surat : આજે વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી થઇ રહી છે ત્યારે છેલ્લા એક વર્ષથી હક્ક રજાઓ લીધા વિના જ સતત કામ કરતા નર્સિંગનો સ્ટાફ ( nursing staff) વિરોધ પ્રદર્શન કરશે. છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઇને રજૂઆતો છતાં પણ કોઇ નિરાકરણ નહીં આવતા આવતીકાલથી તા. 17મી સુધી પીપીઇ કીટ ( ppe kit) ઉપર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરાશે. જો કોઇ નિરાકરણ નહીં આવે તો નર્સિંગ સ્ટાફ દ્વારા તા. 18મીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા નર્સિંગ એસો.ના દિનેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, યુનાઇટેડ નર્સિંગ ફોરમના રાજ્યભરના જિલ્લા પ્રતિનિધીઓની એક મીટીંગ મળી હતી, આ મીટીંગમાં નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નોને લઇને ચર્ચા કરવામાં આવી હતી. નર્સિંગનો સ્ટાફ છેલ્લા એક વર્ષથી પરિવારની ચિંતા વગર કામ કરી રહ્યો છે પરંતુ તેઓની માંગણી સંતોષવામાં આવતી નથી. અમારી માંગણી છે કે, નર્સિંગ સ્ટાફને ગ્રેડ પે રૂા. 4200 અને ખાસ ભથ્થાઓ 9600 ચૂકવાય, નર્સિંસની આઉટસોર્સિંગ ભરતી બંધ કરી 35000 પગારની ચૂકવણી થાય, નર્સિંગ સ્ટુડન્ટન્ટ ડિપ્લોમા દરમિયાન 15 હજાર સ્ટાઇપેન્ડ અને બીએસસીમાં ફાયનલ વર્ષમાં ઇન્ટર્નશીપ દરમિયાન 18 હજાર ચૂકવાય.
રાજ્યની લગભગ 4000 જગ્યા ભરવામાં આવે, અત્યાર સુધી જે રજાનું વળતર મળ્યુ નથી તે વળતર ચૂકવવામાં આવે તેમજ નર્સિંગ માટે રાજ્યમાં સ્વતંત્ર ડિરેક્ટરોરેટ નર્સિંગ સેલની રચના કરવામાં આવે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો દર્દીઓની સેવા ખોરવાર નહી તેવી રીતે તા. 17મી સુધી પીપીઇ કીટ ઉપર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ત્યારબાદ એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને આંદોલન કરવામાં આવશે.