Columns

એકાગ્રતા કેળવવા માટે

એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ પ્રવચનમાં એકાગ્રતા વિષે સમજાવતાં કહ્યું, ‘જીવનના દરેક ક્ષેત્રમાં એકાગ્રતા બહુ જરૂરી છે. ધ્યાન કરો, ભક્તિ કરો, વિદ્યા અભ્યાસ કરો કે કોઈ પણ અન્ય કાર્ય, દરેક કાર્યમાં એકમગ્ન થઈ સંપૂર્ણ એકાગ્રતા સાથે કરવું જરૂરી છે.એકાગ્રતા વિના કરેલી પ્રાર્થના અને ભક્તિ નકામી છે.એકાગ્રતા વિના કરેલો અભ્યાસ બરાબર યાદ રહેતો નથી.એકાગ્રતા વિના કરેલું કાર્ય સંપૂર્ણપણે ચોક્કસ હોતું નથી.એટલે જે કંઈ પણ કરો એકાગ્રતા સાથે કરો.’ એક શિષ્યે સવાલ પૂછ્યો, ‘ગુરુજી, એકાગ્રતા જરૂરી અને મહત્ત્વની છે તે તો સમજાયું, પણ આ એકાગ્રતા કેળવવા શું કરવું જોઈએ?’ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, એકાગ્રતા એક એવો ગુણ છે, જે ધીમે ધીમે રોજ રોજ પ્રયત્નો અને અભ્યાસ કરીને કેળવવો પડે છે.

શરીરની બધી ઇન્દ્રિયોને એક જ કામ પર કેન્દ્રિત કરવી પડે છે.મનને પણ કાબૂમાં રાખવું પડે છે.એકાગ્રતાના અભ્યાસ માટે તમે ધ્યાન, મૌન, હરિ નામસ્મરણ, શ્લોક્ના પઠન વગેરે કાર્યો કોઇ પણ ખલેલ કે રુકાવટ વિના કરવાનો પ્રયત્ન કરવો. ધીમે ધીમે એકાગ્રતા કેળવાશે.અને તમે જે કંઈ પણ કરો તેમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થવું મહત્ત્વનું છે. ખાસ કરીને ચંચળ મન પર કાબૂ કરવો અઘરો છે.મારા જ આશ્રમના શિષ્યોનો એક પ્રસંગ તમને કહું છું.—બે વર્ષ પહેલાં શિષ્યોને મેં આમ જ એકાગ્રતાના મહત્ત્વ વિષે અને કઈ રીતે કેળવાય તે માટે સમજાવ્યું હતું.

મારા ચાર ઉત્સાહિત શિષ્યોએ પોતાની એકાગ્રતા વધારવા માટે બીજે દિવસે આખો દિવસ સૂર્યાસ્ત સુધી મૌન પાળવાનું નક્કી કર્યું.સવારથી શિષ્યો મૌન પાળતા હતા.કંઈ બોલતા ન હતા.જે જોઈએ કે જે કંઈ કહેવું હોય તે ઈશારામાં કહેતા.સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને તેમણે બરાબર મૌન પાળ્યું હતું એટલે તેમના મનમાં તેમની એકાગ્રતા ઘણી સારી છે તેવા વિચાર સાથે તેઓ એકદમ ઉત્સાહિત હતા.સૂર્યાસ્ત થવાની થોડી મીનીટો પહેલાં જ પહેલો શિષ્ય બોલ્યો, ‘અરે, આપણું મૌન સફળ થશે. હવે સૂર્યાસ્ત થવાની થોડી જ મીનીટો બાકી છે.’

બીજા શિષ્યે કહ્યું, ‘શ શ …ચૂપ હજી આપણું મૌન પૂરું થયું નથી.’ત્રીજો શિષ્ય બોલી ઊઠ્યો, ‘અરે, તમે જરાક માટે મૌન તોડીને શું કામ બોલ્યા.’ચોથો શિષ્ય જે અત્યાર સુધી ચૂપ હતો તે ઉત્સાહથી બોલ્યો, ‘હું એક જ છું, જે કંઈ નથી બોલ્યો.’હજી સૂર્યાસ્ત થયો ન હતો અને બધાના મૌનનો નિયમ ઉત્સાહિત મન પર કાબૂ ન રહેતાં તૂટી ગયો હતો.મેં તેમને સમજાવ્યું કે એમ કંઈ મન પર કાબૂ રાખવો સહેલો નથી. ધીરે ધીરે નાના નાના પ્રયત્નો કરો અને ખાસ ધ્યાન રાખો. કાર્ય પૂરું થાય તે પહેલાં તેનો આનંદ વ્યક્ત ન કરો.’ગુરુજીએ એ રમૂજી પ્રસંગ સાથે શિષ્યોને એકાગ્રતાનું મહત્ત્વ સમજાવી તે કેળવવા માટેનો માર્ગ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top