Columns

ચૂંટણીમાં લાભ ખાટવા માટે વ્યાજના દરોનો ઘટાડો મોકૂફ રાખવામાં આવ્યો

સરકાર પણ આપણને એપ્રિલ ફૂલ બનાવી શકે છે. બુધવારે રાતે કેન્દ્ર સરકારે નાની બચતોના વ્યાજમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરીને મધ્યમ વર્ગને ઝાટકો આપ્યો હતો. મંગળવારે સવારે ૭.૫૪ કલાકે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ટ્વિટ કરીને જાહેરાત કરી કે વ્યાજના દરોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. તેમના કહેવા મુજબ વ્યાજમાં ઘટાડો કરવાનો આદેશ સરતચૂકથી બહાર પાડવામાં આવ્યો હતો.

સરકારનો આદેશ કરોડો રોકાણકારો માટે એપ્રિલ ફૂલ જેવો પુરવાર થયો હતો. વિપક્ષોને સરકારની ઠેકડી ઉડાડવાની તક મળી ગઈ હતી. કોંગ્રેસના પ્રવક્તા રણજિત સુર્જેવાલાએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને સવાલ કર્યો હતો કે ‘‘તમે સરકાર ચલાવો છો કે સરકાર?’’ આટલો મોટો આદેશ સરતચૂકથી કેવી રીતે બહાર પડી ગયો?

પ્રિયંકા ગાંધીએ કટાક્ષમાં પૂછ્યું હતું કે ‘‘આદેશ સરતચૂકથી બહાર પડી ગયો કે પાછળથી અક્કલ આવી?’’ હકીકતમાં પશ્ચિમ બંગાળ અને આસામ જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં હજુ મતદાન બાકી છે, તેવો ખ્યાલ આવતાં નિર્મલા સીતારામનને ઘટાડો પાછો ખેંચવાની ફરજ પડી છે.

ભારતનાં ગરીબ અને મધ્યમ વર્ગનાં કરોડો નાગરિકો માટે ચૂંટણીઓ રાહતનો સંદેશો લઈને આવતી હોય છે. જે રાજ્યોમાં ચૂંટણી હોય છે ત્યાં સરકાર કોઈ પણ જાતના નવા કરવેરા નાખતાં સો વખત વિચાર કરે છે. જે રાજ્યોમાં ચૂંટણી હોય છે ત્યાં કોરોનાના કેસો પણ ઘટી જાય છે અને લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ પણ કરવામાં આવતો નથી. તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ ગઈ ત્યારે કોરોનાના કેસો એકદમ ઘટી ગયા હતા.

ચૂંટણીઓ પૂરી થતાં જ કેસો વધવા લાગ્યા હતા. આજકાલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પ્રચાર જોરમાં ચાલી રહ્યો છે ત્યારે આખા ભારતમાં કોરોનાના સૌથી ઓછા કેસો જોવા મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની રેલીમાં લાખો લોકો આવે છે, પણ તેમાંના કોઈને કોરોના થતો નથી.

ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો પોતાની બચતનું રોકાણ શેર બજારમાં નથી કરતાં પણ બેન્કમાં કે પોસ્ટ ઓફિસમાં કરે છે, કારણ કે તેમાં બચત પર ફિક્સ વ્યાજ મળતું હોય છે. ઇ.સ. ૨૦૧૯-૨૦ ના આંકડાઓ મુજબ ભારતનાં નાગરિકોની ૮૪ ટકા બચત બેન્કમાં, પોસ્ટ ઓફિસમાં, પ્રોવિડન્ટ ફંડમાં કે નેશનલ સેવિંગ સ્કિમોમાં રોકાયેલી છે.

