એક મિત્રોની મહેફિલ હતી. અલકમલકની વાતો થતી હતી અને મસ્તી મજાક ચાલતાં હતાં.એક મિત્રે પ્રશ્ન મૂક્યો કે, ‘ચાલો બધા વારફરતી કહીએ કે કોને કયાં રહેવું સૌથી વધારે ગમે? તમે કોઈ પણ સ્થળ ,કોઈ પણ સપનાની જગ્યા કહી શકો છો.’ બધા મિત્રોએ વારાફરતી જવાબ આપવાના શરૂ કર્યા.કોઈક બોલ્યું, અમેરિકાના મેન્શનમાં …કોઈકે કહ્યું બિલગેટસની પડોશમાં…આ સાંભળી કોઈકે મજાકમાં કહ્યું, ‘અંબાણી ભાડા પર રાખે તો એન્ટીલિયામાં ….બધા હસવા લાગ્યા.કોઈકે કહ્યું, ‘ઊંચે આકાશને આંબતા મકાનના ટોપ ફ્લોર પર વાદળો સાથે…કોઈકે કહ્યું, ‘મોટા ગાર્ડન સાથેના બંગલામાં.’
કોઈકે કહ્યું, ‘નદી કિનારે ..’કોઈકે કહ્યું, ‘જંગલોમાં ટ્રી હાઉસ પર …’કોઈકે કહ્યું, ‘ફાઈવસ્ટાર હોટેલમાં…’કોઈક બોલ્યું, ‘હિલ સ્ટેશન પર…’ અન્ય કોઈ બોલ્યું, ‘બર્ફીલા પહાડોની વચ્ચે..’તો કોઈકે કહ્યું, ‘એકલા કોઈ ટાપુ પર.’કોઈકે કહ્યું, ‘રાજાના પેલેસમાં…’કોઈકે કહ્યું, ‘એકલા ફળ પર ઝૂલતા ટેન્ટમાં …’કોઈકે કહ્યું, ‘ગ્લાસ હાઉસમાં તારાઓ નીચે …’કોઈકે કહ્યું, ‘સી ફેસિંગ બાલ્કનીવાળા મોટા ઘરમાં…’કોઈકે કહ્યું, ‘ટેરેસ ગાર્ડનવાળા ઘરમાં…’આવા એક નહિ અનેક જવાબ મળ્યા.બધાએ પોતાના મનમાં ધરબાયેલી ઇચ્છાઓ અને સપનાઓ મજાક મજાકમાં કહ્યાં અને આનંદ મેળવ્યો. મિત્રો મસ્તી કરતાં કરતાં હજી અવનવા જવાબો આપી રહ્યા હતા ત્યાં એક કવિ હ્દય મિત્ર બોલ્યો, ‘મને તો કોઈના દિલમાં રહેવું ગમે …’આ જવાબ બધાને બહુ ગમી ગયો અને મસ્તીભરી વાતોને નવી દિશા મળી.
એક શાયર મિત્રે કહ્યું, ‘મને તો મારી પત્નીની મોટી મોટી કાજળભરી આંખોમાં રહેવું ગમે.’બીજા કોઈએ ઉમેર્યું. એક સુંદર યુવતીએ કહ્યું, ‘મને કોઈના વિચારોમાં રહેવું ગમે…’એક આધ્યાત્મિક વિચારોવાળા મિત્રે કહ્યું, ‘મને તો કોઈની પ્રાર્થનામાં રહેવું ગમે.’અન્ય કોઈએ કહ્યું, ‘મને મારા પ્રિયતમની ક્લ્પનામાં રહેવું ગમે….બીજા કોઈએ કહ્યું, ‘મને કોઈની દુઆઓમાં રહેવું ગમે….’એક ભક્તે કહ્યું, ‘મને તો મારા ભગવાનની સન્મુખ રહેવું ગમે…’અન્ય કોઈએ કહ્યું, મને કોઈની કવિતાના શબ્દો બની રહેવું ગમે.’કોઈકે કહ્યું, ‘મને ચિત્રકારની પ્રેરણામાં રહેવું ગમે.’કોઈકે કહ્યું, ‘મને કોઈની યાદોમાં રહેવું ગમે…’આવી સુંદર વાતો રજૂ થઇ. એક અલકમલકની વાતોમાં અને મજાક મસ્તીમાં સંદેશ એ હતો કે તમારા સપનાંઓની મોંઘી કે અશક્ય લાગતી જગ્યોમાં રહેવાની ખુશી કરતાં પણ વિશેષ ખુશી કોઈના વિચારોમાં …કોઈના હ્દયમાં…કોઈની પ્રાર્થનામાં…કોઈની યાદોમાં વગેરેમાં રહેવાની છે કારણ કે તે ખાસ તમારા માટે જ બનેલી સૌથી સુંદર જગ્યાઓ છે. કહો તમને કયાં રહેવું ગમશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.