બીલીમોરામાં રહેતી બી.એ. ગ્રેજ્યુએટ પરપ્રાંતિય પરિણીતાએ પિતૃઓના મોક્ષ માટે પોતાના બે માસુમ પુત્રોના ગળા દબાવીને મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર મચી ગયો છે. એક તરફ શુક્રવાર ૧૪મી નવેમ્બરે વિશ્વભરમાં બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ રહી હતી તો બીજી તરફ આ જ દિવસે એક જનેતાએ તેના બે માસુમ બાળકોના ગળા દબાવીને મારી નાંખતા હાહાકાર મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ બીલીમોરા પાસેના દેવસરના મહારાજા હાર્મોનિયમના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૧માં ઇન્દ્રપાલ ત્રિવેણીપ્રસાદ (૬૦), તેમની પત્ની સુરસી, પુત્ર શિવાકાંત, પુત્રવધુ સુનીતા અને પૌત્ર હર્ષ (૭) તેમજ વેદ (૪) સાથે રહે છે. હર્ષ શિવાકાન્ત શર્મા (૭) બીલીમોરાની જવેર જીવન મહેતા હાઈસ્કૂલના ધોરણ 2માં, જ્યારે વેદ શિવાકાન્ત શર્મા (૪) બાળ મંદિરમાં ભણતો હતો. ઇન્દ્રપાલના પુત્ર શિવાકાંતની તબિયત બગડતા તેને સારવાર માટે ત્રણેક દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગઈકાલે ઇન્દ્રપાલ તેની પત્ની સુરસી સાથે હોસ્પિટલમાં દાખલ પુત્રને રાત્રે ૮ વાગ્યે ટિફિન આપવા ગયા હતા, જ્યાં પત્ની સુરસી પુત્ર પાસે રોકાઈ ગઈ હતી અને ઇન્દ્રપાલ ઘરે પરત ફર્યા હતા. રાત્રે ફ્લેટમાં તેમની વહુ સુનિતા અને પૌત્ર હર્ષ તેમજ વેદ સૂતા હતા.
આ સમયે અચાનક પુત્રવધુ સુનિતા સસરા ઇન્દ્રપાલની છાતી ઉપર બેસી ગઈ હતી અને મારવા લાગી હતી. તે હિન્દી ભાષામાં બોલતી હતી કે આજે બધાને મારી નાંખવા છે, તે સમયે તેના વાળ ખુલ્લા હતા, કપાળ ઉપર કંકુનો ચાંદલો હતો અને સુનીતા અલગ જ અવાજમાં બોલતા ઇન્દ્રપાલ ગભરાઈ ગયા હતા. સુનિતાએ સ્ટીલના ગ્લાસથી ઇન્દ્રપાલના કપાળ અને માથાની ડાબી બાજુ ઘા ઝીંકતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું. તેના ડાબા હાથમાં સુનિતાએ બચકું પણ ભરી લીધું હતું. જેમતેમ સુનિતાથી પીછો છોડાવી ઈન્દ્રપાલ ફ્લેટની બહાર નીકળી ગયા હતા, ત્યારે સુનીતાએ ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
ઇન્દ્રપાલે બનાવની જાણ પડોશ અને હોસ્પિટલમાં દાખલ પુત્ર તેમજ પત્નીને કરતા બધા રાત્રે દોઢ વાગ્યે હોસ્પિટલમાંથી પરત આવ્યા હતા અને બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે સ્થળ પર આવી બંધ ફ્લેટનો દરવાજો તોડી નાંખ્યો હતો. અંદર સુનીતા તેના બેડરૂમના પલંગ ઉપર બેઠી હતી, તેની બાજુમાં પુત્ર હર્ષ મૃત હાલતમાં હતો, સાથે પલંગ પર માતાજીનો ફોટો, કંકુની નાની ડબ્બી અને સાથે તૂટેલી બંગડીઓ પણ પડી હતી. બાજુના પલંગ ઉપર નાનો પુત્ર વેદ પણ મૃત હાલતમાં હતો.
તારા પતિની બલિ ચઢી ગઈ છે, બંને છોકરાની બલિ ચઢાવી તું પણ ગળું કાપી લટકી જા
સુનિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેને સપનું આવતું હતું અને સાથે ભેદી અવાજો પણ સંભળાતા હતા. તારા પતિની બલી ચડી ગઈ છે, તું પણ તારા બંને છોકરાની બલી ચડાવી પોતાનું ગળું કાપીને લટકીને મરી જા. તેને સતત આવું સંભળાતા તેણે પોતાના બંને પુત્રના ગળા દબાવીને મારી નાંખ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.
સુનિતા કહેતી હતી કે તેને બિહામણાં સ્વપ્નો આવે છે
ફરિયાદી ઇન્દ્રપાલ શર્માના જણાવ્યા મુજબ સુનીતા બે ત્રણ દિવસથી કહેતી હતી કે તેને રાત્રે બિહામણાં સ્વપ્નો આવે છે અને અવાજ સંભળાય છે. સાસુ સસરા બંનેએ સુનીતાને સમજાવીને કહ્યું હતું કે આવું કશું હોતું નથી. ઇન્દ્રપાલે વહુ સુનીતા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે સુનીતાની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીઘી છે.