Charchapatra

સૂર શીખવવા માટે

એક પ્રખ્યાત વાયોલિનવાદક ત્રણ વર્ષ લાંબા અંતરાળ બાદ પોતાના ઘરે આવ્યા ત્યારે તેનો પુત્ર ત્રણ વર્ષમાં દસ વર્ષના બાળકમાંથી તેર વર્ષનો કિશોર બની ગયો હતો.ઘણો બદલાવ આવી ગયો હતો તેનામાં. વાયોલિનવાદક પિતા પોતાના પુત્રને તેને વાયોલીન શીખવવા ઇચ્છતા હતા. તેમના મનમાં ઘણી અપેક્ષાઓ અને સપનાં હતાં પોતાના એકના એક દીકરા માટે પણ તેઓ કોઈ જબરદસ્તી કે જોર જુલમથી પોતાના દીકરાને સંગીતના રસ્તે વાળવા માંગતા ન હતા.સૌ પ્રથમ તેઓ પોતાના પુત્રનું મન અને ઈચ્છા તથા શોખ જાણવા ઇચ્છતા હતા.

વયોલિનવાદક નિયમ મુજબ બીજે દિવસે વહેલી પરોઢે ચાર વાગે રીયાઝ કરવા લાગ્યા અને બે કલાક  રીયાઝ કર્યા બાદ તેઓ ચાલવા ગયા અને જયારે પાછા આવ્યા ત્યારે દીકરાએ પૂછ્યું, ‘પિતાજી, વાયોલીન ક્યારે વગાડશો.વગાડો ને મારે સાંભળવું છે.’ વાયોલિનવાદકે કહ્યું, ‘કેમ વહેલી પરોઢે તો વગાડ્યું હતું. શું ત્યારે તું સૂતો હતો?’ દીકરાએ કહ્યું, ‘ના પિતાજી સૂતો ન હતો, હું તો જાગતો હતો.’ ‘તો પછી વાયોલીન તેં કેમ ન સાંભળ્યું?’ પિતાજીએ પૂછ્યું.દીકરો કંઈ ન બોલ્યો.પણ ત્યાં તેની માતા આવી અને બોલી, ‘આપણા દીકરાની વહેલી સવાર કાન ફાડી નાખે તેવા જાઝ સંગીતની રેકોર્ડના ઘોંઘાટ સાથે થાય છે.તે ઘોંઘાટભર્યા સંગીત વચ્ચે વાયોલીનના મધુર સીર ક્યાંથી સંભળાય? કેમ બેટા કહે, તારા પિતાને કે મને જાઝ સંગીત બહુ ગમે છે.’

દીકરો કંઈ બોલી ન શક્યો. તે ડરી ગયો હતો કે વાયોલિનવાદક પિતા જાઝ સંગીતનું નામ પડતાં જ ગુસ્સે થઈ જશે.પરંતુ પિતા ગુસ્સે ન થયા. બોલ્યા, ‘સંગીત સંગીત છે ..પછી વાયોલીનના સૂર હોય કે જાઝના બીટ્સ …જેને જે ગમે તે સાંભળે અને જે ગમે તે શીખે.’ દીકરાને પિતાની વાત ગમી.તે પિતા સાથે જાઝ અને વાયોલીન બન્નેની વાતો કરવા લાગ્યો.પિતા તેની સાથે બધી વાતો કરતાં એક મિત્ર બની ગયા અને તેઓ દીકરા સાથે જાઝ સાંભળતા અને વાયોલીન પણ સંભળાવતા. એક દિવસ પુત્રે સામેથી કહ્યું, ‘પિતાજી, મને જાઝ ગમે છે પણ મારે તમારી પાસેથી વાયોલીન શીખવું છે.’ પિતાજી ખુશ થયા અને પોતાના પુત્રને વાયોલીન શીખવવા લાગ્યા. પિતાએ ધીરજ રાખી પુત્ર સાથે મિત્રતા કરી, તેના મનને જાણ્યું અને કોઈ જોર જબરદસ્તી કર્યા વિના તેને સંગીતના સૂર શીખવવા માટે પહેલાં તેની સાથે સંવાદ સાધ્યો અને પછી સંગીત શીખવાના પંથે આપોઆપ વાળ્યો અને થોડાં વર્ષોમાં દીકરો સારો વાયોલિનવાદક બની ગયો.      
 – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top