Charchapatra

સંબંધને લાંબુ જીવાડવા

રાજ અને રિયાએ પ્રેમલગ્ન કર્યાં. એક જ ઓફિસમાં કામ કરતાં હતાં. પ્રેમ થયો અને લગ્ન કર્યાં.ચાર વર્ષ બધું સરસ પ્રેમમય રહ્યું પછી તેમના ધીમેધીમે ઝઘડા થવા લાગ્યા. ઘણાં કારણો હતાં. બંને જણ પ્રમોશન મેળવવા એકબીજાની સામે હોડમાં હતાં અને એટલે જ બંને બધું ભૂલીને માત્ર કામ પર જ ધ્યાન આપી રહ્યાં હતાં. રિયાને કેરિયર પર ફોકસ કરવું હતું એટલે તે ફેમીલી શરૂ કરવા માંગતી ન હતી.આમ તો બધા ઘરના કામ માટે માણસો હતાં પણ કોઈ માણસ ગેરહાજર રહે ત્યારે રિયાએ જ બધું જોવું પડતું અને એટલે કામની બાબતે ઝઘડા થતાં.

બંને જણ પૈસા ઘણાં કમાતાં હતાં અને બંને મનફાવે તેમ પૈસા વાપરતાં. કોઈ હિસાબ ન હતો એટલે તે બાબતે પણ ઝઘડા થતાં. પરિસ્થિતિ એવી હતી કે બધું હોવા છતાં તેમના જીવનમાં જાણે આનંદ ન હતો. તેમનો પ્રેમના નાતે બંધાયેલો સંબંધ તૂટવાની અણી પર હતો.બંને જણા છૂટાછેડા લેવાનું વિચારી રહ્યાં હતાં પણ કોઈ બોલવાની પહેલ કરતું ન હતું.  એક દિવસ સાંજે રાજ તેના પિતાને મળવા ગયો.પિતાએ પૂછ્યું, ‘રિયા સાથે ન આવી?’ રાજથી બોલાઈ ગયું કે, ‘તે ઓફિસમાં છે અને હવે આમ પણ તે ક્યાં સાથે હોય જ છે.’

પિતાએ પૂછ્યું, ‘કેમ આમ બોલ્યો?’ રાજે સાચો જવાબ આપ્યો, ‘પપ્પા, અમારા સંબંધમાં પ્રેમ રહ્યો જ નથી.મને નથી લાગતું આ સંબંધ બહુ લાંબો ટકે.ગમે ત્યારે તૂટી શકે છે.’ રાજના પિતા થોડી વાર કંઈ ન બોલ્યા. પછી ધીમેથી બોલ્યા, ‘રાજ, મને કહે તમે બંને છેલ્લે સાથે બહારગામ કયારે ગયાં હતાં?’ રાજ બોલ્યો, ‘છેલ્લાં ત્રણ વર્ષથી સમય જ નથી મળ્યો.’ પપ્પાએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તેં કે રિયાએ એકબીજાને છેલ્લી સરપ્રાઈઝ કયારે આપી હતી?’  રાજ બોલ્યો, ‘મેં તો ક્યારેય નથી આપી.હા,રિયાએ લગ્ન બાદ પહેલી એનિવર્સરીની સરપ્રાઈઝ આપી હતી.પણ હવે તો તેને કે મને એનિવર્સરી યાદ પણ નથી હોતી.’ રાજના અવાજમાં છુપાયેલું દુઃખ પપ્પાને ચોક્કસ સંભળાયું.પપ્પાએ આગળ કહ્યું, ‘તું કયારેય ખાસ રિયાને ઓફીસ કે ઘરના કામમાં મદદ કરે છે ખરો?’ રાજે કહ્યું, ‘ના , આમ પણ તેને અભિમાન છે કે બધું જ કરી શકે છે.’ પપ્પા બોલ્યા, ‘આ તારી ભૂલ છે.’ રાજ બોલ્યો, ‘મને હતું જ બધા મારી ભૂલ કાઢશે પણ પપ્પા તાળી બે હાથે વાગે.’

પપ્પાએ મમ્મીને એક ઈશારો કર્યો અને પછી રાજને કહ્યું, ‘જો દીકરા, હું તારી ભૂલ નથી કાઢતો પણ કોઇ પણ સંબંધને લાંબો ટકાવવા અને જીવંત રાખવા ભરપૂર પ્રેમ જોઈએ, સાથે જોઈએ સમજણ અને થોડો રોમાંચ,ખાસ કરીને એકબીજા માટે કાઢેલો સમય અને ઘણી બધી પરિપક્વતા સમજ્યો.પ્રેમ તમારી વચ્ચે છે જ.થોડી સમજણ અને પરિપક્વતા રાખો,સમય કાઢી તમારા સંબંધમાં પ્રેમભર્યો રોમાંચ ઉમેરો તો ચોક્કસ સંબંધ લાંબો ટકશે અને જીવંત રહેશે.’ રાજને ભૂલ સમજાઈ.તેણે કહ્યું, ‘પપ્પા, સાચી વાત છે તમારી. હમણાં જ રિયાને ફોન કરું છું.’ પપ્પા હસ્યા અને બોલ્યા, ‘તેની જરૂર નથી. તારી મમ્મીએ ફોન કર્યો છે. રિયા આવતી જ હશે.’ રાજ પપ્પાને ભેટી પડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top