નડિયાદ: ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે તમાકુના વાવેતરમાં વધારો થાય તેવી સંભાવના છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લામાં સરેરાશ 28 હજાર હેક્ટર જેટલુ વાવેતર નોંધાયુ છે. આ વર્ષે 30 હજાર ઉપરાંત હેક્ટરમાં તમાકુની રોપણી થવાનો અંદાજ છે. અત્યાર સુધી 2022ના અંતમાં 27 હજાર ઉપરાંત હેક્ટરમાં તમાકુની વાવણી થઈ ચુકી છે. જો કે, ખાતર અને ડીઝલ જેવા મહત્વના ખેતી સબંધિત પદાર્થોના ભાવોમાં વધારો થતા ખેડૂતોને વાવણી મોંઘી પડી છે.
ચરોતરને ડાંગરની સાથોસાથ તમાકુ માટે પણ હબ ગણવામાં આવે છે. ખાસ કરીને નડિયાદ તમાકુની વાવણીમાં અગ્રેસર રહ્યુ છે. સરકારે તમાકુના વાવેતર તરફથી ખેડૂતોને વાળવા માટે ત્રણ-ચાર વર્ષ પહેલા મહત્વની ઝુંબેશો ચલાવી હતી. તેમ છતાં ખેડૂતો રોકડીયા પાક તરીકે તમાકુની વાવણી કરવાનું પસંદ કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં તમાકુના વાવેતરના આંકડા જોતા 2019-20માં 23,301 હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયુ હતુ. જ્યારે 2020-21માં 30,128 હેક્ટર જમીનમાં તમાકુની વાવણી થઈ હતી.
બંને વર્ષનો તફાવત જોતા તમામ તાલુકાઓમાં ગયા વર્ષે વાવેતર વધ્યુ છે. તો ચાલુ વર્ષે 2021-22નું વાવેતર જોતા 2022ના ડિસેમ્બર અંત સુધી 27,774 હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યુ છે અને હજુ વાવેતર વધવાની શક્યતાઓ છે. નડિયાદ ઉપરાંત મહેમદાવાદ, મહુધામાં પણ વાવેતર મોટા પ્રમાણમાં થતુ હોવાનું ખેતીવાડી વિભાગના ચોપડે નોંધાયેલુ છે. નડિયાદમાં આ વર્ષે સૌથી વધુ 6300 હેક્ટર અને સૌથી ઓછુ ખેડામાં 370 હેક્ટરમાં તમાકુ વવાઈ છે.
મજુરી, ખાતર અને ડિઝલના ભાવો વધ્યાં
ગયા વર્ષે તમાકુનો પાક કર્યો હતો. પરંતુ જે મુજબના ભાવોની અપેક્ષા હતી તે મુજબ ભાવ પડ્યા ન હતા. રોકડાનો ભાવ 1500થી 2000 હતો અને કન્ડીશન સાથેનો ભાવ 2500-3000નો હતો. જેના કારણે જે ખર્ચ કર્યો હતો, તે સરભર થઈ ગયો હતો. આ વર્ષે હજુ તો હોળી પછી ભાવો પડશે. મજૂરી મોંઘી થઈ છે, ખાતર અને ડીઝલના ભાવો વધ્યાં છે, એટલે ભાવો વધુ મળે તે જરૂરી છે. બાકી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં.- અલ્પેશ પટેલ, ખેડૂત