Columns

સંતાનના મનને કેવી રીતે જાણશો?

બાળઉછેર ઘણું મુશ્કેલ કામ છે પરંતુ તેમ છતાં એ બધાંને આનંદિત કરે છે અને દરેક જણ આ અનુભવ કરવાની ઇચ્છા રાખે છે. પરંતુ જયારે સંતાનો પોતાના ગ્રોઇંગ પીરિયડ (10 થી 16 વર્ષની ઉંમર)માં હોય છે અને લાંબો સમય ઘરની બહાર સ્કૂલ, ટયુશન અને ફ્રેન્ડઝ સાથે વિતાવે છે ત્યારે મુશ્કેલી વધી જાય છે. આ સમય દરમ્યાન માતાપિતા ઘણા દુવિધામાં હોય છે. તેઓ સંતાનોને ફ્રેન્ડઝ સાથે વધારે સમય પસાર કરવાની ના પણ નથી પાડી શકતા અને તેમને બધી વાતો શેર કરવાનો ફોર્સ પણ નથી કરી શકતા.

એક પેરન્ટસ તરીકે બધા જ ઇચ્છે છે કે તેમના બાળકો તેમને બધું જણાવે. નાનામાં નાની વાતો શેર કરે જેથી તેમને પોતાનું બાળક કોની સાથે હરેફરે છે, એ શું ઇચ્છે છે, અન્યો માટે શું વિચારે છે એ ખબર પડે. પરંતુ બાળકો સ્કૂલ અને મિત્રો વિશેની વાતો માતાપિતાને કરવા માંગતા નથી. મમ્મીપપ્પા પૂછે કે સ્કૂલમાં દિવસ કેવો રહ્યો તો તેઓ હંમેશની જેમ બોરિંગ કહી વાત ટાળી દે છે. કેટલાંક સંતાનો જ પોતાની ભાવનાઓ માતાપિતા સાથે શેર કરે છે. બાળકોને દોસ્ત નહીં માનવાને કારણે માતાપિતા અને બાળકો વચ્ચે દીવાલ ઊભી થઇ જાય છે. દા.ત. જયારે પણ કોઇ તમને તમારા બાળકની ફરિયાદ કરે ત્યારે તમારું પહેલું રીએકશન શું હોય છે? બેશક, તમે ખીજવાશો કે ઘાંટા પાડશો પરંતુ શું દોસ્ત આવું કરશે? ના. તમે ઇચ્છતા હો કે તમારું સંતાન મિત્ર બની તમારી સાથે બધી વાતો શેર કરે તો શું કરશો?

તમારી સ્ટોરી સંભળાવો
સૌથી પહેલાં તો એમને તમારા બાળપણની વાતો સંભળાવો. તમે પણ બાળપણમાં ધમાલમસ્તી, બદમાશી કરી હશે, કોઇની સાથે મારપીટ કરી હશે… આ બધી શરારત તમારે બાળકોને વાત વાતમાં જણાવવી જોઇએ. જયારે તમારી વાતો સાથે બાળકો પોતાને રીલેટ કરવા માંડશે તો તેઓ પણ તેઓના કિસ્સા તમને જણાવવા માંડશે. પરંતુ ધ્યાન રાખો કે તેમની વાત સાંભળતા ઓવર રીએકટ ન કરો. તમને લાગે કે એ કંઇક ખોટું કરે છે તો એ જ સમયે ટોકવાને બદલે થોડો સમય બાદ સમજાવવાની કોશિશ કરો. બાળકો સ્કૂલની વાતો શેર કરે એ માટે આ સવાલોથી શરૂઆત કરો.

એવો કોઇ દિવસ નહોતો કે અમે માર ન ખાધો હોય. તમારી સાથે પણ શું સ્કૂલમાં આવું કંઇ થાય છે?
બાળકોની સ્કૂલ લાઇફ વિશે જાણવા માટે એમને તમારા એકસપીરીઅન્સ જણાવો. જયારે તે તમારી વાતો એન્જોય કરવા માંડશે તો એ પણ સ્કૂલમાં ટીચર તેને અને એના મિત્રોને કેવી પનિશમેન્ટ આપે છે, ખીજવાય છે તે કહેવા માંડશે.

