સુરત: તા. 12મી મેના રોજ વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કોરોના (corona) કાળ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં આશરે 5000 જેટલો નર્સિંગ સ્ટાફ ( nursing staff) કોરોના વોરિયર્સ તરીકે કામ કરે છે. પરિવારની પણ ચિંતા કર્યા વગર આ સ્ટાફ પોતાનું યોગદાન આપી રહ્યો છે. ત્યારે સુરતની સિવિલમાં 680નો સ્ટાફ કામ કરી રહ્યો છે, તેમ છતાં પણ 400 જેટલો નર્સિંગ સ્ટાફની ઘટ હોવાનું કહેવાય છે. હાલમાં એક નર્સ કે બ્રધર્સ આશરે 10 થી 12 દર્દીઓની સેવા કરી રહ્યું હોવાનું તબીબોએ જણાવ્યું છે.
સુરતમાં તમામ સરકારી અર્ધસરકારી, પાલિકા હેલ્થ સેન્ટર્સ ખાતે કુલ ૫,૦૦૦ નર્સિંગ કોરોના યોદ્ધાઓ રજા લીધા વિના ફરજ નિભાવી રહ્યા છે, અને શહેરને કોરોનામુક્ત રાખવામાં અગત્યનું યોગદાન આપી રહ્યાં છે. વર્ષ ૨૦૨૦ની પ્રથમ લહેર અને આ વર્ષની બીજી લહેર દરમિયાન નવી સિવિલના કુલ ૧૪૦ નર્સ ભાઈબહેનો કોરોનાગ્રસ્ત થયા હતા, જે પૈકી બે પુરૂષ અને ત્રણ મહિલા નર્સ એમ પાંચના દુઃખદ નિધન થયા છે. જ્યારે સ્મિમેર ( smimer) માં કુલ ૫૫૩ નર્સ ફરજ બજાવી રહ્યા છે, ૫૬ એડમિન સ્ટાફ ઉપરાંત ૧૪૯ નર્સિંગ વિદ્યાર્થીઓની પણ સેવા લેવામાં આવી રહી છે. સ્મીમેરના ૫૫૩ નર્સિંગ સ્ટાફમાંથી ૧૮૦ કોરોનાગ્રસ્ત થયા હતા, જે તમામ સ્વસ્થ થઈને ફરજ પર જોડાઇ ગયા છે. મહત્ત્વની બાબત તો એ છે કે, આ નર્સિંગ સ્ટાફે પોતાના પરિવારની સામે પણ જોયુ નથી. માત્રને માત્ર દર્દીઓને કોરોનામાંથી બહાર કાઢીન તેઓને સ્વસ્થ રીતે ઘરે પરત મોકલવાનું ધ્યેય રાખીને સ્ટાફ કામ કરી રહ્યો છે. સુરતની બે સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એક નર્સિંગ સ્ટાફ વચ્ચે 10 થી 12 દર્દીઓને સેવા અપાઇ રહી છે.
નર્સિંગ સ્ટાફ માટે કોરોના કાળ અગ્નિપરિક્ષા સમાન રહ્યો : ડો. ઇકલાબ કડીવાલા
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળનું છેલ્લું એક વર્ષ નર્સિંગ સ્ટાફ માટે અગ્નિપરીક્ષા સમાન રહ્યો છે. એક વર્ષથી સુરતનો નર્સિંગ સ્ટાફમાં નર્સ બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે, જે તેમની કર્તવ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સતત ૮ થી ૧૦ કલાક પી.પી.ઈ કીટ, માસ્ક અને ગ્લોવ્ઝમાં દર્દીઓને દરેક પ્રકારની મદદ કરવામાં પાછીપાની કરતા નથી.
સ્મીમેરમાં નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્ત થયો પરંતુ કોઇનું મોત થયું નથી : સુરેન્દ્ર ત્રિવેદી
સ્મીમેરના સુપ્રિન્ટેન્ડન્ટ સુરેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સ્મિમેરમાં નર્સિંગ સ્ટાફમાં કોરોનાગ્રસ્ત થવા છતાં કોઈનું પણ અવસાન નોંધાયું નથી. સ્ટાફમાં કોરોના સંક્રમિત થવા છતાં સ્વસ્થ થઈને ફરજ પર પાછા ફરી સેવાની જવાબદારી પૂર્વવત વહન કરે છે. કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફની સેવાના સહારે ડોક્ટર્સ સ્ટાફ સાથે એક સિક્કાની બે બાજુ સમાન તેમની ફરજ સાર્થક કરી રહ્યા છે. નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડે છે