Columns

ગોતવા માટે

એક દિવસ સાંજે પાર્કમાં વોક બાદ મસ્તીભરી વાતોની મહેફિલ જામી હતી.જુદી જુદી વાતો થતી અને બધા મસ્તીથી પોતાનો અનુભવ કહેતા.આજના ટેકનોલોજીના જમાનામાં માણસ માટે બધું સહેલું થતું જાય છે અને જેમ જેમ સહેલું બને છે તેમ માણસને નુકસાન થાય છે એવી વાત નીકળી. એક કાકાએ કહ્યું, ‘હા જુઓ, આ મોબાઈલે આપણને બધાંને ઘણી સવલત આપી.ગમે ત્યારે, ગમે ત્યાંથી વાત કરી શકીએ.એકબીજાના સંપર્કમાં રહી શકીએ.પણ અમારા જમાનામાં અમને બધાના ફોન નંબર યાદ રહેતા. હવે કોઈને કોઈ નંબર યાદ રહેતા નથી.

પોતાના પતિ ,પત્ની કે બેસ્ટ ફ્રેન્ડ કે સંતાનો કોઈના નંબર આપણને યાદ નથી રહેતા કારણ કે મોબાઈલ એક નામ દબાવતા જ નંબર જોડી આપે છે.એટલે યાદ રાખવાની જરૂર જ નથી.’ એક ટીચર બોલ્યા, ‘આ ટેકનોલોજીને કારણે આપણે હાથમાં પેન કે પેન્સિલ પકડીને લખવાનું ભૂલી ગયા છીએ.સ્કૂલ કે કોલેજમાં લખ્યું હોય પછી હવે તો બધું કામ કમ્પ્યુટર કરે છે એટલે લખવાની જરૂર જ રહેતી નથી.થોડા વખતમાં તો કદાચ સ્કૂલમાં પણ છોકરાઓ લખશે નહિ.’

પ્રોફેસર અંકલ બોલ્યા, ‘હવે કોઈ લાઈબ્રેરીમાં જઈને વાંચતું નથી.પોતાની જાતે રીસર્ચ કરીને કંઈ શોધતું નથી.કારણ કે બધું જ એક ચાંપ દબાવતાં ગુગલ માહિતી આપી દે છે.’ બાજુના બાંકડા પર બેસી માળા કરતાં બધાની વાત સાંભળતાં એક બા બોલ્યાં, ‘હું કંઇક કહું?’ બધાએ કહ્યું, ‘હા હા.’ બા એ કહ્યું, ‘આ ટેકનોલોજી માણસે શોધી છે કે ટેકનોલોજીએ માણસ ગોત્યો છે.’ બધાએ કહ્યું, ‘બા કેવી વાત કરો છો, માણસે જ ટેકનોલોજી શોધી છે.’

બા એ કહ્યું, ‘તો પછી તમે બધા માણસે જ ગોતેલી વસ્તુનો ઉપયોગ કરો છો.તેના પર આધાર રાખો છો અને વળી પાછાં એને જ વખોડો છો.ફોન નંબર તમે યાદ નથી રાખતા. ટેકનોલોજીએ તમને થોડું કહ્યું છે કે નંબર યાદ નહિ રાખો.નંબર યાદ રાખો, મોબાઈલ બંધ થશે કે ખોવાઈ જશે તો શું કરશો? કયાં નંબર ગોતવા જશો.કમ્પ્યુટર લખવાની તમને ના પાડતું નથી.લખો.વાચન કરો, ગુગલે કયાં મનાઈ કરી છે! ટેકનોલોજી પર આધાર રાખી પાંગળાં તમે બન્યા છો, ટેકનોલોજીએ બનાવ્યાં નથી સમજયાં.’ બા ની વાતો કડક પણ સાચી હતી.બધાએ પૂછ્યું, ‘બા, તમારી વાત વિચારવા જેવી છે.બા, તમે આ બધું કયાંથી જાણ્યું, કયાંથી ગોત્યું અને કઈ રીતે સમજ્યું?’ બા એ કહ્યું, ‘જીવનના અનુભવ પરથી.જીવનમાં જાણવા જેવી, સમજવા જેવી, ગોતવા જેવી  એક જ વસ્તુ છે બાકી બધું ગુગલ પર છે જ.’

બધા એક સાથે બોલી ઊઠ્યાં, ‘બા, કઈ વસ્તુ?’
બા એ કહ્યું, ‘જીવનમાં પોતાને ગોતી લો.ગુગલ જે નહિ શોધી શકે અને તમારે જાતે જ શોધવું પડશે.જીવનમાં જે જાણવું હોય,શીખવું હોય,યાદ રાખવું હોય, સમજવું હોય, બધું જાતે જ કરવું પડશે સમજ્યા.’ બા ની આ વાત બધાએ તાળીઓથી વધાવી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top