તમે કશેક ફરતા હોવ અને ફરતા-ફરતા તમારી નજર અચાનક કોઈ ગાર્ડન પર પડે તો તે ગાર્ડનના સરસ મજાના રંગબેરંગી ફૂલોના છોડ તમારી આંખોમા ચમક લાવી દે છે આંખોને ઠંડક આપે છે અને મનને તાજગીથી ભરી દે છે. આમ તો સુરત ગાર્ડન સીટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. SMC એ 150થી પણ વધારે ગાર્ડન બનાવી સુરતને સ્વર્ગથી પણ વધારે સુંદર બનાવી દીધું છે. આપણે વાત કરી રહ્યાા છે. સુરતીઓએ પોતાના ઘરના આંગણમાં બનાવેલા સ્વર્ગથી પણ સુંદર બગીચાઓની. કેટલાય સુરતીઓમાં પોતાના ગાર્ડનને સબસે હટકે અલગ જ શેપ આપી એગ્ઝોટિક (વિદેશી) ફુલો અને એગ્ઝોટિક શાકભાજી ઉગાડવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યાો છે. કોવિડ વખતે સુરતીઓએ ટેરેસ ગાર્ડનનો કોન્સેપ્ટ અપનાવ્યો હતો અને ઘરમાં જ શાકભાજી અને હર્બલ ઔષધીય પ્લાંટ ઉગાડવાનું શરૂ કર્યું હતું. આજે 14 એપ્રિલે નેશનલ ગાર્ડનિંગ ડે છે તે નિમિતે આપણે સુરતીઓના ઘરમાં બનેલા વિવિધ પ્રકારનાં સબકે હટકે ગાર્ડનની વાત કરીએ.
L શેપમાં એડેનિયમ ફ્લાવર્સનું 100 વારની જગ્યામાં બનાવ્યું છે ગાર્ડન: હેતલ પરીખ
શહેરના ઈચ્છાનાથ-ઉમરા વિસ્તારમાં રહેતા હેતલબેન પરીખે 100 વાર જગ્યામાં એડેનિયમ ફ્લાવર્સ સાહિતના અલગ-અલગ ફૂલોનું ગાર્ડન બનાવેલું છે. તેમણે જણાવ્યું કે અમારા ઘરનું ગાર્ડન L શેપમાં છે. એડેનિયમ ફલાવરને રણનું ગુલાબ (ડેઝર્ટ રોઝ) પણ કહેવાય છે. મને એડેનિયમના ડિફરન્ટ કલરના ફ્લાવર્સ ખૂબ ગમે છે. એટલે મારા ગાર્ડનમાં એડેનિયમના 80-90 પ્લાંટ્સ છે. એડેનિયમની સિઝન ગરમીમાં હોય છે. હું કે મારા પરિવારના લોકો ક્યારેય અમારા ગાર્ડનના ફૂલોને તોડતા નથી. કારણ કે તેમાં પણ જીવ હોય છે પણ ઘર સુંદર દેખાય બગીચો આકર્ષક દેખાય માટે પિંક, બ્લેક, યેલો પિંક મિક્સ, લેવેન્ડર, પર્પલ, વ્હાઇટ કલરના એડેનિયમના પ્લાંટ્સ મારા ઘરના બગીચામાં છે. આ ઉપરાંત કલાન્ચો નામનું વીંટરનું ફ્લાવર્સ પણ છે. આ ફ્લાવર્સ ચાર મહિના તાજા રહે છે. મેં ઘરના પાર્કિંગ સાઈડમાં પણ વેજીટેબલ ગાર્ડન બનાવેલું છે. જેમાં વેગણ, ફુદીનો, લીલી ચા, પાપડી, ટોમેટો, કેપ્સિકમ, લાંબા મરચા, રેગ્યુલર મરચા, ચોળાઇની ભાજી, ઇન્સ્યુલિન કે જેમાં સુગર લેવલને કન્ટ્રોલમાં રાખવાનો ગુણ છે તે, પાલક, તુવેર, કોથમીર, લીંબુ થાય છે. અમને માર્કેટમાંથી આ સબ્જી લેવાની જરૂર નથી પડતી.