તેની સરખામણીએ માત્ર ૩.૩૯ ટકા બચત જ શેર બજારમાં રોકવામાં આવે છે. દેશનાં કરોડો નિવૃત્ત નાગરિકોનું ગુજરાન બેન્કમાં કે પોસ્ટ ઓફિસમાં મૂકવામાં આવેલા રૂપિયાના વ્યાજ પર જ ચાલતું હોય છે. છેલ્લાં ૨૦ વર્ષથી મોંઘવારી સતત વધી રહી છે અને વ્યાજના દરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

હજુ પાંચ જ વર્ષ પહેલાં પોસ્ટ ઓફિસમાં માસિક બચત યોજનામાં વાર્ષિક નવ ટકાનું વ્યાજ મળતું હતું, જે હવે ઘટીને ૬.૫ ટકા પર આવી ગયું છે. નાની બચતના અને બેન્ક ડિપોઝિટના વ્યાજ દરમાં ઘટાડો થાય તો ઉદ્યોગપતિઓને જલસા થઈ જાય છે, કારણ કે તેમને લોન સસ્તામાં મળી જાય છે. વળી ઘર કે વાહન માટે લોન લેનારને ફાયદો થાય છે, પણ વ્યાજ પર જ નભતાં કરોડો લોકોને નુકસાન જાય છે.

નાણાં પ્રધાને ૩૧ મી માર્ચના રોજ નાની બચતોના વ્યાજમાં ઘટાડો જાહેર કર્યો અને ૧ એપ્રિલે પાછો ખેંચી લીધો તેનું મુખ્ય કારણ પશ્ચિમ બંગાળની ચૂંટણી છે. પશ્ચિમ બંગાળમાં હજુ ૬ તબક્કાનું મતદાન બાકી છે.

ભારતનાં રાજ્યોમાં નાની બચતોમાં જેટલા રૂપિયા રોકવામાં આવે છે તેમાં સૌથી વધુ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા પશ્ચિમ બંગાળમાંથી રોકવામાં આવે છે. જો નાની બચતોના વ્યાજના દરો વધારવામાં આવ્યા હોત તો પશ્ચિમ બંગાળના મતદારો નારાજ થઈ જાત અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરત તેવા ડરથી દરોમાં ઘટાડો મોકૂફ રાખવામાં આવ્યો છે.

નેશનલ સેવિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ભારતનાં દસ રાજ્યોનાં નાગરિકો નાની બચતોમાં ૭૨ ટકા જેટલું રોકાણ કરે છે. તેમાં ટોચનાં પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુ પણ છે. તામિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. તામિલનાડુમાં સત્તાધારી પક્ષ અન્ના ડીએમકે સાથે ભાજપનું જોડાણ છે.

ત્યાં ડીએમકે દ્વારા મોટો પડકાર ઊભો કરવામાં આવ્યો છે. આ સંયોગોમાં વ્યાજમાં ઘટાડો જો પાછો ન ખેંચવામાં આવ્યો હોત તો શાસક પક્ષને નુકસાન થયા વિના રહેત નહીં. જો કે વ્યાજના દરોમાં ઘટાડો કામચલાઉ જ મોકૂફ રાખવામાં આવ્યો છે. મતદાન પૂરું થશે કે આગામી ત્રણ મહિનામાં વ્યાજના દરોમાં ઘટાડો જાહેર કરીને પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવશે.

આપણા દેશમાં નાની બચતોના અને બેન્ક ડિપોઝિટના વ્યાજના દરો સતત ઘટી રહ્યા છે. આજથી ૨૫ વર્ષ પહેલાં ફિક્સ્ડ ડિપોઝિટ પર ૧૬ ટકા વ્યાજ મળતું હતું તે ઘટીને ૬ ટકા પર આવી ગયું છે.

