એક સંત પોતાના શિષ્ય સાથે નાવમાં નદી પાર કરી રહ્યા હતા.શિષ્ય હજી નવો હતો.અચાનક નાવ તોફાનમાં સપડાઈ ગઈ અને હાલકડોલક થવા લાગી.નાવમાં સંત અને તેમનો શિષ્ય અને બીજા આઠ દસ જણ હતા અને બે નાવિક.બિચારા બે નાવિકો તોફાનમાં પણ ઘણા પ્રયત્નો કરી નાવને જાળવી રહ્યા હતા. નાવમાં બેઠેલાં બધાં મનમાં ડરવા લાગ્યા.બધાને ડર લાગ્યો હતો કોઈને ઓછો કોઈને વધારે.ગભરામણ અને ભયના વાતાવરણમાં નાવમાં બેઠેલાં આઠ દસ જણ અને સંતનો શિષ્ય બધા જ હવે જીવ નહિ બચી શકે તેમ વિચારીને હાંફળાંફાંફળાં થઈ ગયાં.
કોઈ બૂમો પાડવા લાગ્યા.કોઈ ચીસો પાડવા લાગ્યા.કોઈ રડવા લાગ્યા.કોઈ નાવિકોને મદદ કરવા દોડ્યા.તોફાનમાં હાલકડોલક થતી નાવમાં એક માત્ર સંત શાંતિથી બેઠા હતા, બાકી તેમનો પોતાનો શિષ્ય અને બીજા બધા આમતેમ અથડાતા કુટાતા હતા.એકમાત્ર સંતના મુખ પર કોઈ ડર દેખાતો ન હતો.બાકી બધા તોફાનના વિરલ સ્વરૂપમાં પોતાનું મોત જોઇને ડરી ગયા હતા. આવી મોટી મુસીબતમાં પણ સંતને શાંત મુદ્રામાં બેઠેલા જોઇને બધાને નવાઈ લાગી.શિષ્ય પોતાના ગુરુજી પાસે ગયો અને બોલ્યો, ‘ગુરુજી,આ તોફાનમાં જો નાવ ડૂબી જશે તો આપણે બધા મરી જઈશું.
આટલી મોટી જીવલેણ ઉપાધિ વચ્ચે પણ તમે આટલા શાંત કઈ રીતે રહી શકો છો? તમને ડર નથી લાગતો?’ સંત બોલ્યા, ‘ના’ બીજો એક પ્રવાસી બોલ્યો, ‘તોફાનમાં નાવ ડૂબી જશે તો આપણે બધા મરી જઈશું.’ સંત બોલ્યા, ‘તમે બધા પણ થોડા શાંત થઇ જાવ.તોફાન છે પણ હજી નાવ ડૂબી નથી ગઈ.આપણે તોફાનને અટકાવી શકવાના નથી અને નાવ ડૂબશે તો પણ તેને ડૂબતી રોકી શકીશું નહિ.તે આપણા હાથની વાત નથી.
અત્યારે શાંત રહો;નાવિકો નાવને બચાવવાના પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરી રહ્યા છે.પેલા બે યુવાનોની જેમ તમે પણ જઈને તેમને મદદ કરો અથવા તેમની સૂચનાઓનું પાલન કરો અથવા શાંત રહો.માત્ર બુમાબુમ અને ચીસાચીસ કરવાથી કે આમતેમ ભાગવાથી તમે બચી જવાના નથી.તમે વધારે ડરો છો અને ડરાવો છો.તેના કરતાં શાંતિ જાળવો અને શાંત રહો.’ બીજા એક જણે કહ્યું, ‘તમે સંત છો એટલે આવી વિકટ પરિસ્થિતિમાં શાંત રહી શકો. અમે તો સામાન્ય માણસો છીએ. અમે શાંત ન રહી શકીએ.અત્યારે શાંતિ જાળવવી શક્ય જ નથી.’
સંત થોડા કડક અને મક્કમ અવાજમાં બોલ્યા, ‘ભાઈ, શાંતિ ન જળવાતી હોય તો પણ પરાણે જાળવો. શાળામાં ગુરુજીના મારથી ડરીને ચુપચાપ બેસી જતા હતા તેમ મનને સંભાળીને પરાણે ચૂપચાપ બેસી જાવ.આંખ બંધ કરી લો.આજે જીવનનો એક પાઠ શીખી લો કે આપણે જે ગુણને વિકસાવવો હોય તે આપણામાં છે જ તેમ માનીને તેવું વર્તન કરવાનું શરૂ કરી દઈએ તો ધીમે ધીમે તે ગુણ આપણી અંદર વિકસવા માંડે છે.’ બધાના ગળે સંતની વાત બહુ ન ઊતરી છતાં તેમની વાત માની બધા શાંત થઇ બેસી ગયા તો ધીમે ધીમે બધાનો ડર થોડો ઓછો થયો અને મન થોડું શાંત થતાં અને નાવમાં પણ શાંતિ થતાં તોફાનનો ડર પણ ઓછો થયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.