Comments

આજે ૩.૩ અબજ લોકો એ દેશોમાં રહે છે જ્યાં આરોગ્ય-શિક્ષણ કરતાં દેવું ચૂકવવા પર વધારે ખર્ચ થાય છે

ભારત તાજેતરમાં જ ચીનને પાછળ છોડી સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો છે. આજે વિશ્વની કુલ વસતી લગભગ ૮ અબજે પહોંચી છે ત્યારે લગભગ અડધી વસતી એવા દેશોમાં રહે છે કે જ્યાં આરોગ્ય અથવા શિક્ષણ પર થતાં ખર્ચ કરતાં દેવા પર ચૂકવવાના થતાં વ્યાજ પર વધુ ખર્ચ થાય છે, એવું યુનાઈટેડ નેશન્સનો એક અહેવાલ કહે છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ આશરે ૩.૩ અબજ લોકો, એટલે કે કુલ વસતીનો લગભગ અડધો ભાગ હવે એવા દેશોમાં રહે છે, જેઓ શિક્ષણ અથવા આરોગ્ય કરતાં તેમના દેવા પર વ્યાજ ચૂકવવામાં વધુ નાણાં ખર્ચે છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વની દેવાની સ્થિતિ પરનો એક અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આપણું અડધું વિશ્વ આપત્તિમાં સપડાયેલું અને દેવાની કારમી કટોકટીથી પીડિત છે.

૨૦૨૨માં, વૈશ્વિક જાહેર દેવું વિક્રમી ૯૨ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે અને વિકાસશીલ દેશો પ્રમાણમાં વધુ ભારણ હેઠળ છે. આવી ‘ક્રશિંગ ડેટ કટોકટી’ મોટા ભાગે ગરીબ વિકાસશીલ દેશોમાં વધુ છે. ફાઇનાન્શિયલ માર્કેટ્સને હજુ સુધી આની અસર નથી થઈ પરંતુ અબજો લોકો અને સરકારોના જાહેર દેવાનું સ્તર વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, દેવાનું ઊંચું સ્તર ધરાવતા દેશોની સંખ્યા સતત વધી રહી છે. ૨૦૧૧માં આવા દેશોની સંખ્યા ૨૨ હતી જે ૨૦૨૨માં વધીને ૫૯ થઈ છે અને આ ૫૯માંથી ૫૨ દેશો, જે વિકાસશીલ વિશ્વના લગભગ ૪૦ ટકા થાય, તે ગંભીર દેવાની સમસ્યામાં સપડાયેલા છે.

આફ્રિકામાં, વ્યાજની ચૂકવણી પર ખર્ચવામાં આવતી રકમ શિક્ષણ અથવા આરોગ્ય પર ખર્ચ કરતાં વધુ છે. ચીનને બાદ કરતાં એશિયા અને ઓશનિયાના વિકાસશીલ દેશો આરોગ્ય કરતાં વ્યાજની ચૂકવણીમાં વધુ ભંડોળ ફાળવી રહ્યા છે. તે જ રીતે, લેટિન અમેરિકા અને કેરેબિયનના વિકાસશીલ દેશો વિકાસલક્ષી રોકાણને બદલે વ્યાજની ચૂકવણી માટે વધુ નાણાં ફાળવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં, દેવાનો વધતો બોજ દેશોને લાંબા ગાળાના વિકાસમાં રોકાણ કરતાં રોકી
રહ્યો છે. ગુટેરેસે જણાવ્યું હતું કે ઋણનો વધતો હિસ્સો ખાનગી લેણદારો પાસે છે જેઓ વિકાસશીલ દેશો પાસેથી ઊંચા વ્યાજદર વસૂલે છે. ઉદાહરણ તરીકે, ઘણા આફ્રિકન દેશો અમેરિકા કરતાં સરેરાશ ચાર ગણી વધુ અને સૌથી ધનાઢ્ય એવા યુરોપિયન દેશો કરતાં આઠ ગણું વધુ વ્યાજ ચૂકવે છે.

અહેવાલમાં જણાવાયું છે કે જાહેર દેવું મોટા ભાગે બે પરિબળોને કારણે ઊંચા સ્તરે પહોંચી ગયું છે: પ્રથમ, દેશોની નાણાંકીય જરૂરિયાતો વધી ગઈ કારણ કે તેઓ કોવિડ-૧૯ રોગચાળા, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની વધતી કિંમત અને જળવાયુ પરિવર્તન સહિત એકથી વધુ પડકારોની અસરનો સામનો કરી રહ્યા છે અને બીજું, વૈશ્વિક નાણાંકીય સિસ્ટમ જ એ રીતની છે કે વિકાસશીલ દેશોની ધિરાણ સુધીની પહોંચ અપૂરતી અને પ્રમાણમાં વધુ ખર્ચાળ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કહે છે કે ૩૬ દેશો એવા છે જે દેવાનું ઊંચું જોખમ ધરાવે છે. અન્ય ૧૬ દેશો ખાનગી લેણદારોને ઊંચા વ્યાજ દરો ચૂકવી રહ્યા છે અને અગાઉ કહ્યું તેમ કુલ ૫૨ દેશો દેવાની ગંભીર કટોકટીમાં છે.

યુએન ટ્રેડ ચીફ રેબેકા ગ્રિનસ્પેને ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર દેવું જે તીવ્રતા અને ઝડપથી વધ્યું છે તે ૨૦૦૦ની સ્થિતિથી પાંચ ગણાથી વધુ ઉછાળા તરફ નિર્દેશ કરે છે. આ ઉછાળો વૈશ્વિક જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ કરતાં પણ વધારે છે કેમ કે આ સમયગાળામાં જીડીપી માત્ર ત્રણ ગણી વધી છે. પ્રાદેશિક રીતે જોઈએ તો ૨૦૧૦ અને ૨૦૨૨ની વચ્ચે, એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં સરકારી દેવાની માત્રામાં લગભગ ચાર ગણો, આફ્રિકામાં ત્રણ ગણો, યુરોપ અને મધ્ય એશિયામાં અઢી ગણો અને લેટિન અમેરિકા તેમજ કેરેબિયનમાં ૧.૬ ગણો વધારો થયો છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top