Columns

જીવન જીવવા માટે

એક વાર એક મોટીવેશનલ સ્પીકર જીવનમાં આવતા પડકારો વિશે બોલી રહ્યા હતા. લાંબી સ્પીચ આપ્યા બાદ તેઓ વચ્ચે અટક્યા અને કાચના ગ્લાસમાં પાણી લઈને પીધું પછી તેમણે પોતાના હાથમાં પકડેલો કાચનો ગ્લાસ જેમાં થોડું પાણી હતું તે ઊંચો કર્યો અને પૂછ્યું, “તમને શું લાગે છે, આ ગ્લાસનું વજન કેટલું છે?” કોઈએ કહ્યું 200 ગ્રામ, કોઈએ 300 ગ્રામ. મોટીવેશનલ સ્પીકર સ્મિત કરીને બોલ્યા, ‘શું હું આ ગ્લાસ પકડવાથી થાકી જઈશ કે મારો હાથ દુખશે ?’ બધા હસ્યા. સ્પીકરે કહ્યું, ‘વાત હસવાની નથી. હું સાચે પૂછું છું શું આ ગ્લાસ પકડી રાખવાથી મારો હાથ દુખશે ખરો?’ અમુક લોકોએ કહ્યું હા, અમુકે કહ્યું ના.

ગ્લાસ પકડવાથી કંઈ હાથ થોડો દુખે?’ મોટીવેશનલ સ્પીકર બોલ્યા, ‘તમારા કોઈનો જવાબ સાચો નથી અને ખોટો પણ નથી.ગ્લાસ કંઈ એટલો વજનદાર નથી એટલે ગ્લાસ પકડવાથી હાથ ન દુખે પણ અહીં વજન મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે હું આ ગ્લાસ કેટલો સમય પકડી રાખું છું અને એથી આગળ વધીને ગ્લાસમાં શું ભર્યું છે અને કેટલું ભર્યું છે.” શ્રોતાજનોને હવે સમજાયું કે તેઓ માત્ર મજાક નથી કરી રહ્યા પરંતુ કંઇક સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ આગળ બોલ્યા, “જો હું આ અડધો પાણીથી ભરેલો ગ્લાસ 5 મિનિટ પકડી રાખું તો કંઈ ન થાય.

જો હું 1 કલાક પકડી રાખું તો હાથ દુખવા લાગશે અને જો આખો દિવસ પકડી રાખું તો કદાચ મારા હાથમાં શૂન્યતા થઈ જશે.આ ગ્લાસમાં બરફ ભરેલો હશે કે આખો ગ્લાસ ભરેલો હશે તો મારો હાથ વધુ દુખશે.ગ્લાસમાં ગરમ વસ્તુ હશે તો તો ગ્લાસ પકડવો જ અઘરો થઈ જશે અને ગ્લાસ સાવ ખાલી હશે છતાં લાંબો સમય પકડી રાખીશ તો હાથમાં દુખાવો તો થશે જ.એટલે જો મારે હાથ ન દુખે તેનું ધ્યાન રાખવું હોય તો ગ્લાસને લાંબો સમય ન પકડી રાખવો જોઈએ.

આ પ્રમાણે જ જીવનમાં નાના મોટા દુઃખ કે ટેન્શનને પણ જો વધારે સમય સુધી પકડી રાખશો તો એ તમારું મન અને શરીર બંને દુઃખાવશે.ગુસ્સો મનમાં ભરી રાખશો તો તે તમારા મનને જ બાળશે. જીવનમાં આવતા દુઃખને ભૂલીને આગળ વધી જવું … વધુ સમય સુધી કોઈ નકારાત્મકતા પકડી રાખવાથી પોતાને જ નુકસાન થાય છે.જીવનમાં દુઃખ, ગુસ્સો કે ટેન્શન તો આવતાં જ રહે છે પણ તેને પકડી રાખવું તમારી પસંદ છે અને છોડીને આગળ વધી જવું ,મનમાં ભરી ન રાખવું , દૂર રહેવું એ જીવન જીવવાની સાચી રીત છે.

Most Popular

To Top