એગ્ઝોટિક ફ્લાવર્સ સહિત 2500 પ્લાંટ્સના ગાર્ડનને કારણે ઘરમાં ACની જરૂર નથી પડતી: ડો. કીંજલબેન દેસાઈ
પીપલોદમાં રહેતા ડો. કિંજલબેન દેસાઈ કહે છે કે તેમના ઘરના ગાર્ડનમાં પોટ અને ગ્રો બેગમાં પલાંટ્સનો ઉછેર થાય છે. મારા ઘરના ગાર્ડનનો શેપ L આકારનો છે. જે લોકોને ખૂબ આકર્ષિત કરે છે. મને ગાર્ડનિંગનો શોખ મારા મમ્મી તરફથી મળ્યો છે. મારા ઘરના ગાર્ડનમાં એગ્ઝોટિક ફલાવર્સના પુષ્કળ પલાંટ્સ છે. જેમાં ઓર્કીડ, એડેનિયમ, એંથ્યુરિયમ, વોટર લીલી, (ફ્લુમેરિયા) જેને ચંપો કહેવાય છે તે ફ્લાવર્સ પ્લાંટ્સ તો છે. ઉપરાંત પામ છે, 20થી 25 જાતના જાસૂદ, બે અને ત્રણ કલરમાં આવતા ગુલાબ, 350 જેટલા એડેનિયમના પ્લાંટ્સ છે. હું બાળપણથી વિવિધ પ્રકારના પલાંટ્સને જોઈ જોઈને ઉછરી છું. મારા ગાર્ડન માટે કોઈ માળી નથી. હું પોતે જ તમામ પ્લાંટ્સના ઉછેરની જવાબદારી ઉઠાવુ છું. મેં મારા ઘરના પાર્કિંગ એરિયાને પણ ગાર્ડનમાં કન્વર્ટ કર્યું છે. મારા ઘરના ગાર્ડનમાં ઘણા પ્લાંટ્સ હોવાથી કુદરતી ઠંડી હવા મળી રહે છે એટલે એ.સી. ચલાવવાની જરૂર નથી પડતી.
શેતુર, ફાલસા, ખટુમડા, કમરખ જેવા ખટમીઠા ફ્રૂટ્સ અને એર પોટેટોનું ગાર્ડન: સુભાષભાઈ સુરતી
અડાજણમાં રહેતા સુભાષભાઈ સુરતીએ ઘરના આંગણમાં એર પોટેટો, શેતુર, ફાલસા, ખટુમડાં, કમરખ જેવા ફ્રૂટ્સનું ગાર્ડન બનાવ્યું છે. તો ટેરેસ ગાર્ડનમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે, કેપ્સિકમ, ટીંડોળા, ટામેટા, વ્હાઇટ રીંગણા, બ્રોકલી, કારેલા, કાકડી, તરબૂચ, શક્કર ટેટી, કોબીજ, ફલાવર ઉગાડયા છે. તેમણે જણાવ્યું કે એર પોટેટો પ્લાંટ પહાડી વિસ્તારમાં જોવા મળે. હું તે ગિરમાંથી લાવ્યો હતો. તેના 20 વેલા મારા ગાર્ડનમાં છે. એકવાર 20 કિલો પોટેટો થયા હતા. મારા ગાર્ડનમાં બારમાસી કેરીનું ઝાડ છે. જેમાં વર્ષમાં 4થી 5 વખત કેરી આવે છે. એટલે તેને બારમાસી કેરી કહેવાય છે. લીંબુ, દાઢમ,કેળ, સીતાફળ પણ મારા ગાર્ડનમાં થાય છે.
ગલગોટાના ફૂલોનું બનાવ્યું ગાર્ડન: અનિતાબેન મિસ્ત્રી
વેસુમાં રહેતા અનિતાબેન મિસ્ત્રીનું ગાર્ડન રેકટેંગલ શેપનું છે. તેમણે જણાવ્યું કે મેં મારા ગાર્ડનમાં ભીંડાની તથા ગુવારની રોપણી કરી હતી. પણ ભીંડાનો છોડ સાવ નાનો રહ્યો તેના પર ભીંડા આવ્યા પણ તે સાવ નાના. એટલે મેં એક છોડ ઉખેડીને જોયો તો ખ્યાલ આવ્યો કે એક પ્રકારની જીવાત તેના મૂળિયા ખાઈ રહી છે. મને ડૉ. સેહુલે ગલગોટાના પ્લાન્ટસ્ લગાવવાનું કીધું. મેં તે પ્રમાણે કર્યું તો અત્યારે મારા ગાર્ડનમાં ગલગોટાના 200થી 300 પ્લાંટ્સ થઈ ગયા છે. મારા ઓળખીતા અને મિત્રો મારું આ યેલો અને સેફ્રોન કલરના ગલગોટાના ફૂલો જોવા આવે છે અને મારા ગાર્ડનને જોઇને તેઓ ખૂબ ઈમ્પ્રેસ થાય છે. મારા ગાર્ડનમાં શેતુર, ફાલસા અને ડ્રેગન ફ્રૂટ ફળ પણ થાય છે. મારા ગાર્ડનમાં થતા ફાલસાનો અમે આઈસ્ક્રીમ બનાવી મિત્રો સાથે આઈસ્ક્રીમ પાર્ટી પણ કરીએ છીએ.