એક ધોબી હતો. ગલીના નાકા પર તેની દુકાન હતી અને આસપાસનાં બધાં મકાનોમાંથી મોટા ભાગનાં તેનાં ગ્રાહક હતાં. ધોબી ગરીબ હતો. દુકાનમાં જ સૂઈ જતો. પોતાની રસોઈ જાતે બનાવતો. દુકાને આવનાર લોકો સાથે વાતો કરતાં કરતાં તે પોતાનું કામ કર્યા કરતો અને ક્યારેય થાકતો નહિ. એક દિવસ ધોબીને ખબર પડી કે બાજુના મકાનમાં એક ફ્લેટ વેચવાનો છે અને વાતવાતમાં જ આ વાત તેણે એક ગ્રાહકને કહી અને બનવાકાળ તે ગ્રાહકને આ જ મકાનમાં ફ્લેટ લેવો હતો. વાતવાતમાં સાવ અચાનક સોદો પાર પડી ગયો અને ધોબીને ફ્લેટ વેચવાની દલાલી પેટે ૫૦,૦૦૦ રૂપિયા મળ્યા. ધોબી ગરીબ માણસ હતો. આટલા બધા પૈસા તેણે એક સાથે ક્યારેય જોયા ન હતા. તે ખૂબ જ ખુશ થયો અને સાવ આવી અણધારી આવક માટે ભગવાનનો આભાર માનવા લાગ્યો. તે બીજે દિવસે બજારમાં ગયો. પીપર, ચોકલેટ, બિસ્કીટ લીધાં. પેન પેન્સીલ રબર લીધાં.

થોડાં કપડાં અને ચાદરો લીધી અને ૧૦,૦૦૦ રૂપિયા વાપરી નાંખ્યા. પછી આ બધી વસ્તુઓ લઈને તે નાનાં બાળકોના અનાથ આશ્રમમાં ગયો અને બધી વસ્તુઓ બાળકોમાં વહેંચી દીધી અને સાથે સાથે તેમને ઘણી ઘણી ખુશીઓ આપી. બદલામાં પોતે પણ ખુશી મેળવી. તે બધું આપીને પોતાની દુકાને આવ્યો અને એકદમ ખુશ હતો. બાજુની દુકાનવાળા દોસ્તે જરા ગુસ્સાથી કહ્યું, “તેં શું કામ આટલા બધા પૈસા અનાથ બાળકો પાછળ વાપરી નાંખ્યા. તું કંઈ એકદમ પૈસાદાર થોડો છે કે દાનવીર બનવા નીકળ્યો છે. તારે દુકાનમાં રિપેરિંગની જરૂર છે. તું બીજી બે નવી ઈસ્ત્રી અને ટેબલ લઇ બે જણને કામ પર રાખી કામ વધારી દે. તારાં કપડાં તો જો જરા બે જોડી કપડાં નવાં લઇ લે.”
આનંદિત ધોબી બોલ્યો, “ભાઈ દોસ્ત મારા, જરા શાંત થા. મને ખબર છે કે હું પૈસાદાર નથી અને તને મારી ચિંતા છે એટલે તું ગુસ્સે થાય છે. પણ ભાઈ, જો મને આ પૈસા અણધાર્યા મળ્યા હતા અને મને ખૂબ ખુશી મળી અને મારી ઈચ્છા હતી કે હું બીજાને ખુશી આપું તેથી મેં અનાથ આશ્રમમાં બધી વસ્તુઓ વહેંચી અને ત્યારે અનાથ બાળકોની આંખોમાં જે ખુશી ચમકતી હતી તેનો પ્રકાશ મારા હૈયામાં પણ પથરાયો.ખુશી વહેંચવા માટે પૈસાદાર હોવું જરૂરી નથી. આપણી પાસે જે હોય તેમાંથી આપો અને આપીને આપવાનો આનંદ મેળવો. જો, આજે હું રોજ કરતાં ઘણો વધારે ખુશ છું.”
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.