‘‘દરેકનું જીવન અઘરું જ છે. આપણને એમ લાગે કે મારા જીવનમાં બીજા કરતાં વધુ તકલીફો છે અને સામેવાળાનું જીવન સહેલું છે. બરાબર એવું જ તમારું જીવન જોઇને સામેવાળાને લાગતું હોય છે.’’ મોટીવેશનલ સેમિનારમાં સ્પીકરે કહ્યું અને આ સાંભળી બધાં જ હસી પડ્યાં. સ્પીકર બોલ્યા, ‘‘અરે હું આ કોઈ મસ્તી મજાક માટે નથી બોલી રહ્યો. એકદમ સાચી વાત કહી રહ્યો છું. બધાનું જીવન અઘરું છે. બધાના જીવનમાં કોઈ ને કોઈ સમસ્યાઓ છે અને જીવનમાં આ પડકારો અને તકલીફો ક્યારે આવી જાય તેની કોઈ જ ખબર પડતી નથી.’’ સ્પીકર બોલતા હતા અને શ્રોતાજનોને થતું હતું કે મોટીવેશનલ સેમીનાર સકારાત્મકતા વધારવા માટે છે અને આ સ્પીકર કેમ નકારાત્મક વાતો કરી રહ્યા છે.
સ્પીકર બોલ્યા, ‘‘અરે તમને એમ લાગતું હશે કે હું અહીં મંચ પરથી સકારાત્મકતા કઈ રીતે કેળવવી તેને બદલે નકારાત્મકતા વિષે જ કેમ બોલી રહ્યો છું. ના, ના, હું વિષય નથી ભૂલ્યો! જુઓ મેં કહ્યું તેમ મુશ્કેલીઓ -તકલીફો બધાના જીવનમાં આવે જ છે પણ આપણે તેનો સામનો કઈ રીતે કરીએ છીએ તે મહત્ત્વનું છે. જ્યારે કોઈ બીમાર પડે ત્યારે તે માંદી વ્યક્તિ જો એમ વિચારે કે હું જ કેમ માંદી પડી.બધા તો કેવાં મજામાં છે તો તેને સજા થતાં વાર લાગશે અને માંદી વ્યક્તિ એમ વિચારે કે ભલે હું બીમાર છું પણ મારો ઈલાજ બરાબર ચાલે છે અને હું સાજી થઈ જઈશ તો તે જલ્દી સાજી થઈ જશે.
અહીં માત્ર ફરક છે વિચારોનો. બહુ મોટી બીમારીથી પીડાતી વ્યક્તિ પણ જો એમ વિચારે કે હવે મારું મૃત્યુ નજીક છે તો તે સાજી નહિ થઈ શકે પણ જો એમ વિચારે કે હું માંદી છું પણ હજી મરી નથી ગઈ. ભગવાન, તારો આભાર કે તે મોટી બીમારીમાંથી પણ ઊભી થઇ જશે.અચાનક નોકરીમાંથી પાણીચું મળી જાય અને જો કોઈ નાસીપાસ થઈને બેસી જાય તો આખો પરિવાર હેરાન થઈ જાય પણ જો કોઈ એમ વિચારે કે નોકરી ગઈ પણ બે મહિના સુધી વાંધો નહિ આવે એટલી બચત તો છે ત્યાં સુધી નવી નોકરી મળી જશે તો તેને જલ્દી નોકરી મળી જ જાય.
ધંધામાં નુકસાન જાય તો જે માથે હાથ દઈને રડવાથી કંઈ ન થાય પણ જે વધુ મહેનત ચાલુ રાખે તેને બીજો ઓર્ડર મળી જાય અને નુકસાન ભરપાઈ પણ થઈ જાય. આ જીવનમાં કોઈ ને કોઈ વળાંકે આવતી તકલીફોની વાત કરી હું કુદરતનો એક અફર નિયમ સમજાવવા માંગું છું કે કોઇ પણ નાની તકલીફ કે ભયંકર મોટી નકારાત્મક પરિસ્થિતિમાં પણ જો વ્યક્તિ હિંમત રાખી આશા જીવંત રાખી શકે તો પરિસ્થિતિ સકારાત્મક થતાં વાર નહિ લાગે. મહેનત કરતાં રહો અને લડતાં રહો તો ચોક્કસ માર્ગ નીકળશે.