. ખાસ કરીને ખાડી પ્રદેશમાં ચાલી રહેલા યુદ્ધના વિરામ માટે એકતા અને સુહૃદભાવનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે શાંતિના પ્રતિક રૂપે આકાશમાં શ્વેત કબૂતરો મુક્ત કરવામાં આવ્યા હતા. 26 માર્ચે વહેલી સવારે 6 વાગ્યાથી મુખ્ય પ્રતિષ્ઠા વિધિ શરૂ થશે અને ત્યારબાદ આ દિવ્ય પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે શાંતિ, તપ, ત્યાગ અને માનવમૂલ્યોના પ્રસારનું પ્રતિક બની રહેશે.