શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર કેટલે અંશે યોગ્ય? – Gujaratmitra Daily Newspaper

Charchapatra

શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર કેટલે અંશે યોગ્ય?

તાજેતરમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની બોટની વિભાગમાં ઉત્તરવહી મામલે વિવાદ સર્જાયો છે. 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઇ એ બાબતે યુનિવર્સિટીના સત્તાધીશો અજાણ છે ! આશ્ચર્યજનક વાત છે ! જવાબદાર પટાવાળાની ધરપકડ કે પૂછપરછ થશે. અન્ય એક કિસ્સામાં ઇન્ટરનલ ગુણાંકમાં ગોબાચારી આચરતા એક ઇન્ચાર્જ પ્રિન્સીપાલની ઘટના સુરત ખાતે જાણવા મળી છે ! જે વિદ્યાર્થી ઇ.આચાર્ય સાથે મતભેદ ધરાવતા હોય તેમના તરફ ગ્રજ રાખી સત્તાનો દુરુપયોગ કર્યો. અગાઉ આ વ્યકિત સામે ફરિયાદ હોવા છતાં મામલો રફેદફે લાગવગને કારણે થઇ શકતો! જો શિક્ષણક્ષેત્રે આ પ્રકારના કૌભાંડો અને ગોબાચારી આચરવામાં આવતી હોય તો તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું ? ઘણીવાર પેપર ફૂટી જવાની ઘટના પણ અખબારી આલમ દ્વારા જાણવા મળે છે. શિક્ષણ શબ્દ જ કેટલો પવિત્ર છે !

આ ક્ષેત્રમાં ગેરરીતી આચરવામાં આવે તો કેવા ડોકટર્સ, વકીલ, એન્જીનીયર કે અન્ય ડીગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ સ્વયંના વ્યવસાય ક્ષેત્રે કુશળતા બતાવી શકે ? અને ગુરૂ શિષ્ય પ્રત્યે સદા તટસ્થ ભાવ રાખે! વિચારો સાથે સહમત ન હોય એટલે પૂર્વગ્રહ રાખવાનું કેટલે અંશે યોગ્ય ગણાય ? નાંણા થકી જો ડીગ્રી પ્રાપ્ત થતી હોય તો એ શિક્ષણનું ભવિષ્ય ધૂંધળુ જ હોવાનું ! શિક્ષણની કોઇ પણ વિદ્યાશાખા હોય પરિશ્રમ વિના એમાંથી ઉર્ત્તીણ થવાનું સંપૂર્ણપણે અયોગ્ય લેખાય ! જે વિદ્યાર્થી સ્વયં તેજસ્વી છે, પરીક્ષા માટે અથાગ મહેનત કરે છે, પણ નાંણાથી પામતા પહોંચતા ન હોય તો એમનો પરિશ્રમ વ્યર્થ ગણાય ? શિક્ષણ આજે અતિખર્ચાળ પણ બની ગયું છે. પિતા જીવનભરની બચતમૂડી સંતાનોના ભવિષ્ય કાજે દાવ પર મૂકે છે. તો એ મધ્યમવર્ગીય પિતા અને વિદ્યાર્થીઓની મહેનતનું શું ? શિક્ષણ ક્ષેત્રે કૌભાંડો અને ગોબાચારી, ભ્રષ્ટાચાર બંધ થવા અતિ આવશ્યક કસૂરવારને યોગ્ય સજાની જરૂર થવી જોઇએ.
સુરત              – નેહા શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top