Columns

મનની શાંતિ મેળવવા

એક શ્રીમંત શેઠ પાસે સુખ અને પૈસાની કોઈ કમી ન હતી પણ તેના મનમાં શાંતિ ન હતી. કોઈ લૂંટી લેશે, ઘરમાં ચોરી થશે, કોઈ દગો કરશે, વેપારમાં નુકસાન જશે, કુટુંબમાં સંપત્તિ માટે ઝઘડા થશે એવા અનેક પ્રકારના ઉચાટ અને ડર હતા.એક દિવસ શેઠના મુનિમજીએ શેઠને કહ્યું, ‘શેઠજી, નગરની બહાર નદી કિનારે એક સાધુ આવ્યા છે. તેઓ લોકોને એવી સિદ્ધિ અને આશિષ આપે છે કે જેને જે જોઈએ તે મનચાહી વસ્તુ મળી જાય છે.’ શેઠ નદી કિનારે સાધુ પાસે ગયા અને જઈને કહેવા લાગ્યા, ‘બાપજી , મારી પાસે બહુ પૈસા છે, સુખ સુવિધા છે, છતાં મનની શાંતિ નથી. મને મનની શાંતિ જોઈએ છે.’ સાધુએ કહ્યું, ‘વત્સ,તું અહીં મારી સાથે રહે અને હું જે કરું તે તું જોતો રહેજે. તેમાંથી તને મનની શાંતિનો માર્ગ મળી જશે.’

આટલું કહીને સાધુ શેઠને ભરતડકામાં બેસવાનું કહીને પોતે અંદર કુટીરમાં જતા રહ્યા. શેઠ તડકામાં શેકાતા રહ્યા, પણ ચુપચાપ બેસી રહ્યા. સાંજે સાધુએ શેઠને કંઈ જ ખાવાનું આપ્યું નહિ અને પોતે મીઠાં ફળ અને સૂકો મેવો આરોગતા રહ્યા. શેઠ સમસમીને ચૂપ રહ્યા. બીજે દિવસે સવારે શેઠ ગુસ્સામાં ત્યાંથી જવા લાગ્યા. સાધુએ પૂછ્યું, ‘શું થયું?’ શેઠે કહ્યું, ‘બાપજી હું ઘણી આશા લઈને આવ્યો હતો કે તમે મને શાંતિ અપાવશો, પણ મને તો અહીં આવીને નિરાશા  જ મળી. તમે મને કયાં કોઈ માર્ગ દેખાડ્યો? ઉલટું મને ન કુટિરમાં બોલાવ્યો, ન કંઈ ભોજન આપ્યું,’

સાધુ બોલ્યા, ‘વત્સ, મેં તને શાંતિનો માર્ગ તરત જ દેખાડ્યો હતો. તું ન સમજ્યો તો હું શું કરું? મેં તને કહ્યું હતું હું જે કરું તે જોજે. મેં તને તડકામાં બેસાડ્યો અને હું કુટિરમાં છાંયડામાં જતો રહ્યો. એનો અર્થ એ છે કે મારી કુટિરની છાયા તને કામ નહિ લાગે, તારે તારા માટે છાયા જાતે શોધવી પડશે. મેં તને ભોજન ન આપ્યું અને મેં ભોજન કર્યું. મેં ભોજન ભિક્ષા માંગી એકઠું કર્યું હતું તેની પર તારો અધિકાર ન હતો.

તેનો અર્થ છે મારી સાધનાની સિદ્ધિ તને નહિ મળે. આવી જ રીતે શાંતિ પણ તને તારી મહેનત અને પુરુષાર્થથી મળશે. હું તારા મનને શાંત નહીં કરી શકું. તારે પોતે મનની શાંતિ મેળવવા મન શાંત થાય તેવાં કામ કરવાં પડશે. પ્રભુસેવા કર. સત્સંગ કર. ભક્તિ કર. ધ્યાન કર. ભજન કર. સારું વાચન કર.કોઈ કારણસર આ સંપત્તિ નહિ રહે તો જેવા વિચાર છોડી તું જ તારી સંપત્તિનો સદુપયોગ કર. સમાજ સેવા કર.ગરીબોને મદદ કર. જે ગમે તે કર.શાંતિ મળશે.’ સાધુની વાત સાંભળી શેઠની આંખો ખૂલી ગઈ.તેઓ સાધુને નમન કરી ઘરે ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top