કેટલીક વ્યક્તિઓને તડ ને ફડ બોલવાની ટેવ હોય છે. તડ ને ફડ એટલે ખુલાસો થાય તેવું. એમાં કોઈ પણ સંકોચ વિના બોલાય છે. જેમનું તેમ મોઢામોઢ બોલતું હોય. બધી વાત રૂબરૂ અને લાજ કે શરમ રાખવા વગર કહેવાતી હોય, ક્યારેક ભડાકો થાય, સ્નેહમાં ઓચિંતો ભંગ પડે એમ બને. ઘણાં કહેતા ફરે, ‘આપણે તો તડ ને ફડ વાત કરવાની ટેવ, પછી જે પરિણામ આવે તે. જવાબ તો જડબાતોડ જ આપવાનો.’ આપણી વાત સામે વાળી વ્યક્તિ કે સમૂહને રજૂ કરીએ અને તે સ્વીકારે તે પણ જરૂરી છે.
જો કે વગર વિચાર્યે બોલનારા લોકો, તડ ને ફડ બોલે ત્યારે વાંધો પડી જતો હોય છે. જાહેરમાં પોતાની હોશિયારીનું પ્રદર્શન કરે છે. એમ કરવામાં ક્યારેક ભારે પડી શકે છે. કહેવાતા સમાજ સેવકોને તડ ને ફડ કરવાની કુટેવ હોય, સુધરે એ બીજા! અરે! ભલા માણસ, સમાજની વ્યકિતઓ શિક્ષિત છે. સમય અને સંજોગો પ્રમાણે વાણી, વર્તન અને વ્યવહાર કરવામાં સમજદારી રાખવી જોઈએ. તડ ને ફડ કરવામાં વાતનું વતેસર થઈ શકે છે. કહેવાયું છે કે, ‘લાખો પ્રશ્નો ઊભા હોય ત્યારે મૌન રાખી તો જુઓ.’ સોશિયલ મીડિયામાં પણ કંઈ લખવા અને બોલવામાં પણ તડ ને ફડ! ચાલી જાય તો ભયોભયો નહિતર ગેરલાભ થઈ શકે છે. સંયમને હાથવગો રાખીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