અમે સ્કૂલ બંક કરતા હતા શું તમે પણ કરો છો?
એવો કોઇ વિદ્યાર્થી ન હોય જેણે સ્કૂલ બંક કરી ન હોય. જો તમારું બાળક આદર્શ બાળક હોવાનો દેખાવ કરતું હોય તો એની સાથે તમારા સ્કૂલ બંક કરવાના અનુભવ શેર કરો. એમાં કેવી મજા આવે, તમે શું કરતા હતા એવા બે-ત્રણ કિસ્સા કહેશો તો એ પણ એની વાતો જણાવવા માંડશે. બાળકો મેચ્યોર હોય છે પરંતુ ઉત્સાહિત પણ બહુ જલદી થઇ જાય છે અને કોઇની વાતથી ઇન્સ્પાયર થઇને પણ કિસ્સા સંભળાવવા માંડે છે. બાળપણની લાઇફનો એક જ મંત્ર હોય છે ‘હમ કિસી સે કમ નહીં.’

અમારું એક ગ્રુપ હતું જેનાથી આખી સ્કૂલ ડરતી હતી. શું તારી સ્કૂલમાં પણ કોઇ એવું ગ્રુપ છે?
આ સવાલ સાંભળીને તમારું બાળક પહેલાં તો ચોંકી જશે. એક વાર સવાલ પૂછયા બાદ તમે એને બીજી વાર પૂછશો નહીં અને હંમેશા તમારા ગ્રુપના કિસ્સા જણાવતા રહેશો તો થોડા સમય બાદ બાળક પણ સ્કૂલ ગ્રુપની શેતાની વિશે જણાવવા માંડશે.

અમે લોકો તો આ રમતો રમતા હતા તમે આજકાલ શું રમો છો?
બાળકોની મનપસંદ રમત પરથી પણ બાળકના વ્યકિતત્વ વિશે ઘણું બધું જાણી શકાય છે એટલે તમારું બાળક શું રમે છે એ જાણવાની કોશિશ કરો. ખાસ કરીને બાળક ઓનલાઇન વધારે રહેતું હોય તો તેની પસંદની ગેમ વિશે ચોક્કસ જાણો. તમે એ ગેમ રમવા માંગો છો એ રીતે સવાલ પૂછો કારણ કે બાળકોને મોટાઓને શીખવવાનું બહુ ગમે છે તો તમારું સંતાન પણ એ તક ગુમાવશે નહીં અને તમને નવી નવી ગેમ શીખવશે.

મને તો સ્કૂલમાં ઘણાં લોકો પસંદ કરતા હતા તને કરે છે કે નહીં?
જો તમને લાગતું હોય કે તમારા સંતાનની લવ લાઇફ શરૂ થઇ ગઇ છે એ કોઇના તરફ આકર્ષાયું છે તો એની સાથે ડાયરેકટ આ વિશે વાત ન કરો. આ વાતને શરૂઆતમાં નજરઅંદાજ કરો. જો વાત ગંભીર થતી લાગે તો તમારી સ્કૂલ લાઇફના હળવા કિસ્સા સંભળાવો. એ પણ થોડા સમય બાદ એના કોઇ કિસ્સા હશે તો કહેવા માંડશે કારણ કે લવ પીરિયડ એવો સમય છે જયારે વ્યકિત એના પ્રિય પાત્ર વિશે જ વાત કરવા ઇચ્છે છે, એની સાથે રહેવા માંગે છે. તો આ એકસપિરિયન્સ શેર કરાવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર પડશે નહીં. આ તો થોડા સામાન્ય સવાલ છે જેના દ્વારા તમે તમારા સંતાનના મિત્ર બની શકશો. તમારે બસ માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે એ વાત કરતો હોય ત્યારે તમે એગ્રેસિવ ન બનો અને એને કંઇક ખોટું ન કહી દો.

Most Popular

To Top