સાપુતારા : વઘઈ લહાનમાળુંગા ગામમાં પિધેલાનો કેસ કરવા બાબતે ઝઘડો થતા પિતા-પુત્રએ ભાઈ અને ભાભી પર પથ્થર, દાતરડા અને હથોડી વડે હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા દંપતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વઘઈના લહાનમાળુંગા ગામના વસંત ચૌહાણ ઉપર ત્રણેક મહિના અગાઉ સાપુતારા પોલીસ સ્ટેશનમા દારૂ પીધેલાનો કેસ થયો હતો. અને તે કેસના કારણે આહવા કોર્ટમાં ગયા હતા. ત્યારે વસંત ચૌહાણ રાત્રીના આઠેક વાગ્યે પોતાના ઘરના ઓટલા ઉપર બેસી ભાઈ કિશન ચૌહાણને મે તમારૂ આટલુ સારૂ રાખેલું છે તેમ છતા તમે મારા ઉપર સાપુતારા પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલાનો કેસ કરી મને કોર્ટના પગથીયા ચઢાવેલા છે. તેમ કહેતા કિશન ચૌહાણે ઉશ્કેરાઇ ગયા હતા. ત્યારે વસંત ચૌહાણે પણ કિશનભાઇએ મારામારી કરી પથ્થરથી વસંતભાઈનાં માથામાં તથા પીઠ ઉપર મારી ઇજા પહોંચાડી હતી.
કિશનભાઇના પુત્ર યોગેશભાઇએ દાતરડુ લઇ કાકા વસંતભાઈને માથાના પાછળના ભાગે તથા હાથમાં તથા પગમાં અને કપાળમાં ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી વસંતભાઇની દીકરી જ્યોતિબેન અને પત્ની પ્રભાબેન છોડાવવા જતા યોગેશ ચૌહાણે કાકી પ્રભાબેનનાં હાથમાં દાતરડાનો ઘા કર્યો હતા. બાદમાં યોગેશે હથોડી લઇ આવી કાકા વસંતભાઇને આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી કપાળ પર દાતરડું મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઇને વસંતભાઇની દીકરીએ બંને આરોપીઓ વિરૂદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પી.આઈ. એન.ઝેડ.ભોયાએ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.