Editorial

આજે પર્યાવરણ દિવસ : જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી લોકો વહેલા વૃદ્ધ થઇ રહ્યાં છે

જંતુનાશકો પ્રત્યેના એક્સપૉઝરને સંવેદનશક્તિના ક્ષીણ થવા સાથે પણ સંબંધ છે. જાપાનના સાકુ કૃષિ પ્રદેશમાં પ્રારંભિક ઘટનાઓ પૈકીની એક ઘટના 1960ના દાયકામાં બની હતી. એ પ્રદેશના રહેવાસીઓ ઑર્ગનોફોસ્ફેટ્સના સંપર્કમાં આવ્યા પછી તેમને દૃષ્ટિસંબંધી તકલીફ થઈ હતી. સાકુના લોકોને થયેલા રોગોમાં ધૂંધળી દૃષ્ટિ, માયોપિયા, વિષમ દૃષ્ટિ અને આંખની બીજી તકલીફોનો સમાવેશ થાય છે. આ વિસ્તારના લોકો પરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ખેડૂતો ઉપરાંત ખેડૂતોની પત્નીઓની દૃષ્ટિ ક્ષમતામાં પણ ઘટાડો થયો હતો.

આ અંગે જે તે સમયે વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે, જંતુનાશકોનો છંટકાવ કરતા લોકોનાં શરીર તથા કપડાં પર જંતુનાશકોના અવશેષો ચોંટી જાય છે, જ્યારે તેમની આસપાસના લોકોના શરીરમાં એ અવશેષો શ્વાસ લેવાને કારણે પ્રવેશતા હોય છે. આ પ્રકારની સંપર્કની પણ લોકોને આરોગ્ય પર હાનિકારક અસર થઈ શકે છે.મિશિગન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા ઘ્રાણેંદ્રિયની કામગીરી પર જંતુનાશકોની અસર બાબતે 2019માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. હોંગલેઈ ચેન તે અભ્યાસનો હિસ્સો હતા. તે અભ્યાસમાં 11,232 ખેડૂતોની શારીરિક સ્થિતિ પર 20 વર્ષ સુધી નજર રાખવામાં આવી હતી.

અભ્યાસ હેઠળના 10.6 ટકા ખેડૂતોએ જંતુનાશકોને અત્યંત માઠી અસર (એચપીઈઈ)નો અનુભવ કર્યો હતો. 2020ના એક અભ્યાસના તારણ મુજબ, વિશ્વભરમાંના અંદાજે 86 કરોડ ખેત કામદારો પૈકીના 44 ટકા જંતુનાશકોની ઝેરી અસરનો ભોગ બને છે. તેનું કારણ રક્ષણાત્મક સાધનોનો અભાવ અથવા ખામીયુક્ત સાધનો હોય છે. જંતુનાશકોના વપરાશ અને ન્યૂરોજનરેટિવ રોગ વચ્ચે કડી હોવાનું અનેક અભ્યાસમાં સ્થાપિત થયું છે. જંતુનાશકોને સંપર્કને ઍટેન્શન ડેફિસિટ હાયપરઍક્ટિવિટી ડિસોર્ડર (એડીએચડી) અને પાર્કિન્સન્સ ડિસીઝ જેવા જેવા ઘણા રોગ સાથે પણ સંબંધ છે.

ગ્રામ્ય ઉત્તર ભારતના બાળકોમાં એએલપી કૃષિ જંતુનાશકની અસર વિશેના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સઘન સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવેલાં 30 પૈકીનાં 14 બાળકો જંતુનાશકોની ઝેરી અસર સામે ટકી શક્યાં ન હતાં. ફ્રાન્સના બોર્ડેક્સ પ્રદેશમાં દ્રાક્ષની વાડી નજીક આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોએ 2014માં જંતુનાશકની ઝેરી અસરનો ભોગ બન્યાં હતાં. દ્રાક્ષની વાડીમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો પછી શાળાનાં 23 બાળકોએ ઉબકા આવવાની, માથાના દુખાવાની અને ત્વચા પર બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી. અમુક દેશોએ ચોક્કસ પ્રકારના જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો છે.

જીવવિજ્ઞાની રશેલ કાર્સનના 1962માં પ્રકાશિત પુસ્તક ‘સાયલન્ટ સ્પ્રિંગ’ને લીધે જંતુનાશકોની પર્યાવરણ પર થતી પ્રતિકૂળ અસર વિશે લોકો જાણતા થયા હતા. તેના પગલે અમેરિકામાં રાષ્ટ્રીય પર્યાવરણ ચળવળ શરૂ થઈ હતી અને ખેતીમાં વપરાતા ડીડીટી નામના સર્વસામાન્ય જંતુનાશક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જંતુનાશક દવાઓની અસર માટે વધુ દૂર જવાની જરૂર નથી. આપણે આપણી આસપાસ જ જોઇ શકીએ છીએ કે, પહેલાના જમાનાના લોકોના વાળ 45 વર્ષ પછી સફેદ થતાં હતાં. જો કોઇના વહેલા સફેદ થાય તો પણ તેની ઉંમર 40ની આસપાસ જ હતી પરંતુ હવે 18 વર્ષના યુવાનોમાં પણ સફેદ વાળ જોવા મળી રહ્યાં છે.

નાની ઉંમરે જ ડાયાબિટીશ થઇ રહ્યો છે. યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે અને સૌથી મોટી વાત તો કેન્સરની છે. જેનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. સામાન્ય રીતે દારૂ, તમાકુ કે પછી માદક દ્રવ્યોના આદી હોય તેવી વ્યક્તિઓમાં પહેલા આ પ્રકારના રોગ જોવા મળતા હતા પરંતુ જે વ્યક્તિએ કોઇ દિવસ વ્યસન નથી કર્યું જે શુદ્ધ શાકાહારી છે. તેઓ પણ કેન્સર, ડાયાબિટિશ, બ્લડપ્રેશર જેવા રોગના નાની ઉંમરે ભોગ બની રહ્યાં છે.

તેનું કારણ જ શાકભાજી ઉગાડવામાં વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ તેમજ જંતુનાશક દવાઓ છે. માણસને જીવવા માટે હવા પાણી અને ખોરાક એ સૌથી મહત્વના હોય છે. હવે પ્રદુષણના કારણે શહેરોમાં તો ચોખ્ખી હવા મળવી મુશ્કેલ છે. પાણી પણ અશુદ્ધ છે અને ખોરાકમાં દરેક શાકભાજીનું વધુ ઉત્પાદન લેવા માટે જુદા જુદા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ દૂધ મેળવવા માટે ગાય ભેંસને પણ ઇન્જેકશનો આપવામાં આવે છે. એટલે આવા અશુદ્ધ ખોરાકના કારણે લોકો નાની ઉંમરે જ વૃદ્ધ થઇ રહ્યાં છે.

Most Popular

To Top