Columns

ભક્તનો મહિમા વધારવા

રામાયણમાં રાવણને હરાવીને યુધ્ધ જીત્ય બાદ ભગવાન રામ અયોધ્યા પાછા ફરી રહ્યા છે તેના સમાચાર લઈને હનુમાનજી આવ્યા.આ સમાચાર સાંભળીને ૧૪ વર્ષથી ભગવાન રામ અને દેવી સીતા તથા લક્ષ્મણની પ્રતીક્ષામાં રહેલી અયોધ્યા નગરી, નગરવાસીઓ, રાજમહેલ ,માતાઓ તથા નંદીગ્રામમાં ભરતની કુટીર અને ભરત અને શત્રુઘ્ન બધાં આનંદથી નાચી ઉઠ્યા.તેમના સ્વાગતની તૈયારીઓ થવા લાગી.આખી અયોધ્યા શણગારવામાં આવી.દરેક જગ્યાએ દીપક પ્રગટાવવામાં આવ્યા.

પુષ્પ્કમાં પ્રભુ પધાર્યા, નંદીગ્રામમાં ભરતને મળ્યા.પોતાના ભક્ત હનુમાનનો પરિચય પોતાના ચોથા ભાઈ તરીકે આપ્યો.અયોધ્યાવાસીઓએ માર્ગમાં ફૂલો બિછાવ્યા, ફૂલોથી રથ શણગાર્યો પણ તેમાં ઘોડા જોડ્યા નહિ. પ્રભુ શ્રી રામ, જાનકી, લક્ષ્મણ, ભરત ,શત્રુઘ્ન, હનુમાનજી તથા વાનરરાજ સુગ્રીવ અને વાનરસેના સાથે નગરના આંગણે પધાર્યા.પ્રભુ બધાનો પ્રેમ જોઈ ખુશ થયા, નગરજનોએ વિનંતી કરી કે ‘આપ મા સીતા સાથે રથમાં બિરાજો અમે હાથે રથ ખેંચીને રાજમહેલ સુધી લઇ જશું.પ્રભુ રથમાં બિરાજ્યા.આવકારના જયઘોષ અને આનંદ સાથે બધા નગરવાસીઓ સાથે મળી રથ ખેંચી રહ્યા હતા.

પ્રભુએ અગમ્ય લીલા કરી, પોતાના પગના અંગુઠાનિ રથ પર દબાવ્યો અને રથ અટકી ગયો.બધાએ સાથે મળીને અનેક પ્રયત્નો કર્યા રથ આગળ ચાલે જ નહિ.દેવી સીતાએ આંખોથી પૂછ્યું, ‘પ્રભુ, આ કેવી લીલા છે અને શા માટે છે ?’ ભગવાને હનુમાનજી તરફ પ્રેમથી જોયું અને દેવી સીતાને કહ્યું, ‘મારા ભક્ત હનુમાનનો મહિમા વધારવા માટે…’ આ દરમ્યાન બધા અયોધ્યાવાસીઓ સાથે મળીને રથ ખેંચવાની કોશિશ કરી રહ્યા હતા પણ રથ આગળ વધી રહ્યો જ ન હતો.

બધા થાક્યા અને મૂંઝાયા ત્યારે ભગવાને હનુમાનજીને એક આંગળીનો ઈશારો કર્યો.પ્રભુને દુરથી પ્રણામ કરી હનુમાનજી આગળ આવ્યા અને માત્ર પોતાની એક તર્જની આંગળીથી રથને પકડીને આગળ ખેંચ્યો ..પ્રભુએ પોતાનો રથ પર દબેલો અંગુઠો ઉપર લઇ લીધો અને રથ આગળ ચાલ્યો…જય શ્રી રામ ના જયઘોષની સાથે વાનરસેનાએ વીર હનુમાનના નામનો જયઘોષ કર્યો.અયોધ્યાવાસીઓ વીર હનુમાનજીને જોતા રહ્યા અને મનોમન પ્રણામ કરવા લાગ્યા.

દેવી સીતાએ કહ્યું, ‘પ્રભુ આમ કેમ કર્યું ??’ ભગવાન રામે જવાબ આપ્યો, ‘દેવી તમે અને હું હનુમાનના દરેક પરાક્રમ અને શક્તિ વિષે જાણીએ છીએ પણ અયોધ્યાવાસીઓ તેમને જાણતા નથી તેથી હું હનુમાનજીને કેમ મારા ભાઈનો દરજ્જો આપું છું અને આગળ જતા સદા મારી સાથે રાખીશ. ત્યારે તેમના મનમાં કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે બધા તેમની શક્તિ અને ભક્તિને જાણી લે તે માટે મારા ભક્તનો મહિમા વધારવા આ લીલા કરવી જરૂરી હતી. ભક્તની ભક્તિ સાચી હોય તો સ્વયં પ્રભુ તેનો મહિમા વધારે છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top