૨૦૨૦ ના પ્રારંભે વ્યાજના જે દરો હતા તેમાં ૧૧૩ પોઇન્ટનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં સરેરાશ વ્યાજ દરો ઘટીને ૫.૩૯ ટકા પર પહોંચી ગયા હતા. જ્યારે વ્યાજના દરોમાં ઘટાડો થાય છે ત્યારે લોન ઉપરના વ્યાજના દરોમાં પણ ઘટાડો થાય છે. તેને કારણે લોકો વધુ લોન લે છે. તેને કારણે અર્થતંત્રમાં વધુ મૂડી આવે છે, ખરીદી વધે છે, ઉત્પાદન વધે છે અને રોજગારી પણ વધે છે.

જો કે નાની બચતના વ્યાજ દરો ઘટવાને કારણે મધ્યમ વર્ગની ખરીદશક્તિ ઘટે છે. બધા નિષ્ણાતો વ્યાજના દરોમાં ઘટાડાના ફાયદાઓ સમજાવે છે, પણ તેના ગેરફાયદા કોઈ સમજાવતું નથી. વ્યાજના દરોમાં ઘટાડાનો લાભ મુખ્યત્વે ઉદ્યોગપતિઓને થાય છે. તેમનો સરકાર પર વધુ પ્રભાવ છે. તેનો ગેરલાભ નિવૃત્ત નાગરિકોને થાય છે, જેમનો સરકાર પર કોઈ પ્રભાવ નથી.

વ્યાજના દરોમાં ઘટાડાનો લાભ ઉદ્યોગપતિઓ ઉપરાંત કેન્દ્ર સરકારને પણ થાય છે, કારણ કે સરકાર પોતાની નાણાંકીય ખાધ સરભર કરવા માર્કેટમાંથી રૂપિયા ઉધાર લેતી હોય છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કેન્દ્ર સરકારે બોન્ડ બહાર પાડીને માર્કેટમાંથી ૧૨,૮૦૦ અબજ રૂપિયા ઉપાડ્યા હતા.

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન પણ તેણે લગભગ તેટલા રૂપિયાની ઉધારી કરવી પડશે. જો સરકાર વ્યાજના દરો ઘટાડે તો તેને પણ ફાયદો થાય છે, કારણ કે તેણે વ્યાજ ઓછું ભરવું પડે છે.  વર્તમાનમાં સરકારની જેટલી કરની આવક છે તેનો ત્રીજો ભાગ તો વ્યાજની ચૂકવણી પાછળ જ ખર્ચાઈ જાય છે. આ કારણે સરકાર હંમેશા વ્યાજ ઘટાડવાની વેતરણમાં હોય છે.

ગરીબ અને મધ્યમ વર્ગની બચત પર વ્યાજના દરો ઘટાડવામાં આવે તે પણ એક પ્રકારનો કરવેરો છે, જેનો ખ્યાલ જનતાને આવતો નથી. આજની તારીખમાં ફુગાવાનો દર લગભગ ૬ ટકા પર પહોંચી ગયો છે અને નાની બચત પર વ્યાજનો દર પણ ૬ ટકા જેટલો છે. જો ફુગાવાને લક્ષમાં લેવામાં આવે તો હકીકતમાં નાની બચતો પર વ્યાજનો દર શૂન્ય જેટલો છે. બેન્કમાં આપણે જે ૧૦૦ રૂપિયા મૂક્યા હોય છે તેના એક વર્ષમાં વ્યાજ સાથે ૧૦૬ રૂપિયા મળે છે, પણ ત્યાં સુધીમાં ૧૦૬ રૂપિયાની ખરીદશક્તિ ૧૦૦ રૂપિયા થઈ ગઈ હોય છે.

જો હવે સરકાર વ્યાજમાં વધુ ઘટાડો કરશે તો બેન્કમાં મૂકેલા રૂપિયાનું નેગેટિવ વ્યાજ મળે છે, તેવું કહેવું પડશે. સરકારને નાના રોકાણકારોની પડી જ નથી. સરકાર ચાહે છે કે લોકો નાની બચતો કરવાનું બંધ કરે અને પૈસા ખર્ચવાનું ચાલુ કરે.        

  • લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top