National

ગોધરા ટ્રેન કાંડના કેદીને છોડાવવા સગાએ બોગસ દસ્તાવેજો રજૂ કર્યા

વડોદરા : ગોધરા સાબરમતી ટ્રેન કાંડના કેદી સલીમ ઉર્ફ સલમાન યુસુફ સલીમ જર્દાને છોડાવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર સલિમ જર્દાના સગા ઐયુબ જર્દા સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેલરે નોંધાવેલી ફરિયાદ મુજબ ઐયુબ જર્દાએ હાઇકોર્ટના હુકમના આધારે કેદી સલીમ જર્દાને પેરોલ રજા પર છોડાવવા માટે કોર્ટના હુકમ અનુસાર રજૂ કરવા પાત્ર સોલવન્સી સર્ટી વડોદરા સેન્ટ્રલ જેલમાં બોગસ રજૂ કર્યાં હતા.

રાવપુરા પોલીસ મથકમાં વડોદરા સેન્ટ્રલ જેલના જેલર એન.પી. રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વડોદરા સેન્ટ્રેલ જેલમાં ગોધરા સાબરમતી ટ્રેન કાંડનો પાકા કામના આરોપી કેદી સલીમ ઉર્ફ સલમાન યુસુફ સલીમ જર્દા આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સલીમ જર્દાએ પેરોલ રજા મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીના આધારે કોર્ટે ગત તા. 16 જૂન 2021ના રોજ ત્રણ અઠવાડીયા(3 અઠવાડિયા) માટે પોલીસ જાપ્તા વગરની પેરોલ રજા મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. હુકમ સાથે કોર્ટે કેદી સલીમ જર્દાને રૂપિયા 1 લાખ ડિપોઝીટ ભરવા અને તેટલી જ રકમના બે વ્યક્તિના સોલવન્સી સર્ટી 15 દિવસમાં જેલ ઓથોરીટી સમક્ષ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.

હાઇકોર્ટના હુકમના આધારે કેદી સલીમ જર્દાને પેરોલ ઉપર છોડાવવા તેના સગા ઐયુબ યુસુફ જર્દાએ(રહે, મેદા પ્લોટ, અબુબકરની મસ્જીદ સામે, ગોધરા) તા. 30 જૂન 2021ના રોજ સવારે જામીનદાર તરીકે કાંતિ દલપતભાઇ વસાવા અને બેલીમ ઇકબાલ સિદ્દીનું પ્રમાણ પત્ર રજૂ કર્યું હતું.  જ્યારે ઐયુબ જર્દાએ કોર્ટના હુકમ પ્રમાણે રૂપિયા 1 લાખ ડિપોઝીટ ભરવા માટે કાર્યવાહી હાથ ધરી ત્યારે જેલના અધિકારી દ્વારા આધાર કાર્ડ માંગવામાં આવ્યું હતું. આધાર કાર્ડ માંગતા તેણે જણાવ્યું કે, મેઇન ગેટ પાસે આધાર કાર્ડ મોબાઇલ ફોન સાથે જમા કરાવેલુ છે. લઇને આવું છું. તેમ જણાવી નીકળ્યા બાદ પરત કલાકો સુધી પરત ફર્યો ન હતો.

દરમિયાન કેદી સલીમ જર્દાના સગા ઐયુબ જર્દા દ્વારા જમા કરાવવામાં આવેલ સોલવન્સી સર્ટીની તપાસ કરતા બોગસ જણાઇ આવ્યા હતા. જેમાં રૂપિયા 1-1 લાખના સોલવન્સી સર્ટીના બદલે રૂપિયા 15 લાખ અને રૂપિયા 10 લાખના રજૂ કરતા જેલ પ્રશાસનને સોલવન્સી સર્ટી ઉપર શંકા પડી હતી. જેથી જેલ પ્રશાસન માટે સોલવન્સી સર્ટીની ગોધરા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં તપાસ કરાવી હતી. જેમાં સોલવન્સી સર્ટીફિકેટ બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું.

રાવપુરા પોલીસે જેલર એન.પી. રાઠોડની ફરિયાદના આધારે ગોધરા સાબરમતી ટ્રેન કાંડના પાકા કામના કેદી સલીમ ઉર્ફ સલમાન યુસુફ સલીમ જર્દાને પેરોલ રજા ઉપર છોડાવવા માટે બોગસ દસ્તાવેજો બનાવી રજૂ કરનાર તેના સગા ઐયુબ યુસુફ જર્દા સામે કેદીને ભગાડી જવાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Most Popular

To Top